08 February, 2025 10:58 AM IST | Ahmedabad | Gujarati Mid-day Correspondent
પ્રતીકાત્મક તસવીર
સૌરાષ્ટ્રના જૂનાગઢને અડીને આવેલા ઐતિહાસિક અને પવિત્ર યાત્રાધામોના ગરવા ગઢ ગિરનાર પર ભારે પવનને કારણે ગઈ કાલે સતત ચોથા દિવસે પણ ગિરનારનો રોપવે બંધ રાખવામાં આવ્યો હતો. પવનની ગતિ વધુ હોવાથી યાત્રીઓની સેફ્ટીને ધ્યાનમાં લઈને આ રોપવે બંધ રખાયો હતો.
ગિરનાર પર્વત અને આસપાસના જંગલવિસ્તારમાં છેલ્લા ચાર દિવસથી સુસવાટા મારતા પવન ફૂંકાઈ રહ્યા છે. સ્થાનિક લોકોએ જણાવ્યા પ્રમાણે ૬૦થી ૭૦ કિલોમીટરની ગતિએ પવન ફૂંકાય છે જેને કારણે ઘણી વાર એવું થાય છે કે રોપવેની ટ્રૉલીઓ હલવા માંડે છે અને એમાં બેઠેલા યાત્રીઓમાં ઘણી વાર ગભરાટ ફેલાઈ જાય છે એટલું જ નહીં, રોપવેની ટ્રૉલી ઉપર જતી હોય કે નીચે આવતી હોય ત્યારે પવનની ઝડપને કારણે પોલ સાથે અથડાઈ જવાની સંભાવના પણ હોવાથી યાત્રીઓની સેફ્ટી માટે છેલ્લા ચાર દિવસથી રોપવે બંધ રાખવામાં આવી રહ્યો છે. રોપવે બંધ રહેતાં ઘણા યાત્રીઓ પગથિયાં ચડીને દર્શને જઈ રહ્યા છે તો ઘણા સિનિયર સિટિઝન્સ ગિરનાર પર્વત પર જવાનું ટાળી રહ્યા છે.
૨.૩ કિલોમીટર લાંબો ગિરનાર રોપવે દુનિયાના સૌથી લાંબા રોપવે પૈકીનો એક
ગિરનાર રોપવે દુનિયાના સૌથી લાંબા રોપવેમાંનો એક છે જે ૨.૩ કિલોમીટર લાંબો છે અને એ ગિરનાર પર્વતની જમીનથી ૩૬૬૦ ફુટની ઊંચાઈએ આવેલા અંબાજી મંદિર સાથે જોડે છે. વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ઑક્ટોબર ૨૦૨૦માં આ રોપવેનું ઉદ્ઘાટન કર્યું હતું અને એ પછી ચાર વર્ષ દરમ્યાન ૩૦ લાખથી વધુ યાત્રીઓ રોપવેમાં બેઠા છે. ગિરનાર રોપવેમાં ૩૧ કૅબિન છે જેમાં બેસીને યાત્રીઓ ૯ મિનિટે ગિરનાર પર્વત પર પહોંચે છે. આ રાઇડ દરમ્યાન ગિરનાર પર્વત અને એની આસપાસની પ્રકૃતિનો નઝારો અદ્ભુત દેખાય છે અને એની સાથે રોમાંચક મુસાફરીનો આનંદ પણ મળે છે.
ગુજરાતમાં ગિરનાર, પાવાગઢ અને અંબાજી પર્વત પર આવેલાં યાત્રાધામોએ જવા માટે રોપવે ચાલે છે. ગયા વર્ષ દરમ્યાન ગિરનાર રોપવેમાં ૭.૫૭ લાખ યાત્રીઓ બેઠા હતા, જ્યારે પાવાગઢના રોપવેમાં ૨૪.૪૭ લાખ તેમ જ અંબાજીના ગબ્બર રોપવેમાં ૧૫.૫૯ લાખ યાત્રીઓ બેઠા હતા.