08 September, 2023 10:05 AM IST | Ahmedabad | Shailesh Nayak
સાળંગપુરમાં હનુમાનજીદાદાના મંદિર પરિસરમાં મટકી ફોડ કાર્યક્રમ યોજાયો હતો
અમદાવાદના ઇસ્કૉન મંદિરમાં યંગસ્ટર્સે મહામંત્રની પાંચ માળા કરીને ભગવાન શ્રીકૃષ્ણનુ ધ્યાન ધર્યું : સાળંગપુર હનુમાનજી મંદિરમાં પણ મટકી ફોડ કાર્યક્રમ સાથે જન્માષ્ટમી પર્વની થઈ ઉજવણી
જન્માષ્ટમીના પર્વ પર ગઈ કાલે ગુજરાતનાં શ્રીકૃષ્ણ મંદિરોમાં માનવ મહેરામણ ઊમટ્યો હતો અને હર્ષોલ્લાસ સાથે કનૈયાના જન્મને વધાવીને કૃષ્ણ જન્મોત્સવની શ્રદ્ધા, ભક્તિ અને આસ્થા સાથે ઉમંગભેર ઉજવણી કરી હતી. દ્વારકા, ડાકોર, શામળાજી, સોમનાથ ભાલકા તીર્થ, અમદાવાદના સોલા ભાગવત વિદ્યાપીઠ અને ઇસ્કૉન સહિતનાં કૃષ્ણ મંદિરોમાં લાખો શ્રદ્ધાળુઓએ બાળ કનૈયાનાં દર્શન કરીને ધન્યતા અનુભવી હતી.
ગુજરાતમાં આવેલા વિશ્વ પ્રસિદ્ધ યાત્રાધામ દ્વારકા, ડાકોર, શામળાજી, સોમનાથ ભાલકા તીર્થ, અમદાવાદના સોલા ભાગવત વિદ્યાપીઠ અને ઇસ્કૉન સહિતનાં કૃષ્ણ મંદિરોમાં ગઈ કાલે ભક્તિભાવ સાથે જન્માષ્ટમી પર્વની ઉજવણી થઈ હતી. વહેલી પરોઢથી કૃષ્ણ મંદિરોમાં ભાવિકોની લાઇન લાગી હતી. દિવસ દરમ્યાન કૃષ્ણ મંદિરોમાં વિશેષ પૂજાઅર્ચના થઈ હતી. ભગવાનને અવનવાં વસ્ત્રપરિધાન કરાવ્યાં હતાં, છપ્પનભોગથી લઈને રાજભોગ, ગ્વાલ ભોગ સહિતના વિવિધ પ્રકારના ભોગ ધરાવ્યા હતા. વિવિધ મંદિરોમાં ભજન સહિતના સાંસ્કૃતિક કાર્યક્રમો યોજાયા હતા. મોડી રાતે ૧૨ વાગ્યે કૃષ્ણ જન્મોત્સવ થતાં ભાવિકો ભાવવિભોર થયા હતા અને મંદિરમાં કોણ છે, રાજા રણછોડ છે તેમ જ જય રણછોડ, માખણચોરના ગગનભેદી નારા ગુંજી ઊઠ્યા હતા. લાખો શ્રદ્ધાળુઓએ કર્યા બાળ કનૈયાનાં દર્શન કરીને હેતથી પારણું ઝુલાવીને પ્રભુને લાડ લડાવ્યાનો એહસાસ કર્યો હતો.
અમદાવાદમાં આવેલા ઇસ્કૉન મંદિરમાં ગોકુળની થીમ પર ડેકોરેશન કરાયું હતું. મંદિરમાં હરે કૃષ્ણ, હરે કૃષ્ણ, કૃષ્ણ કૃષ્ણ હરે હરે... મહામંત્રનુ યંગસ્ટર્સે મનમાં ગાન કરીને પાંચ માળા ફેરવીને ભગવાન શ્રીકૃષ્ણનુ ધ્યાન ધર્યું હતું. અમદાવાદમાં સોલા ભાગવત વિદ્યાપીઠમાં પ્રભુના જન્મોત્સવને લઈને વિવિધ કાર્યક્રમોનું આયોજન કરાયું હતું. મોટી સંખ્યામાં ભાવિકો પ્રભુનાં દર્શન માટે સવારથી ઊમટ્યા હતા. દરમ્યાન સવારે ૧૧ વાગ્યે વિધિ માટે મંદિરનાં દ્વાર બંધ કરાયા હતા તેમ છતાં પણ ભાવિકો બંધ બારણાની સામે હરિના સન્મુખ બેસીને દ્વાર ખૂલે અને પ્રભુનાં દર્શનની ઝાંકી થાય એ માટે મોટી સંખ્યામાં ભાવિકો પ્રતીક્ષા કરીને બેસી રહ્યા હતા.
વિશ્વ પ્રસિદ્ધ યાત્રાધામ ડાકોરમાં રણછોડરાયજી મંદિરના મૅનેજર રવિન્દ્ર ઉપાધ્યાયે ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘સાંજે સાડાચાર વાગ્યા સુધીમાં એક લાખથી વધુ શ્રદ્ધાળુઓએ ભગવાન રણછોડરાયજીનાં દર્શન કર્યાં હતાં. સવારથી જ ભાવિકો મંદિરમાં દર્શન કરવા ઊમટ્યા હતા. પ્રભુને પૂજાઅર્ચના કરાઈ હતી. વર્ષમાં ત્રણ વખત ભગવાન રણછોડરાયજીને સવા લાખનો મુગટ ધરાવાય છે એ આજે ધરાવાયો હતો. રાતે કૃષ્ણ જન્મોત્સવમાં ભગવાનને સોનાના પારણે ઝુલાવવામાં આવશે.’
અરવલ્લીમાં આવેલા વિશ્વ પ્રસિદ્ધ યાત્રાધામ શામળાજીમાં ગઈ કાલે ઉમંગભેર જન્માષ્ટમી પર્વની ઉજવણી કરાઈ હતી. ભગવાન શામળિયાજીની શોભાયાત્રા યોજાઈ હતી. યુવક મંડળ દ્વાર ૧૦૦ મટકી ફોડના કાર્યક્રમ યોજાયા હતા. આ ઉપરાંત સ્થાનિક કલાકારો દ્વારા ભજન સત્સંગનો કાર્યક્રમ યોજાયો હતો. શામળાજીમાં વહેલી પરોઢથી પ્રભુશ્રી કાળિયા ઠાકર શામળિયાજીનાં દર્શન માટે ભાવિકો ઊમટ્યા હતા.
વિશ્વ પ્રસિદ્ધ યાત્રાધામ અને પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથમાં ભગવાનશ્રી સોમનાથદાદાને ગઈ કાલે જન્માષ્ટમી નિમિત્તે સાંજે આરતી પહેલાં શ્રીકૃષ્ણ જન્મોત્સવ શૃંગાર કરાયો હતો, જેનાં દર્શન કરીને ભાવિકો ધન્ય બન્યા હતા. બીજી તરફ સોમનાથ યાત્રાધામમાં આવેલા ભાલકા તીર્થમાં શ્રીકૃષ્ણ જન્મોત્સવની ઉજવણી થઈ હતી. ભાલકા તીર્થમાં વહેલી સવારથી ભાવિકોએ દર્શન માટે લાઇન લગાવી હતી.
વિશ્વ પ્રસિદ્ધ યાત્રાધામ સાળંગપુરમાં આવેલા કષ્ટભંજનદેવ હનુમાનજી મંદિરમાં જન્માષ્ટમી પર્વની ઉજવણી કરવામાં આવી હતી. ભગવાન શ્રીકૃષ્ણ જન્મોત્સવ નિમિત્તે હનુમાનજીદાદાને મયૂર પંખના વાઘાનો શણગાર કરાયો હતો. મંદિર પરિસરમાં મટકી ફોડ કાર્યક્રમ યોજાયો હતો, જેમાં ભાવિકોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો. આ ઉપરાંત સાંસ્કૃતિક કાર્યક્રમોનું આયોજન કરાયું હતું.