સગો દીકરો અર્પણ કર્યો વાળીનાથ મહાદેવને

03 September, 2026 07:05 AM IST  |  sabarkantha | Shailesh Nayak

ઉત્તર ગુજરાતના યાત્રાધામ તરભમાં વાળીનાથ મહાદેવના મંદિરમાં કચ્છના મોખાણા ગામના રબારી પરિવારે ખુશી-ખુશી ૬ વર્ષના દીકરાને પ્રભુનાં ચરણમાં કર્યો અર્પણ: રંગેચંગે સંપન્ન થઈ દીકરાની તિલકવિધિ : ગામમાં હર્ષોલ્લાસ સાથે શોભાયાત્રા યોજાઈ

વાળીનાથ મહાદેવને અર્પણ કરવામાં આવ્યો શ્રેયાંસ, પોતાના દીકરા શ્રેયાંસને મહંત જયરામગિરિ બાપુને અર્પણ કરતાં માતા સોની અને પિતા વિસા રબારી.

ઉત્તર ગુજરાતના વિસનગર પાસે આવેલા યાત્રાધામ તરભમાં વાળીનાથ મહાદેવના મંદિરમાં કચ્છના મોખાણા ગામના રબારી પરિવારે પોતાના ૬ વર્ષના દીકરા શ્રેયાંસને વાળીનાથ મહાદેવનાં ચરણે હસતાં-હસતાં અર્પણ કર્યો હતો. શ્રાવણ મહિનાના સોમવારે હર્ષોલ્લાસ સાથે દીકરાની તિલકવિધિ યોજાઈ હતી અને મનમાં કોઈ પણ પ્રકારનો સંકોચ રાખ્યા વગર વિસા રબારી પરિવારે પોતાના વહાલસોયા દીકરાને દેવાધિદેવને અર્પણ કરીને ધન્યતા અનુભવવા સાથે ગર્વ મહેસૂસ કર્યો હતો.

રબારી સમાજમાં દીકરો અર્પણ કરવાની પરંપરા વર્ષોથી ચાલી આવે છે. વિસા રબારીના સૌથી નાના પુત્ર શ્રેયાંસને પ્રભુને અર્પણ કરવાની તિલકવિધિ તરભ ગામમાં આવેલા વાળીનાથ મહાદેવ મંદિરના મહંત જયરામગિરિ બાપુની ઉપસ્થિતિમાં યોજાઈ હતી. રબારી પરિવારે હોંશે હોંશે મહંત જયરામગિરિ બાપુને પોતાનો દીકરો સોંપ્યો હતો અને મહંતે તિલક કરીને દીકરાનો સ્વીકાર કર્યો હતો.

પોતાના દીકરાને અર્પણ કરનાર વિસા રબારીએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘મારા પરિવારના સભ્યો વાળીનાથ ભગવાનના સેવક છે. મારો સંકલ્પ હતો કે એક દીકરાને હું વાળીનાથદાદાને અર્પણ કરીશ, દાદા હુકમ કરે અને સમય આવે ત્યારે અવસર કરીશ. આ સંકલ્પ ઘણા સમયથી હતો. મારે ત્રણ દીકરા છે એમાં શ્રેયાંસ સૌથી નાનો દીકરો છે. તેની ઉંમર ૬ વર્ષની છે. સોમવારે તરભમાં આવેલા વાળીનાથ ભગવાનના મંદિરમાં મહંતને અમે દીકરો સોંપ્યો હતો અને તેની તિલકવિધિ યોજાઈ હતી. હવે તેનું નવું નામકરણ શ્રેયાંસગિરિ થયું છે. આ પ્રસંગે પરિવારજનો સહિત મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા. તિલકવિધિ પહેલાં મારા ગામમાં શનિવારે ભજન તેમ જ ભોજનનો ઉત્સવ યોજ્યો હતો જેમાં પરિવારના સભ્યો, સગાંસંબંધીઓ સહિતના લોકો મોટી સંખ્યામાં જોડાયા હતા. રવિવારે ગામમાં શોભાયાત્રા યોજાઈ હતી અને મંદિરે દર્શન કરવા ગયા હતા. આ યાત્રામાં આસપાસનાં ગામના લોકો પણ જોડાયા હતા.’    

વહાલસોયા દીકરાને મંદિરમાં સોંપતાં પહેલાં માતા-પિતા તરીકે અમારું મન પાછું પડ્યું નહોતું અેમ કહીને વિસા રબારીએ કહ્યું હતું કે ‘દીકરાને અર્પણ કરતાં મારું કે મારાં પત્ની સોની કે પરિવારજનોનું મન પાછું નહોતું પડ્યું. હસતા મુખે અને શ્રદ્ધાપૂર્વક દીકરાને વાળીનાથ ભગવાનને સોંપ્યો હતો. મનમાં એવો ભાવ પણ આવ્યો નહોતો કે દીકરાને ન સોંપીએ. મનમાં ક્યાંય કચાશ પણ નહોતી, પણ અમારા મનમાં ભાવ હતો કે દીકરાને અર્પણ કરવો છે અને પરિવારે ઉત્સાહ સાથે સંકોચ વગર દીકરો અર્પણ કર્યો છે એની ખુશી છે. વાળીનાથ ભગવાનનો ધ્વજ લહેરાતો રહે, સનાતન ધર્મનો ધ્વજ લહેરાતો રહે એવા ભાવ સાથે દીકરાને વાળીનાથદાદાનાં ચરણોમાં અર્પણ કરીને અમે ધન્ય બન્યાં છીએ.’

રબારી સમાજમાં દીકરાઓનું દાન 
વાળીનાથ મહાદેવ મંદિરના મહંત જયરામગિરિ બાપુએ મીડિયા સાથે વાત કરતાં કહ્યું હતું કે ‘વાળીનાથ પરંપરા અને સનાતન સંસ્કૃતિ, સનાતન ધર્મની અંદર રબારી સમાજની જગ્યાઓમાં આવી રીતે દીકરાઓનું દાન આપતા હોય છે. વાળીનાથ ભગવાન મંદિર બધા જ સમાજની આસ્થાનું કેન્દ્ર બન્યું છે. વર્ષોથી લોકો ટેક રાખતા હોય છે કે ભગવાન બે દીકરા આપશે તો એક દીકરો અમે વાળીનાથમાં અર્પણ કરીશું અને માનતા પૂરી થતાં લોકો દીકરો વાળીનાથ મંદિરમાં અર્પણ કરતા હોય છે. આ વાળીનાથની પરંપરા રહેલી છે. છેલ્લાં પાંચેક વર્ષમાં પાંચ દીકરાઓ વાળીનાથ મંદિરમાં અર્પણ કરવામાં આવ્યા છે. આજના ભૌતિક યુગમાં પણ વાળીનાથ પરંપરા એક એવી પરંપરા છે જેમાં શરૂઆતમાં દીકરો આવે ત્યારે તેને અભ્યાસ કરાવીએ છીએ. અભ્યાસ કર્યા બાદ પુખ્ત વયનો થાય ત્યારે તેને પૂછવામાં આવે છે કે જીવનમાં કયા રસ્તા પર જવું છે. એ જીવનનો નિર્ણય કરીને તેને સંતજીવનમાં રહેવું હોય ત્યારે તેને સંતજીવન માટે અપનાવતા હોઈએ છીએ એટલે આ પરંપરા આટલે સુધી જળવાઈ રહી છે.’  

ધર્મના માટે દીકરો કર્યો અર્પણ  
તરભના વાળીનાથ ભગવાનના મંદિરના સેવક વિહાભાઈ દેસાઈએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘સમાજમાં દીકરાઓને અર્પણ કરવાની પરંપરા ‍વર્ષોથી છે. અત્યારે દીકરાનું દાન કોણ કરે? અત્યારના સમયમાં વાલીઓ તેમના દીકરાને દૂર નથી કરતા ત્યારે વિસાભાઈએ સંકલ્પ કર્યો હતો કે મારે બે દીકરા થશે તો એક દીકરો હું ધર્મના માટે વાળીનાથ મંદિરે અર્પણ કરીશ. તેમનો સંકલ્પ પૂરો થયો છે અને સોમવારે તેમના દીકરાને મહંત જયરામગિરિ મહારાજને મંદિરમાં અર્પણ કર્યો હતો.’ 

gujarat news gujarat shailesh nayak culture news gujarati community news exclusive sabarkantha religious places