નમ્રતાની જુદી-જુદી અનેક કક્ષાઓ છે, જેની પ્રસંગોપાત્ત પરખ થતી હોય છે

31 January, 2025 01:08 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

૧૯૮૭માં પ્રમુખસ્વામી મહારાજ ૪પ૦ સંતો-ભક્તોના સંઘ સાથે ઉત્તરાખંડની યાત્રાએ નીકળ્યા હતા. બે મહિના પૂર્વેથી આ યાત્રાનું આયોજન ગોઠવાઈ ગયેલું

પ્રતીકાત્મક તસવીર

પ્રમુખસ્વામી મહારાજની નમ્રતા-અહંશૂન્યતાએ અનેક માંધાતાઓને માત કર્યા છે. સમગ્ર વિશ્વમાં ભારતને દૂધ ઉત્પાદનમાં અવ્વલ નંબર અપાવનાર, શ્વેતક્રાન્તિના પિતા અને NDDBના ચૅરમૅન પદ્‍મવિભૂષણ ડૉ. કુરિયન જેઓ પોતાના જીવનમાં લગભગ ૭૦થી વધુ ખિતાબ મેળવી સિદ્ધિ-પ્રસિદ્ધિના ટોચે જઈ બેઠેલા તેમણે ૧૯૮પમાં પ્રમુખસ્વામી મહારાજના જીવન અને કાર્ય જોતાં કહેલું, ‘પ્રમુખસ્વામી મહારાજના મુખ સામે જોતાં જ ખબર પડી જાય કે તેઓ અહંશૂન્ય છે. સંસ્થાનું આયોજન જોતાં હું પ્રભાવિત થયો છું. સ્વામીજીની સિદ્ધિ જોતાં મારી સિદ્ધિ નગણ્ય લાગે છે.’

નમ્રતાની જુદી-જુદી અનેક કક્ષાઓ છે. જેની પ્રસંગોપાત્ત પરખ થાય છે. જ્યારે વાંક વિનાના આક્ષેપો સામે શબ્દોની ઝપાઝપી વડે સાચા-ખોટાના વાદ-વિવાદમાં ન પડતાં નમ્રતાથી ભૂલ પોતાને માથે લઈને માફી માગી લેવાય ‍એ નમ્રતાની સૌથી ઊંચી કક્ષા છે. જેને ‘નિતાંત નમ્રતા’ કહે છે, જે ઊંડી અને અમીટ છાપ છોડી જાય છે.

૧૯૮૭માં પ્રમુખસ્વામી મહારાજ ૪પ૦ સંતો-ભક્તોના સંઘ સાથે ઉત્તરાખંડની યાત્રાએ નીકળ્યા હતા. બે મહિના પૂર્વેથી આ યાત્રાનું આયોજન ગોઠવાઈ ગયેલું. યાત્રા પૂર્ણ થયા બાદ મૂળ ભારતના અને લંડનના રોમફર્ડ વિસ્તારમાં રહેલા એક ભાઈએ પોતાનો આક્રોશ ઠાલવતાં એક પત્રમાં પ્રમુખસ્વામી મહારાજને લખેલું કે ‘તમારે આટલા કાફલા સાથે યાત્રાએ ન નીકળવું જોઈએ. તમારી તારીખે-તારીખે અમારી સપરિવારની યાત્રા ચાલતી હતી. તમારે લીધે અમને બધી જગ્યાએ રહેવા-કરવામાં અગવડ પડી. અમારા કુટુંબને તમે દુખી-દુખી કરી નાખ્યું.’

પોતાના દરેક કાર્યમાં હંમેશાં આયોજનને અગ્રતાક્રમ આપી આગળ વધનારા આ સંતનો આ બાબતે કોઈ દોષ નહોતો છતાં તેમની નિતાંત નમ્રતાભરી કલમે પ્રત્યુત્તર વાળ્યો, ‘તમને તકલીફ પડી એ બદલ માફ કરશો. યાત્રા દરમ્યાન તમે અમને મળ્યા હોત તો અમે તમને મદદરૂપ થાત. તમારી સગવડ કરાવી દેત. તમને તકલીફ પડે એવો અમારો આશય નહોતો.’

પરિસ્થિતિ કે પ્રતિભાવની તીખાશ ગમે એવો તમતમાટ ઊભો કરે એવી હોય તો પણ પ્રમુખસ્વામી મહારાજની અત્યંત ઓજસ્વી નમ્રતામાં કચવાટ ક્યારેય નથી દેખાયો.

આવો, તેમના પગલે-પગલે સદ્ગુણોમાં શિરસ્થ એવી ‘નમ્રતા’ને આપણી જીવનશૈલીમાં મહત્ત્વ આપીએ. સારા બનવું એ વધારે મહત્ત્વનું છે.   

-પૂજ્ય ડૉ. જ્ઞાનવત્સલ સ્વામી BAPS સ્વામીનારાયણ સંસ્થા

culture news life and style swaminarayan sampraday religion columnists gujarati mid-day