15 April, 2026 02:26 PM IST | Vadodara | Gujarati Mid-day Online Correspondent
ડૉ. ગાયત્રી દવે
Charusat: આ પ્રૉજેક્ટ માટે સમગ્ર ભારતમાંથી માત્ર 7 વૈજ્ઞાનિકોની પસંદગી થઈ છે તેમાં ડૉ. ગાયત્રી દવેનો સમાવેશ થાય છે. તેના અંતર્ગત હવે ડૉ. ગાયત્રી દવે આર્કટિક રિસર્ચ સેન્ટર હિમાદ્રી ખાતે મહિનો રોકાઈને ત્યાં રહેલી દુર્લભ પ્રજાતિનું જૈવિક સંશોધન કરવાનાં છે.
ચરોતર યુનિવર્સિટી ઓફ સાયન્સ એન્ડ ટેક્નોલોજી (Charusat) સંલગ્ન ફેકલ્ટી ઓફ સાયન્સીસના ડીન તથા પી. ડી. પટેલ ઇન્સ્ટીટયુટ ઓફ એપ્લાઈડ સાયન્સીસ (PDPIAS)નાં એસોસિયેટ પ્રોફેસર ડૉ. ગાયત્રી દવેએ વૈજ્ઞાનિક ક્ષેત્રે ગૌરવપૂર્ણ અને નોંધપાત્ર સિદ્ધિ પ્રાપ્ત કરી છે. ડૉ. ગાયત્રી દવેની પ્રતિષ્ઠિત ભારતીય આર્કટિક અભિયાન 2026-2027 માટે પસંદગી કરવામાં આવી છે. ડૉ. ગાયત્રી દવેની રિસર્ચ પ્રપોઝલને બાયોલોજી થીમ હેઠળ ભારતના આર્કટિક રિસર્ચ સેન્ટર હિમાદ્રી ખાતે ફિલ્ડ એક્સેસ માટે મંજૂરી આપવામાં આવી છે. નેશનલ સેન્ટર ફોર પોલાર એન્ડ ઓશન રિસર્ચ (NCPOR) અંતર્ગત કાર્યરત આ રિસર્ચ સેન્ટર નોર્વેના એનવાય-એલેસન્ડ-સ્વાલબાર્ડ ખાતે આવેલું છે અને આર્કટિક ક્ષેત્રમાં ભારતનું મહત્વપૂર્ણ સાયન્ટીફીક સેન્ટર છે. ‘હિમાદ્રી’નો અર્થ થાય છે બરફનું નિવાસસ્થાન. ભારતનું પ્રથમ કાયમી આર્કટિક રિસર્ચ સેન્ટર છે અને ઉત્તર ધ્રુવ (નોર્થ પોલ)થી 1200 કિલોમીટરના અંતરે આવેલું છે. 1 જુલાઈ, 2008ના રોજ સ્થાપિત આ સેન્ટર વિશ્વના ઉત્તરીય ઇન્ટરનેશનલ રિસર્ચ સેન્ટરોમાંથી એક છે, જ્યાં ભારતીય વૈજ્ઞાનિકો હવામાન પરિવર્તન, પોલાર બાયોલોજી અને પર્યાવરણીય પ્રણાલીઓ પર મહત્વના સંશોધનો કરે છે.
ડૉ. ગાયત્રી દવે આર્કટિક રિસર્ચ સેન્ટર જઈને ત્યાં રહેલી દુર્લભ પ્રજાતિનું જૈવિક સંશોધન કરશે. આ પ્રૉજેક્ટ (Charusat) માટે સમગ્ર ભારતમાંથી માત્ર 7 વૈજ્ઞાનિકોની પસંદગી થઇ છે તેમાં ડૉ. ગાયત્રી દવેનો સમાવેશ થાય છે.
આ પ્રશ્નના જવાબમાં ડૉ. ગાયત્રી દવેએ કહ્યું હતું કે દર વર્ષે NCPOR તમામ રિસર્ચ પ્રપોઝલ મંગાવી સ્ક્રીનીંગ કરે છે તેમાંથી પસંદ કરવામાં આવેલી વિવિધ રિસર્ચ પ્રપોઝલને રિસર્ચ પ્રેઝન્ટેશન માટે ગોવા આમંત્રિત કરવામાં આવે છે. ત્યાર બાદ રીવ્યુ કમિટી મેરીટના આધારે રિસર્ચ પ્રપોઝલ પસંદ કરે છે.
Charusat: ડૉ. ગાયત્રી દવેનો પસંદ કરાયેલ રિસર્ચ પ્રૉજેક્ટ ‘એસ્ટાબ્લીશમેન્ટ એન્ડ લોન્ગ-ટર્મ મોનીટરીંગ ઓફ આર્કટિક માઈક્રોબાયલ ઇકોસિસ્ટમ: એ વિનોગ્રેડસ્કી સિમ્યુલેશન ઓફ ધ માઈક્રોબાયલ કોમ્યુનીટી ડીરાઈવડ ફ્રોમ ક્રાયોકોનાઈટ, બ્રાઈન્સ અને શેલો સેડીમેન્ટસ’ (Establishment and Long-term Monitoring of Arctic Microbial Ecosystem: A Winogradsky Simulation of the Microbial Community Derived from Cryoconite, Brines and Shallow Sediments) વિષય પર આધારિત છે. આ અભ્યાસ આર્કટિકની અતિ કપરી પરિસ્થિતિઓમાં માઇક્રોબાયલ ગતિશીલતા સમજવા માટે મહત્વપૂર્ણ સાબિત થશે. વિનોગ્રેડસ્કી કોલમ એપ્રોચ દ્વારા માઇક્રોબાયલ કોમ્યુનિટીનું સિમ્યુલેશન અને લાંબા ગાળાનું મોનીટરીંગ કરવામાં આવશે, જે ઈકોસિસ્ટમના કાર્ય અને હવામાન પરિવર્તનના પ્રભાવ વિશે મહત્વપૂર્ણ માહિતી પ્રદાન કરશે.
ડૉ. ગાયત્રી દવેને હિમાદ્રીમાં ફિલ્ડવર્ક માટે એક સમર બર્થ આપવામાં આવ્યો છે જેમાં ભારત સરકારના નિયમો મુજબ પ્રવાસ, નિવાસ તથા દૈનિક ભથ્થા સહીત સંપૂર્ણ આર્થિક સહાય ઉપલબ્ધ કરવામાં આવશે. ડૉ. ગાયત્રી દવેની આ પસંદગી તેઓને ભારત દેશના પસંદગીના વૈજ્ઞાનિકોના ગ્રુપમાં સ્થાન અપાવે છે, જેઓ પોલાર રિસર્ચ ફિલ્ડમાં મહત્વપૂર્ણ યોગદાન આપી રહ્યા છે.
ડૉ. ગાયત્રી દવે મે, 2026માં આર્કટિક રિસર્ચ સેન્ટર હિમાદ્રી ખાતે જશે, આર્કટિક રિસર્ચ સેન્ટરમાં 30 દિવસ રોકાશે અને જૂનમાં પરત આવશે. આ રિસર્ચ પ્રૉજેક્ટ (Charusat) આર્કટિક માઇક્રોબિયલ ઇકોસિસ્ટમ અંગે, ખાસ કરીને ઝડપથી બદલાતા હવામાનની પરિસ્થિતિઓના સંદર્ભમાં મૂલ્યવાન માહિતી પ્રદાન કરશે.
આ રિસર્ચ (Charusat) વૈશ્વિક બાયોજીઓકેમિકલ સાયકલની સમાજ વધારવામાં તેમજ પોલાર સ્ટડીમાં આંતરરાષ્ટ્રીય સ્તરે ભારતની વૈજ્ઞાનિક ઉપસ્થિતિને વધુ મજબૂત બનાવવામાં મદદરૂપ સાબિત થશે. ડૉ. ગાયત્રી દવેની આ સિદ્ધિ તેમની શૈક્ષણિક પ્રતિભા, સંશોધન પ્રતિબદ્ધતા અને વૈશ્વિક સ્તરે ભારતીય વૈજ્ઞાનિકોના વધતા પ્રભાવનું પ્રતિબિંબ છે તેમજ ઇન્ટરનેશનલ આર્કટિક સાયન્સ ઇનીશીયેટીવ તરફ ભારતીય સંશોધકોના વધતા જતા પ્રભાવને ઉજાગર કરે છે.