11 May, 2026 11:21 AM IST | Saurashtra | Shailesh Nayak
અરબી સમુદ્રના કિનારે આવેલા સોમનાથ મંદિરનો ભવ્ય નજારો.
આધ્યાત્મિકતાની અલખ જગાવતા જે મંદિરને સતયુગમાં ચંદ્રદેવે, ત્રેતાયુગમાં રાવણે, દ્વાપરયુગમાં ભગવાન શ્રીકૃષ્ણએ અને કળિયુગમાં રાજા ભીમદેવે બંધાવી આપ્યું હતું એ સૌરાષ્ટ્રમાં આવેલા વિશ્વપ્રસિદ્ધ યાત્રાધામ સોમનાથ મંદિરના પુનઃ નિર્માણને આજે ૧૧ મેએ ૭૫ વર્ષ પૂરાં થશે ત્યારે શું આપ જાણો છો કે...
બેસતા વર્ષના દિવસે સરદાર વલ્લભભાઈ પટેલે સોમનાથ મંદિરના પુનઃ નિર્માણનો સંકલ્પ કર્યો હતો?
સોમનાથ મંદિરના પુનઃ નિર્માણ માટે રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીએ સરદાર વલ્લભભાઈ પટેલને સલાહ આપી હતી?
કનૈયાલાલ મુનશી અને મહારાજા જામસાહેબનો ફાળો સોમનાથ મંદિરના પુનઃ નિર્માણકાર્યમાં ભુલાય એવો નથી.
ચારેય યુગમાં એકમાત્ર જે શિવમંદિરનું નિર્માણ થયું છે એ વિશ્વપ્રસિદ્ધ સોમનાથ મંદિરના પુનઃ નિર્માણ, આધ્યામિકતા અને અખંડિતતા સાથે વણાયેલી આવી જાણી-અજાણી બાબતોનો આજે સત્સંગ કરીએ.
બેસતા વર્ષનો એ દિવસ
જૂનાગઢને આઝાદી અપાવીને નૂતન વર્ષે એટલે કે બેસતા વર્ષના દિવસે ૧૯૪૭ની ૧૩ નવેમ્બરે સરદાર વલ્લભભાઈ પટેલ સોમનાથ આવ્યા હતા. સોમનાથ મંદિરના જીર્ણ અવશેષ જોઈને સરદાર વલ્લભભાઈ પટેલનું હૃદય દ્રવી ઊઠ્યું હતું અને તેમણે સોમનાથ મંદિરના પુનઃ નિર્માણનો સંકલ્પ લીધો હતો. એ પછી મંદિરના પુનઃ નિર્માણનું કાર્ય શરૂ થયું અને મંદિર બની જતાં ૧૯૫૧ની ૧૧ મેએ ભારતના પ્રથમ રાષ્ટ્રપતિ ડૉ. રાજેન્દ્ર પ્રસાદે સોમનાથ મહાદેવની પ્રાણપ્રતિષ્ઠા વિધિ સંપન્ન કરી હતી. એને આજે ૧૧ મેએ ૭૫ વર્ષ પૂરાં થઈ રહ્યાં છે અને એના ઉપલક્ષમાં અમૃતપર્વની ઉજવણી કરવામાં આવી રહી છે.
સરદારસાહેબે કર્યો સંકલ્પ
સોમનાથ મંદિરના પુનઃ નિર્માણના એ ઇતિહાસની વાતને યાદ કરતાં સોમનાથ ટ્રસ્ટના ટ્રસ્ટી પ્રવીણ લહેરી ‘મિડ-ડે’ને કહે છે, ‘૧૯૪૭ની ૧૩ નવેમ્બરે બેસતું વર્ષ હતું. સરદારસાહેબ સોમનાથ આવ્યા હતા. તેમની સાથે કનૈયાલાલ મુનશી, મહારાજા દિગ્વિજયસિંહ (જામસાહેબ) સહિતના લોકો હતા. સરદારસાહેબે સોમનાથ મંદિર જોયું. સોમનાથ મંદિરના જીર્ણશીર્ણ અવશેષો જોઈને તેમણે સમુદ્રનું જળ હાથમાં લઈને સોમનાથ મંદિરના પુનઃ નિર્માણનો સંકલ્પ કર્યો હતો. સરદારસાહેબે આ સમયે કનૈયાલાલ મુનશી અને મહારાજા જામસાહેબને આ મંદિર અને એના પુનઃ નિર્માણ વિશે વાત કરી હતી અને સોમનાથ મંદિરના પુનઃ નિર્માણકાર્યનો પ્રારંભ થયો હતો. સોમનાથ મંદિરનું પુનઃ નિર્માણ થયું એમાં સરદારસાહેબ ઉપરાંત કનૈયાલાલ મુનશી અને મહારાજા જામસાહેબનો મુખ્ય ફાળો હતો. આ ઉપરાંત કાકાસાહેબના નામથી જાણીતા એન. વી. ગાડગિલ જેઓ એ સમયે ભારત સરકારના કૅબિનેટ પ્રધાન હતા તેમનો તેમ જ રાજકોટના એ સમયના કમિશનર ડી. કે. રેગેનો પણ ફાળો હતો. સોમનાથ મંદિરનો શાશ્વત મંદિર તરીકે કનૈયાલાલ મુનશીએ ઉલ્લેખ કર્યો છે. કનૈયાલાલ મુનશી સોમનાથ મંદિરના પુનઃ નિર્માણની બાંધકામ સમિતિના અધ્યક્ષ હતા અને મહારાજા જામસાહેબ ટ્રસ્ટના અધ્યક્ષ હતા. આજે પણ સોમનાથ ટ્રસ્ટમાં કનૈયાલાલ મુનશીની બધી મિનિટ્સ રેકૉર્ડમાં છે. આજે પણ ૭૫ વર્ષ જૂનો રેકૉર્ડ સચવાયેલો છે.’
ગાંધીજીએ આપી સલાહ
સોમનાથ મંદિરના પુનઃ નિર્માણકાર્ય વિશે મહાત્મા ગાંધીએ સરદાર વલ્લભભાઈ પટેલને સલાહ આપી હતી કે પ્રજા પોતે આ કાર્યનો ખર્ચ વહન કરે એ યોગ્ય ગણાશે. સરદાર વલ્લભભાઈ પટેલે પણ ગાંધીજીની સલાહને માની હતી અને સોમનાથ ટ્રસ્ટની સ્થાપના કરી હતી. આ વિશે પ્રવીણ લહેરી કહે છે, ‘સરદારસાહેબને બાપુએ સલાહ આપી હતી કે સોમનાથ મંદિર ભલે ફરી બાંધીએ, પરંતુ એ રાજ્ય સરકારના ભંડોળથી બાંધવાને બદલે લોકફાળાથી કરવું જોઈએ, શ્રદ્ધાળુઓ પાસેથી ફાળો એકઠો કરીને કરવું જોઈએ એટલે એ રીતે ચાલે. એટલે ૧૯૪૯માં સોમનાથ ટ્રસ્ટની રચના કરી. કનૈયાલાલ મુનશીએ એનો ડ્રાફ્ટ તૈયાર કર્યો હતો અને સરદારસાહેબે એ જોયો હતો. પછી ટ્રસ્ટની રચના થઈ. એમાં ૪ ટ્રસ્ટીઓ ભારત સરકારે નીમેલા અને ૪ ટ્રસ્ટીઓ સૌરાષ્ટ્ર સરકારે નીમેલા. એ પરંપરા આજે પણ ચાલુ છે.’
જીર્ણશીર્ણ હાલતમાં મુકાઈ ગયેલા સોમનાથના મંદિરની ફાઇલ તસવીર. આ હાલત જોઈને સરદાર વલ્લભભાઈ પટેલે સોમનાથ મંદિરના પુનઃ નિર્માણનો સંકલ્પ કર્યો હતો.
૧૯૫૧માં સોમનાથ મંદિરનું પુનઃ નિર્માણ થયા બાદ પ્રાણપ્રતિષ્ઠા થઈ એ સમયનું મંદિર.
૧૯૫૧માં સોમનાથ મંદિરની પ્રાણપ્રતિષ્ઠા વિધિ કરતા એ સમયના રાષ્ટ્રપતિ ડૉ. રાજેન્દ્ર પ્રસાદ.
પહેલાં હતું સ્પર્શલિંગ અને વાયુલિંગ
મહમ્મદ ગઝનીથી લઈને અનેક લોકોએ સોમનાથ મંદિરને લૂંટ્યું અને તોડવાના પ્રયત્નો કર્યા હતા, પરંતુ ધાર્મિકજનો આસ્થા અને શ્રદ્ધાનાં દર્શન કરાવીને ફરી-ફરી સોમનાથ મંદિરનો જીર્ણોદ્ધાર કરાવતા રહ્યા હતા. શ્રદ્ધા અને આસ્થાના પ્રતીક સમું આ એકમાત્ર શિવમંદિર છે જેનું ચારેય યુગમાં નિર્માણ થયું છે. એ વિશે વાત કરતાં સોમનાથ ટ્રસ્ટના ટ્રસ્ટી અને ઇતિહાસવિદ જીવણ પરમાર ‘મિડ-ડે’ને કહે છે, ‘પહેલવહેલા સતયુગમાં ભગવાન ચંદ્રએ સોનાનું સોમનાથ મંદિર બનાવ્યું હતું. ચંદ્રને દક્ષ પ્રજાપતિનો શ્રાપ હતો. શ્રાપમાંથી મુક્ત થવા ભગવાન સોમનાથ એટલે કે શંકર ભગવાનને પ્રસન્ન કર્યા અને શ્રાપમુક્ત થયા હતા. ત્યારે બ્રહ્માજી પ્રગટ થયા હતા અને ચંદ્ર ભગવાન પાસે યજ્ઞ કરાવીને ભગવાન સોમનાથના જ્યોતિર્લિંગની સ્થાપના કરી. ત્યારથી આ સ્થળને પ્રથમ જ્યોતિર્લિંગ માનીએ છીએ. એ પહેલાં આ સ્થાને એટલે કે સોમનાથમાં સ્પર્શલિંગ હતું, વાયુલિંગ હતું જેનો સ્પર્શ થઈ શકે પણ જોઈ ન શકાય એવું હતું. આ લિંગ બ્રહ્માજીએ દક્ષિણ ધ્રુવ પ્રદેશમાંથી લાવી અહીં પ્રભાસમાં સ્થાપિત કર્યું હતું. ચંદ્રરાજાએ સતયુગમાં સોનાનું સોમનાથ મંદિર બનાવ્યું હતું. એ પછી ત્રેતાયુગમાં ભગવાન શંકરના ઉપાસક હતા તે લંકાપતિ રાવણે ચાંદીનું મંદિર બનાવ્યું હતું. દ્વાપરયુગમાં ભગવાન શ્રીકૃષ્ણએ ચંદનનાં લાકડાંમાંથી સોમનાથ મંદિર બનાવ્યું હતું અને કળિયુગમાં રાજા ભીમદેવે પથ્થરનું સોમનાથ મંદિર બનાવ્યું હતું. આમ ૪ યુગમાં ૪ જુદા-જુદા સ્વરૂપે સોમનાથ મંદિરનું નિર્માણ થયું છે. આ પહેલું એવું ભગવાન શંકરનું મંદિર છે જે ચારેય યુગમાં બન્યું છે. ઋગ્વેદ, મહાભારત, પુરાણો, શાસ્ત્રોમાં એનો ઉલ્લેખ છે.’
૧૦૧ તોપની અપાઈ હતી સલામી
સરદાર વલ્લભભાઈ પટેલના સંકલ્પ બાદ જ્યારે મહામેપુ પ્રાસાદના પ્રથમ તબક્કાનું કામ પૂરું થયું ત્યારે એ સમયના રાષ્ટ્રપતિ ડૉ. રાજેન્દ્ર પ્રસાદે ૧૯૫૧ની ૧૧ મેએ પ્રાણપ્રતિષ્ઠા વિધિ કરી હતી. આ પ્રસંગે ૧૦૮ તીર્થોનું પવિત્ર જળ પ્રાણપ્રતિષ્ઠાની વિધિ માટે એકઠું કરવામાં આવ્યું હતું તેમ જ સમુદ્રમાં ૫૧ બોટને ફૂલોથી શણગારીને ઊભી રાખી એમાં ૧૦૧ તોપ મૂકી હતી. પ્રાણપ્રતિષ્ઠા વિધિ પૂરી થઈ અને ૧૦૮ બ્રાહ્મણોના મંત્રોચ્ચાર વચ્ચે એકઠા થયેલા શ્રદ્ધાળુઓની જનમેદનીએ જય સોમનાથના નાદનો ગગનભેદી ગુંજારવ કર્યો ત્યારે ૧૦૧ તોપની સલામી આપવામાં આવી હતી. ડૉ. રાજેન્દ્ર પ્રસાદે એ સમયે લોકોને સંબોધતાં કહ્યું હતું કે ‘પ્રાચીન ભારતની સમુદ્રી, શ્રદ્ધા અને સંસ્કૃતિનું પ્રતીક સોમનાથનું મંદિર હતું, જેમનું ચરણપ્રક્ષાલન સમુદ્ર કરે છે. જનતા જેને પ્રેમ કરે છે, જેના માટે જનસામાન્યના હૃદયમાં શ્રદ્ધા અને સ્નેહ છે એને સંસારમાં કોઈ પણ મિટાવી શકતું નથી.’
ભવ્ય અને દિવ્ય મંદિર જોવા રહ્યા નહીં સરદારસાહેબ
આજે ૧૧ મેનો દિવસ ભારતના અતિ પૌરાણિક તીર્થસ્થળ સોમનાથ માટે ગૌરવવંતો ઐતિહાસિક દિવસ છે. ભારતના પશ્ચિમ કિનારે અરબી સમુદ્રના તટે બિરાજતા સોમનાથ મહાદેવનું મંદિર શાશ્વત સંસ્કૃતિનું પ્રતીક છે. આ ઉપરાંત સંઘર્ષ સામે વિજય અને અતૂટ આસ્થાનું કેન્દ્ર પણ છે જ્યાં દેશ-વિદેશમાંથી કરોડો શ્રદ્ધાળુઓ શીશ નમાવી દેવાધિદેવ સોમનાથજીના આશિષ મેળવીને ધન્યતા અનુભવી રહ્યા છે. સરદાર વલ્લભભાઈ પટેલે સોમનાથ મંદિરનું પુનઃ નિર્માણકાર્ય કરાવ્યું, પરંતુ તેઓ સોમનાથના ભવ્ય મંદિરને જોવા સદેહે રહ્યા નહીં.
બાણસ્તંભનો મહિમા
અરબી સાગરના તટ પર બિરાજમાન સોમનાથ મહાદેવ મંદિરના પરિસરના
દિક્ષણ ભાગમાં બાણસ્તંભ છે જે ભારતીય ખગોળવિદ્યાનાં દર્શન કરાવે છે. એ જમાનામાં પણ હિન્દુ સંસ્કૃતિનો જ્ઞાનનો મહિમા હતો અને વિદ્વાનો પાસે કેવું જ્ઞાન હતું કે તેમણે આદિકાળમાં બાણસ્તંભ એવી રીતે ગોઠવ્યો હતો જ્યાંથી સમુદ્ર પર સીધી રેખા દોરવામાં આવે તો આ માર્ગ પર ક્યાંય પણ જમીનનો એક પણ ટુકડો આવતો નથી. મતલબ કે આ માર્ગ પર માત્ર સમુદ્ર અને સમુદ્રની નહેરો જ છે.