પ્રશ્ન થાય કે ચૌવિહારના મામલે જૈનોમાં આટલી કડકાઈ શું કામ?

09 September, 2026 02:57 PM IST  |  Mumbai | Ruchita Shah

મુંબઈમાં ભારત ડાયમન્ડ બુર્સથી લઈને મોટી-મોટી માર્કેટોમાં અને બજારોમાં ચૌવિહાર હાઉસની ભરમાર જોવા મળે છે ત્યારે... પ્રશ્ન થાય કે ચૌવિહારના મામલે જૈનોમાં આટલી કડકાઈ શું કામ?

પ્રતીકાત્મક તસવીર

જૈન શાસ્ત્રોમાં સૂર્યાસ્ત પછી થતા ભોજનને મહાપાપ ગણાવાયું અને નરકમાં જવાનો નૅશનલ હાઇવે પણ મનાયો. સૂર્યાસ્ત પછી ભોજનના નિષેધમાં એક્સ્ટ્રીમ લાગે એવી ઉપમાઓ અપાઈ જેમાં સૂર્યાસ્ત પછી થતું ભોજન માંસ સમાન અને પીવાતું પાણી લોહી સમાન છે જેવું કંઈકેટલુંય કહેવાયું. જોકે પ્રશ્ન થાય ઃ શું કામ? શ્વેતાંબર, દિગંબર, સ્થાનકવાસી, તેરાપંથી જેવા જૈનોના દરેકેદરેક પંથે રાત્રિભોજનનો પારાવાર વિરોધ એકઅવાજે કર્યો છે. એમાં તેમની વચ્ચે કોઈ જ મતભેદ નહીં. શું કામ? પર્યુષણમાં નાની જૈન વ્યક્તિ પણ ચૌવિહાર તો કરે જ. પ્રશ્ન એ જ કે 
શું કામ? આજે પર્યુષણના બીજા દિવસે ‘આ રાત્રિભોજન શું કામ નહીં જ’નો જવાબ મેળવીએ

પહેલાંના જમાનામાં વીજળીની શોધ નહોતી થઈ એટલે રાત્રે જમો ત્યારે દીવાના પ્રકાશમાં જીવહિંસા થતી, પરંતુ હવે તો ઇલેક્ટ્રિસિટી છે અને રાત્રે પણ દિવસ જેવો જ માહોલ હોય છે ત્યારે રાત્રિભોજન કરવામાં ક્યાં હિંસા થાય? કેટલાક બુદ્ધિજીવીઓનો આવો તર્ક જૈનત્વમાં માનતા જૈનોના ગળે નથી ઊતરતો, કારણ કે તેઓ સૂક્ષ્મ સ્તરની જીવદયામાં માને છે. તેમને તો સૂક્ષ્મ સ્તરે દેખાતા અને નહીં દેખાતા એ બધા જ જીવોની રક્ષાના પ્રભુ મહાવીરના સંદેશને અનુસરવાની કોશિશ કરવી છે. આ જ કારણ છે કે આજે પણ રાત્રિભોજનનો ત્યાગ કરનારો એક બહુ જ મોટો વર્ગ જૈનોમાં છે. આ જ કારણ છે કે આજે પણ તમામ અગવડો વચ્ચે ડગ્યા વિના નાનાં બાળકોથી લઈને વડીલો સુધીના બધા કટિબદ્ધતા સાથે સૂર્યાસ્ત પહેલાં ભોજન કરી લે છે અને આ જ કારણ છે કે નોકરી કરતા કે વેપાર કરતા જૈનોને ચૌવિહારની અગવડ ન પડે એ માટે મુંબઈમાં કાયમી ધોરણે, ચાતુર્માસ ધોરણે અને પર્યુષણ દરમ્યાન ચૌવિહાર હાઉસની ભરમાર હોય છે. ચૌવિહારની મહત્તા જૈન પરંપરામાં શું કામ ખાસ માનવામાં આવે છે એ વિષય પર ચર્ચા કરીએ.

ચૌવિહારનો અર્થ

ચૌવિહાર શબ્દની વ્યુત્પત્તિ પ્રાકૃત અને સંસ્કૃત ભાષાના મૂળ વ્યાકરણ સાથે જોડાયેલી છે. પ્રાકૃતમાં ચૌવિહાર એટલે ચઉ એટલે કે ચાર, વિહ એટલે કે પ્રકાર અને આહાર એટલે ભોજન. ચૌવિહારનો અર્થ થાય આ ૪ પ્રકારના આહારનો સૂર્યાસ્ત પછી ત્યાગ. સ્થાનાંગ સૂત્ર, તત્ત્વાર્થ સૂત્ર અને આચારાંગ સૂત્ર જેવા જૈન આગમોમાં મનુષ્ય દ્વારા ગ્રહણ કરવામાં આવતા સમગ્ર ખાદ્ય જગતને ૪ ભાગમાં વિભાજિત કરવામાં આવ્યું છે. અશન એટલે કે એવું અન્ન જે ચાવીને ગળા નીચે ઉતારવામાં આવે છે, જે ભૂખ મટાડવાનું મુખ્ય કાર્ય કરે છે. જેમ કે રોટલી, ભાત, દાળ, શાક, રોટલા, મીઠાઈ વગેરે. બીજા નંબરે પાન અથવા તો પેય જે પ્રવાહી સ્વરૂપે પીવામાં આવે છે અને જે તરસ છિપાવવાનું કાર્ય કરે છે. જેમ કે સાદું પાણી, ઉકાળેલું પાણી, દૂધ, છાશ, ફળોનો રસ, શરબત વગેરે. ત્રીજો પ્રકાર છે ખાદિમ એટલે કે જે સામાન્ય રીતે ભૂખ શમાવવા માટે નહીં પરંતુ મુખશુદ્ધિ, સ્વાદ કે પાચન માટે ચાવીને ખવાય છે. જેમ કે મુખવાસ, વરિયાળી, સોપારી, એલચી, લવિંગ, સૂકો મેવો વગેરે. છેલ્લો પ્રકાર છે સ્વાદિમ એટલે કે એવો આહાર જેમાં ચાવવાનું નથી હોતું પણ જીભ વડે ચાટીને કે ચૂસીને એનો સ્વાદ માણવામાં આવે છે. જેમ કે મધ, રાબ, ચાસણી, રબડી કે ચાટવાયોગ્ય ઔષધિ વગેરે. જો પાણીની છૂટ રાખી હોય તો એને તિવિહાર કહેવાય છે. ટૂંકમાં, જૈન પરંપરામાં જ્યારે સૂર્યાસ્ત સમયે ચૌવિહારનું પચ્ચક્ખાણ એટલે કે ત્યાગનો સંકલ્પ લેવામાં આવે છે ત્યારે ચારેય પ્રકારના આહારનો સૂર્યાસ્તથી સૂર્યોદય સુધીનો સંપૂર્ણ ત્યાગ થાય છે.

જીવહિંસાથી જીવદયા

મુંબઈની લોકલ ટ્રેનોમાં સાંજે ૭.૨૪થી ૭.૩૫ વાગ્યા વચ્ચે થયેલા સિરિયલ બૉમ્બબ્લાસ્ટમાં ૧૮૯ લોકો મૃત્યુ પામ્યા અને ૮૦૦થી વધુ ઘાયલ થયા. ચોમાસામાં બોરીવલી તરફ જતા જૈનો સૂર્યાસ્ત પહેલાં ચૌવિહાર હાઉસમાં જમવા રોકાઈ ગયા હોવાથી તેમની ટ્રેનનો સમય બદલાઈ ગયો, જેને કારણે ૧૨ જુલાઈના રોજ ‘ધી ઇન્ડિયન એક્સપ્રેસ’માં હેડલાઇન છપાઈ હતી કે જૈન પરંપરાએ ૫૦૦થી વધુ નિર્દોષ લોકોના જીવ બચાવ્યા. આ દાખલાના ઉલ્લેખ સાથે આચાર્યશ્રી વિજય મુક્તિવલ્લભસૂરિજી મહારાજસાહેબ કહે છે, ‘રાત્રે ખાધેલું ભોજન બરાબર પચતું નથી જેને કારણે ખરાબ સપનાં આવે છે, ઊંઘમાં ખલેલ પહોંચે છે અને વ્યક્તિની માનસિક પ્રસન્નતા હણાય છે. ગાય, ભેંસ જેવાં શાકાહારી પ્રાણીઓ ક્યારેય સૂર્યાસ્ત પછી ચરવા નીકળતાં નથી કે ખોરાક લેતાં નથી. રાત્રે ખાવાની વૃત્તિ માત્ર માંસાહારી જીવોની હોય છે. જેમ સૂર્યમુખી અને સૂર્યવિકાસી કમળ સૂર્યકિરણોથી ખીલે છે એમ જ માનવીનું ‘હોજરીકમળ’ અને પાચનતંત્ર મધ્યાહન સમયે સૌથી વધુ સક્રિય રહે છે. આથી દિવસ દરમ્યાન ભોજન કરવાનો અને એકાસણાનો વિશેષ મહિમા છે.’

અહીં હવે તો વીજળીનું અજવાળું છે એ તર્કનો જવાબ આપતાં પૂજ્યશ્રી કહે છે, ‘ઇલેક્ટ્રિક બલ્બ ગમે એટલો પાવરફુલ હોય, એ માત્ર આંખને દેખાતો પ્રકાશ ફેંકે છે. સૂર્યપ્રકાશમાં જે અલ્ટ્રાવાયલેટ (UV) કિરણો હોય છે એ વાતાવરણનું કુદરતી સ્ટરિલાઇઝેશન કરે છે. સૂર્યાસ્ત થતાં જ સૂર્યકિરણોના અભાવે ભેજ અને ઠંડક વધતાં કરોડો નરી આંખે ન દેખાતા બૅક્ટેરિયા અને માઇક્રો-ઑર્ગેનિઝમ્સ આપોઆપ વાતાવરણમાં અને રાંધેલા ખોરાકમાં પેદા થાય છે. કોઈ પણ LED કે ટ્યુબલાઇટ આવા સૂક્ષ્મ જીવોને રોકી શકતી નથી કે વાતાવરણને સ્ટરિલાઇઝ કરી શકતી નથી. આપણે જેને ‘લાઇટ છે એટલે ચોખ્ખું દેખાય છે’ કહીએ છીએ એ આપણી આંખોની મર્યાદા છે. જૈનદર્શન જીવોને બે ભાગમાં વહેંચે છે. એક, બાદર જીવો એટલે જે આંખે દેખાય છે. જેમ કે માખી, મચ્છર, કીડી. બીજા સૂક્ષ્મ જીવો જે માઇક્રોસ્કોપ વિના દેખાતા નથી. રાત્રિના સમયે હવામાં બાદર જીવો કરતાં સૂક્ષ્મ જીવોની ઉત્તરોત્તર વૃદ્ધિ અબજોની સંખ્યામાં થાય છે. એ જીવો ખોરાકની વરાળ, ઉષ્ણતા અને ગંધથી આકર્ષાઈને ભોજનમાં પડે છે અને શ્વાસોશ્વાસ કે કોળિયા સાથે પેટમાં જાય છે. લાઇટ હોવા છતાં આ અદૃશ્ય જીવોને બચાવી શકાતા નથી. બીજું, આપણા શરીરની હોજરી અને પાચક રસો સૂર્યના ઉદય અને અસ્ત સાથે જોડાયેલા છે જેને મેડિકલ સાયન્સ સર્કાડિયન રિધમ કહે છે. રૂમમાં લાઇટ ચાલુ કરવાથી કંઈ શરીરનું પાચનતંત્ર છેતરાઈ જતું નથી. શરીરના કોષો જાણે છે કે બહાર સૂર્યાસ્ત થઈ ચૂક્યો છે. સૂર્યાસ્ત પછી પાચનક્રિયા મંદ પડી જતી હોવાથી લાઇટના અજવાળામાં ખાધેલું ભોજન પણ પેટમાં પચવાને બદલે સડે છે અને રોગો પેદા કરે છે. સૌથી મહત્ત્વની વાત એ કે જૈનદર્શન માત્ર બાહ્ય ક્રિયા જોતું નથી, ભાવ પણ જુએ છે. દિવસના અજવાળામાં માણસને ભૂખ સંતોષવાનો પૂરતો સમય મળ્યો હોવા છતાં રાત્રે ખાવાની વૃત્તિ થાય એ ઇન્દ્રિયલોલુપતા અને આસક્તિ દર્શાવે છે. જૈન પરિભાષામાં આને પ્રમાદ કહેવાય છે. જ્યાં આસક્તિ અને પ્રમાદ હોય ત્યાં શાસ્ત્રકારોના મતે આત્મિક હિંસા અનિવાર્યપણે થાય જ છે.’

નેપિયન સી રોડ પર રહેતા ૧૦૦ ટકા ચૌવિહારપ્રેમી આ પરિવારનું કહેવું પડે


નેપિયનસી રોડ પર રહેતા અને ડાયમન્ડ તેમ જ જ્વેલરીના બિઝનેસ સાથે સંકળાયેલા ૪૪ વર્ષના દાનેશ મનીષકુમાર શાહ ઑલમોસ્ટ જન્મથી જ ચુસ્તપણે ચૌવિહાર પાળે છે. શરૂઆતમાં કદાચ લોકોને આ અઘરું લાગે, પણ હવે આ અમારા માટે કોઈ નિયમ નહીં પણ સહજ લાઇફસ્ટાઇલ અને જીવન જીવવાની પદ્ધતિ બની ગઈ છે એમ જણાવતાં દાનેશ કહે છે,  ‘અત્યારે પણ ઘરનું એક વર્ષનું બાળક પણ સૂર્યાસ્ત પછી ભોજન નથી લેતું. ગમે એ થાય હવે રાત્રે ખાવાનું મન, ઇચ્છા કે હિંમત જ નથી થતાં. થોડાક સમય પહેલાં મારી સર્જરી હતી. હૉસ્પિટલમાં ઍડ્‍મિટ હતો, પરંતુ મેં એ વખતે પણ રાત્રિભોજન નથી કર્યું. બાકી મિત્રો સાથે પાર્ટીમાં બહાર જાઉં તો હું મારા ચૌવિહાર પાળું જ. હવે એ લોકો ટેવાઈ ગયા છે કે હું પણ ખાઈ શકું એટલે સૂર્યાસ્ત પહેલાં જ અમારું મળવાનું ગોઠવી લે. હૉન્ગકૉન્ગ, સિંગાપોર, દુબઈ પણ જાઉં તો પણ રાત્રે તો નહીં જ. ક્યારેક મેળ ન ખાય તો પાણી પીને, કોઈ ફળ ખાઈને કે ઘરેથી લાવેલો સૂકો નાસ્તો ખાઈને પણ ચૌવિહાર થઈ જાય. મારા માટે ચૌવિહાર કોઈ બંધન કે કષ્ટ નથી. નિયમ ન પાળવા માટે માણસ પાસે ૧૦૦૦ બહાનાં હોઈ શકે છે, પરંતુ જો અંતરથી સંકલ્પ હોય તો રસ્તો આપોઆપ મળી જાય છે.’
અહીં ઉલ્લેખનીય છે કે દાનેશભાઈની ડૉક્ટર બહેનો વિદેશમાં કૉન્ફરન્સમાં જાય તો પણ ચૌવિહાર તો કરે જ. તેઓ કહે છે, ‘હમણાં વચ્ચે ઑ​​લિમ્પિક્સ માટે મારાં બહેન બન્ને બાળકોને લઈને પૅરિસમાં ગયાં ત્યારે પોતાના રસોઈયાને સાથે લઈને ગયાં હતાં. ત્યાં એક મહિનો તેમણે ઘરે બનાવેલું જૈન ભોજન કર્યું અને ચૌવિહાર તો કર્યાં જ. મારાં બીજાં બહેનના ઘરે ૧૨ વર્ષ, ૯ વર્ષ, ૬ વર્ષ અને ૩ વર્ષનાં ૪ બાળકો છે. આ નાનાં બાળકો પણ બહારનું ખાતાં નથી અને ઉકાળેલું પાણી જ વાપરે છે અને સૂર્યાસ્ત પછી નથી જ જમતાં.’

મુંબઈમાં ચૌવિહાર હાઉસનો ઉદ્ભવ
જૈનોમાં રાત્રિભોજનનો ત્યાગ એ જૈનત્વનો પાયાનો સંસ્કાર છે. બધા જ તીર્થંકર પરમાત્માની આજ્ઞા છે કે રાત્રિભોજન તો ન જ કરવું જોઈએ. રાત્રિભોજનનો ત્યાગ એ કુળ-પરંપરાથી ઘણા પરિવારોમાં હોય છે. એક બહુ જ મોટો વર્ગ મુંબઈમાં નોકરી-ધંધા માટે આવતો, પણ સમયપત્રકના અભાવે ચૌવિહારમાં પૂરતું જમી નહોતો શકતો એમ જણાવીને પૂજ્ય આચાર્યશ્રી વિજય મુક્તિવલ્લભસૂરિ મહારાજ કહે છે, ‘ઘણા લોકો ઘરેથી બપોર-સાંજનું ટિફિન લાવતા કે ફ્રૂટ્સ ખાઈને ચૌવિહાર કરતા, જ્યારે ઘણા અનુકૂળતાના અભાવે કરી શકતા નહોતા. અમારી જાણકારી અનુસાર શ્રાવકોને સુવિધા મળે એ હેતુથી ભાયખલા ચાતુર્માસ દરમ્યાન પંન્યાસ પ્રવર શ્રી ચંદ્રશેખરવિજયજી મહારાજસાહેબની પ્રેરણાથી ૧૯૯૧માં વેપારી મથક કાલબાદેવી ખાતે સૌથી પહેલું ચૌવિહાર હાઉસ શરૂ થયું. ત્યાર બાદ ઑપેરા હાઉસ, મસ્જિદ બંદર, બાંદરા-કુર્લા કૉમ્પ્લેક્સમાં અને મલાડ જેવા વિસ્તારોમાં પણ એ વિસ્તર્યું.’
ઉલ્લેખનીય છે કે મુબઈમાં સ્થાનકવાસી, દેરાવાસી અને અચલગચ્છ સંપ્રદાયનાં મળીને લગભગ ૨૭ જેટલાં કાયમી ચૌવિહાર હાઉસ સક્રિય છે જેમાં રોજના આશરે ૧૦૦૦થી વધુ લોકો કાયમી ચૌવિહાર કરે છે, જ્યારે આઠમ અને ચૌદશ જેવી પર્વ​તિથિઓએ આ સંખ્યા ૧૫૦૦ સુધી પહોંચે છે. અષાઢ સુદ ચૌદશ પછી અન્ય પચીસ જેટલાં નવાં ચૌવિહાર હાઉસ શરૂ થાય છે, જ્યારે પર્યુષણ પર્વ દરમ્યાન આ સંખ્યા વધીને ૪૦ જેટલી થઈ જાય છે જ્યાં હજારો જૈનો માવા, મિષ્ટાન્ન સાથેની સંપૂર્ણ રસોઈ ચૌવિહાર હાઉસમમાં આરોગે છે.

આટલું ખતરનાક ગણાવ્યું છે રાત્રિભોજનને
જૈનદર્શનમાં રાત્રિભોજનને અહિંસાના સર્વોચ્ચ સિદ્ધાંતનું ખંડન માનવામાં આવે છે. જૈન શાસ્ત્રોમાં રાત્રિભોજનને બાવીસ પ્રકારના ન ખાવાયોગ્ય પદાર્થોમાં સ્થાન આપવામાં આવ્યું છે.
 આચાર્ય હેમચંદ્રસૂરીશ્વરજી યોગશાસ્ત્ર નામના ગ્રંથમાં લખે છે કે રાત્રિના અંધકારમાં કે દીવાના આછા અજવાળામાં અસંખ્ય ઊડતાં પતંગિયાં અને સૂક્ષ્મ જીવો ભોજનમાં પડી જાય છે. એ જીવો ખોરાક સાથે ચવાઈ જાય છે. આથી હેમચંદ્રાચાર્યજીએ રાત્રિભોજનને સાક્ષાત્ માંસાહાર સાથે સરખાવ્યું છે.
 આચાર્ય અમૃતચંદ્રજી પુરુષાર્થસિદ્ધ્યુપાય નામના ગ્રંથમાં સ્પષ્ટ કરે છે કે ભલે દીવો પ્રગટાવીને ભોજન કરવામાં આવે તો પણ દીવાના તેજથી આકર્ષાઈને વધુ જીવો ભોજનમાં પડે છે. તેથી રાત્રિનું અન્ન અશુદ્ધ, દોષિત અને ઝેર સમાન બને છે જે આત્માના સંયમનો નાશ કરે છે.
 જૈનદર્શનમાં દિવસ એ દેવો અને સજ્જનો માટેનો સમય છે જ્યારે રાત્રિ એ રાક્ષસો, પ્રેતો અને પિશાચોનો સમય માનવામાં આવ્યો છે. જે વ્યક્તિ રાત્રે ખાય છે તેને નિશાચર (રાક્ષસ) સમાન આચરણ કરનારો કહેવાયો છે, કારણ કે પ્રકાશમાં સંતોષ ન પામીને અંધકારમાં ઇન્દ્રિયલોલુપતાવશ ભોજન કરવું એ રાક્ષસી વૃત્તિ છે.

culture news lifestyle news life and style jain community paryushan exclusive gujaratis of mumbai gujarati community news ruchita shah