12 April, 2025 07:18 AM IST | Mumbai | Yogita Goradia
પ્રતીકાત્મક ફાઈલ તસવીર
ગર્ભવતી માનો ખોરાક શિશુની હેલ્થ અને તેના નિર્માણ માટે કેટલો મહત્ત્વનો છે એ આપણે જાણીએ જ છીએ પરંતુ ઘણી વખત એવી ભૂલો કરી બેસીએ છીએ જેનું પરિણામ ઘણું વરવું આવી શકે. હાલમાં મારી પાસે એક ઍથ્લીટ આવી જે ગર્ભવતી હતી. પોતાના શારીરિક પોષણ માટે અને સ્ટ્રેન્ગ્થ વધારવા તે ઘણું પ્રોટીન ખાતી. વર્ષોથી તેની આદત પ્રોટીન વધુ ખાવાની પડી ગઈ હતી. કાર્બ્સનું પ્રમાણ તે ઘણું જ ઓછું લેતી. પ્રેગ્નન્સી રહી છે એવી તેને બે મહિને ખબર પડી. મેં તરત જ તેના ડૉક્ટર સાથે પણ આ બાબતે વાત કરી. આ સ્ત્રીના ખોરાકમાં જરૂરી કાર્બોહાઇડ્રેટ્સની કમી છે એ જાણ્યા પછી મેં તેને ડાયટમાં જરૂરી ફેરફાર કરવા માટે કહ્યું. તેના ડૉક્ટરે પણ બાળકના સ્વાસ્થ્ય માટે જરૂરી ફોલિક ઍસિડ, આયર્ન, કૅલ્શિયમની દવાઓ પણ ચાલુ કરી જ દીધી. તકલીફ એ હતી કે એ ઍથ્લીટને હવે સંપૂર્ણ ખોરાક ખાવાનો હતો. જે દિવસમાં એકાદ રોટલી કે એક ચમચો ભાત જ ખાતી હતી તેણે હવે તેના દરેક ખોરાકમાં કાર્બ્સ ઉમેરવાના હતા જ, જે તેના માટે અઘરું પડી રહ્યું હતું. પણ બાળક માટે તેણે એ કરવાનું જ હતું. પ્રેગ્નન્સીમાં જ્યારે સંપૂર્ણ પોષણની જરૂર હોય ત્યારે તો કાર્બ્સ ઘટાડવાની ભૂલ ન જ કરવી જોઈએ.
જેવી રીતે વાહન ચલાવવા માટે ઈંધણની જરૂર પડે એમ શરીર ચલાવવા માટે કાર્બ્સની જરૂર પડે છે. પ્રેગ્નન્સીમાં આદર્શ રીતે દરેક વસ્તુનું પ્રમાણ ચોક્કસ હોય તો સ્ત્રી તેના બાળકને પૂરતું પોષણ આપી શકે છે. જ્યારે ખોરાકમાં કાર્બ્સ ઘટાડીએ ત્યારે સૌથી પહેલાં તો એનર્જી લેવલ ઘટી જાય છે. એનર્જી ન હોય એટલે શરીરના કામ કરવા માટે શરીર સ્નાયુઓને તોડે અને એનર્જી મેળવે. બીજું એ કે ફાઇબરનું પ્રમાણ પણ ઘણું જ ઘટી જાય છે. સતત તમને ભૂખ લાગ્યા કરે, જમ્યાનો સંતોષ થતો નથી. માનસિક અસર જેમ કે ગુસ્સો, ચીડિયાપણું, સતત ત્રાસ અને ઇરિટેશન રહે છે. આ સિવાય શરીરમાં ઇન્સ્યુલિન રેઝિસ્ટન્સ ડેવલપ થાય છે. થાઇરૉઇડ હૉર્મોન્સ પર એની અસર થાય છે. આજકાલ પ્રેગ્નન્સી દરમિયાન આવતા ગેસ્ટેશનલ ડાયાબિટીઝ અને થાઇરૉઇડ પ્રૉબ્લેમ્સ પાછળ ઘણી વાર સ્ત્રીઓને ડાયટમાંથી મળતું અપૂરતું પોષણ જ છે. પ્રેગ્નન્સીમાં તમારા શરીરને ઘણા ન્યુટ્રિશનની જરૂર રહે છે. કોઈ પણ પ્રકારની સ્ત્રીના શરીરમાં રહેલી ઊણપ તેના બાળકને તકલીફમાં મૂકી શકે છે. આ ઊણપ પ્રેગ્નન્સી પહેલાં જ પૂરી કરવામાં આવે અને શરીર એકદમ સ્વસ્થ હોય તો સ્ત્રીને પ્રેગ્નન્સી દરમિયાન તકલીફ પડતી નથી અને બાળક પણ સ્વસ્થ જ હોય છે. એ માટે જરૂરી છે કે સ્ત્રી ઓછામાં ઓછા ૩ મહિના પહેલાંથી જ એ સંપૂર્ણ પોષણયુક્ત ખોરાક લે.