03 February, 2025 11:30 AM IST | Gandhinagar | Gujarati Mid-day Correspondent
ચોરની પાછળ ભાગતા પોલીસનો ડ્રોનથી લેવાયેલા શૉટ.
ગુજરાત અને રાજસ્થાનના મંદિરોમાં ચોરી કરતી ટોળકીના એક મેમ્બરને ગુજરાતની દાહોદ પોલીસે ડ્રોનની મદદથી પીછો કરી એક કલાક દોડાવ્યા બાદ પકડી લીધો હતો. ખેતરમાં નાસી રહેલા ચોરનો એક કિલોમીટર સુધી પોલીસે પીછો કર્યો હતો. ચોરને આ રીતે પકડવાનો વિડિયો સોશ્યલ મીડિયામાં વાઇરલ થયો છે. ગયા દિવસોમાં ગુજરાત સરકારે અપરાધીઓ પર અંકુશ લગાવવા માટે લેટેસ્ટ ટેક્નૉલૉજી અને આર્ટિફિશ્યલ ઇન્ટેલિજન્સનો ઉપયોગ શરૂ કરી દીધો છે.
મંદિરોમાં ચોરી
દાહોદ પોલીસની લોકલ ક્રાઇમ બ્રાન્ચે દાહોદમાં સોમેશ્વર મહાદેવ મંદિરમાં થયેલી ચોરીના કેસમાં સંડોવાયેલા આરોપી રાજેશ ઉર્ફે રાજી લાલા ભાભોરને હાઇટેક પદ્ધતિથી પકડ્યો હતો. દાહોદમાં રહેતા આ આરોપી પર રાજસ્થાનમાં બે જૈન મંદિર અને રાધાકૃષ્ણ મંદિર સાથે એક ઘરમાં પણ ચોરી કરવાનો આરોપ હતો. પોલીસને જાણ થઈ કે આરોપી તેના ઘરે છે તેથી રહેવાસી ક્ષેત્રમાંથી તેને પકડવા માટે ઑપરેશન શરૂ કરવામાં આવ્યું હતું. પોલીસ ઘરે પહોંચતાં આરોપી પાસેનાં ખેતરોમાં જતો રહ્યો પણ પોલીસે ડ્રોનની મદદથી આરોપીનું લોકેશન ટ્રેસ કરીને તેનો પીછો કરી પકડી લીધો હતો.
ચોરીની કબૂલાત કરી
આરોપી રાજેશે પોલીસ સામે ગુનાની કબૂલાત કરી દીધી છે. તેણે બીજા આરોપીઓનાં નામ આપતાં તેમને પણ પકડી લેવામાં આવ્યા છે. તેમણે વડોદરા શહેર, ગ્રામીણ વિસ્તાર, દાહોદ, ગાંધીનગર અને પંચમહાલ સહિત ૧૦ જગ્યાએ ચોરી કરી હતી. ચાંદીના ઝવેરાત અને મોટરસસાઇકલ જપ્ત કરવામાં આવ્યાં છે.
ચોર પણ હાઇટેક, ગૂગલથી મેળવતા જાણકારી
આરોપીએ જણાવ્યું હતું કે જ્યાં ચોરી કરવાની હોય એ વિસ્તારની અને એ સ્થળની જાણકારી તેઓ ગૂગલ પરથી મેળવતા હતા. મંદિરોની આખી જાણકારી ગૂગલથી મેળવતા હતા. પછી ચોરી પહેલાં ત્યાં તપાસ કરીને ચોરીને અંજામ આપતા હતા.
દાહોદમાં ગાંજાની ખેતી કરનારા દાદા અને પૌત્રની જોડી પણ ડ્રોનથી પકડાઈ
દાહોદ પોલીસે પોતાના ખેતરમાં ગાંજાની ખેતી કરીને એની પુડીઓ બનાવીને વેચતા દાદા અને પૌત્રની જોડીને પણ ડ્રોનની મદદથી પકડી પાડી હતી. પોલીસે ૮૦ લાખ રૂપિયાની કિંમતના ગાંજાના ૪૫૫ છોડ અને સૂકો ગાંજો જપ્ત કર્યા છે. દાદાએ નાડાતોડ ગામમાં આવેલા ખેતરમાં ગાંજો વાવ્યો હતો અને પૌત્ર એની પુડીઓ બનાવીને વેચતો હતો. આ ખેતરમાં અજીબ પ્રકારની વાસ આવે છે એવી ફરિયાદના પગલે ડ્રોનની મદદથી પોલીસે તપાસ કરી ત્યારે ગાંજાની ખેતીની જાણકારી મળી હતી. આ ગામ ગુજરાત, રાજસ્થાન અને મધ્ય પ્રદેશની બૉર્ડર પર છે અને જંગલ ક્ષેત્ર છે. ગયાં બે વર્ષમાં દાહોદ પોલીસે આર્ટિફિશ્યલ ઇન્ટેલિજન્સ અને ડ્રોનની મદદથી ગાંજાની ખેતી કરવાના કેસમાં ૧૫ આરોપીઓને પકડ્યા છે અને ૨.૫૦ કરોડ રૂપિયાનો ગાંજો જપ્ત કર્યો છે.