04 December, 2024 01:03 PM IST | Gandhinagar | Gujarati Mid-day Correspondent
ગુજરાત પોલીસના સ્નિફર ડૉગ્સ
ગુજરાતમાં છેલ્લા ૬ મહિનામાં બનેલા વિવિધ ગુનાઓમાંથી ૮ ગુના ઉકેલવામાં ગુજરાત પોલીસના સ્નિફર ડૉગ્સે મહત્ત્વનો રોલ ભજવ્યો છે અને હત્યા, રેપ, ચોરી તેમ જ ડ્રગ્સના ગુના ઉકેલવામાં બીના, પેની, પાવર અને ગિગલી નામના શ્વાનો પોલીસને હેલ્પફુલ બની રહ્યા છે.
ગુજરાત પોલીસના નાર્કોટિક્સ ડૉગ્સ દ્વારા ગાંજાના જથ્થાને શોધીને બે કેસ કરવામાં આવ્યા છે. ગઈ ૨૧ ઑક્ટોબરે ગાંધીધામ એક્સપ્રેસ ટ્રેનમાંથી નાર્કોટિક્સ ડૉગ ગુલાબે સ્ટીલના ડબ્બામાં અથાણાં અને રસગુલ્લાની વચ્ચેથી સેલોટેપ વીંટાળીને સંતાડેલો ગાંજાનો જથ્થો શોધી કાઢ્યો હતો, જ્યારે કૅપ્ટોએ ૧૪ ઑક્ટોબરે રાજકોટ જિલ્લાના ધોરાજીમાં એક આરોપીના ઘરમાં બાથરૂમમાં સંતાડેલો ૧૨ કિલો ગાંજો શોધી કાઢ્યો હતો. એ જ દિવસે ભાવનગરમાં હત્યાના એક કેસમાં બીનાને મૃત્યુ પામેલી વ્યક્તિની આજુબાજુની જગ્યા તથા લોહીના ડાઘની સ્મેલ આપી ટ્રૅક કરાવતાં એણે નૅશનલ હાઇવે સુધી દોડીને ત્રણ આરોપીઓને શોધી આપ્યા હતા. એ દિવસે અમદાવાદ ગ્રામ્ય વિસ્તારમાં થયેલી ૧.૦૭ કરોડ રૂપિયાની ચોરીમાં પેની નામના શ્વાનને સ્કૂલબૅગ અને પાણીની બૉટલ સુંઘાડતાં એણે ગુનો ડિટેક્ટ કરાવ્યો હતો.
બીજી તરફ સુરત ગ્રામ્ય વિસ્તારમાં એક રેપકેસમાં ૯ ઑક્ટોબરે પાવર નામના ડૉગે ચંપલની સ્મેલથી ગુનામાં વપરાયેલી બાઇક સુધી પહોંચાડવામાં પોલીસને મદદ કરી હતી. ૧૦ સપ્ટેમ્બરે પોરબંદરમાં ગૅસકટરથી પવનચક્કીને ૧.૧૦ કરોડ રૂપિયાનું નુકસાન પહોંચાડનાર આરોપીને રૅમ્બોની મદદથી પકડી પાડવામાં આવ્યો હતો. ૬ ઑગસ્ટે પાટણમાં થયેલી ઘરફોડ ચોરીમાં વેલ્ટર નામના ડૉગે આર્ટિકલની સ્મેલથી બે આરોપીઓ સુધી પહોંચીને ગુનો ડિટેક્ટ કરવામાં પોલીસને મદદ કરી હતી. ૧૭ મેએ વડોદરા ગ્રામ્ય વિસ્તારમાં થયેલી ચોરીમાં ગિગલીએ સાણસી અને પેટીના નકૂચાની સ્મેલ લઈને પોલીસને આરોપીનું ઘર દેખાડ્યું હતું.