ધર્મ અને સંસ્કૃતિ વચ્ચેની પાતળી ભેદરેખા ક્યારે ઓળંગવી અને ક્યારે નહીં એ સમજવું જરૂરી છે

21 September, 2026 05:55 PM IST  |  Mumbai | Jigisha Jain

ગણપતિ ઉત્સવ દરેક ધર્મના લોકો મનાવે છે કારણ કે આ ઉત્સવ આપણી સંસ્કૃતિનો ભાગ બની ગયો છે, પરંતુ ગણપતિબાપ્પાની મૂર્તિઓને ઇચ્છીએ એવા રૂપમાં બનાવીને આપણે જે પ્રમાણે છૂટછાટ લઈ રહ્યા છીએ એ સ્થાપિત ધર્મનું અપમાન કરવા સમાન છે

મુંબઈ ગણેશોત્સવ

તમે તો જૈન છોને? 
હા. 
તો પર્યુષણ છોડીને ગણેશોત્સવ મનાવો છો? 
પર્યુષણ છોડીને નહીં, પર્યુષણ સાથે ગણેશોત્સવ મનાવીએ છીએ. 
તો કેવી રીતે પહોંચી વળાય? 
અઘરું પડે છે. થોડી બાંધછોડ પણ થાય, પરંતુ કોશિશ કરીએ છીએ કે બન્નેને ન્યાય આપી શકીએ. 
આવી પ્રશ્નોત્તરી છેલ્લાં ૧૫ વર્ષથી લોકો અમને કરે છે. આજથી ૧૫ વર્ષ પહેલાં મારા પતિના ખાસ મિત્ર આરિફ શેખે તેમને કહ્યું હતું કે ‘મુંબઈએ તને ઘણું આપ્યું છે. આ વાતનો આભાર પ્રકટ કરવા માટે તારે ગણપતિ ઘરે બેસાડવા જોઈએ. તેમની કૃપા મહત્ત્વની છે.’ ત્યારે અમને ખબર જ નહોતી કે ગણપતિ ઘરે બેસાડવા એટલે શું અને એ માટે શું-શું કરવું પડે? શરૂઆતમાં સોસાયટીના અને કામ સાથે સંકળાયેલા થોડા લોકો સાથે અમે દોઢ દિવસના ગણપતિ ઘરે લાવવાની શરૂઆત કરી. આજે એ દોઢ દિવસમાં નહીં-નહીં તો ૫૦૦-૬૦૦ લોકો ઘરે આવે છે. એ ૫૦૦-૬૦૦ લોકોમાં અઢળક સંખ્યામાં હિન્દુ સિવાયના મુસ્લિમ, સિખ, ખ્રિસ્તી, બુદ્ધ, જૈન, પારસી લોકો પણ સામેલ હોય છે. 
પ્રભુની કૃપાથી મોટા ભાગના લોકો એક વાર ઘરે આવે એટલે લગભગ દરેકે-દરેક ગણપતિમાં અમારે ત્યાં આવે જ છે, કારણ કે તેઓ અમારા પરિવારના સદસ્યો જેવા બની જાય છે. એમાંથી ઘણા લોકોને અમે વાર્ષિક એક જ વખત ગણપતિ દરમ્યાન મળીએ છીએ તો કેટલાક લોકો જોડે અઢળક વાર ફોન પર વાત કર્યા પછી ગણપતિ ઉત્સવ દરમ્યાન પહેલી વાર સાક્ષાત્ મુલાકાત શક્ય બને છે. આ ઉત્સવ અમને મુંબઈ સાથે અને મુંબઈના લોકો સાથે જોડે છે. બીજા શહેરથી અહીં આવીને વસ્યાને મને ૧૮ વર્ષથી વધુનો સમય થયો, પણ મને એક આઉટસાઇડરમાંથી દિલથી મુંબઈકર બનાવવાનું શ્રેય આ ઉત્સવને જાય છે. ગણપતિ ગેલે ગાવાલા, ચૈન પડેના આમ્હાલા એ પહેલાં હું સાંભળતી હતી, પણ આજે એ ઇમોશનને અનુભવી શકું છું. 
વિચારવાનું એ છે કે આ બદલાવ શક્ય બન્યો છે સંસ્કૃતિના જોર પર. ગણપતિ હિન્દુ દેવતા છે એમાં ના નહીં, પણ ગણેશોત્સવ એ હિન્દુઓનો તહેવાર છે એમ કહેવું અધૂરું સત્ય મનાશે. ગણેશોત્સવ ધર્મનો નહીં, સંસ્કૃતિનો ભાગ છે. જ્યારે બાળ ગંગાધર ટિળકે આ ઉત્સવની શરૂઆત કરી ત્યારે લોકોને એકઠા કરવાનો તેમનો જે હેતુ હતો એ આજે પણ એટલો જ સાર્થક છે. હિન્દુ તહેવારોનું મહત્ત્વ જ એ છે કે એ ધાર્મિક કરતાં સાંસ્કૃતિક વધુ છે. પછી એ હોળી હોય, ઉતરાણ હોય કે પછી ગણેશોત્સવ; દરેક ધર્મના અને દરેક વર્ગના લોકોને આ તહેવારો જોડે છે. ગુજરાતમાં નવરાત્રિ એ માતાજીનું પર્વ ખરું, પણ ગરબા એ સંસ્કૃતિનો ભાગ છે એટલે હિન્દુ સિવાયના બધા જ ધર્મના લોકો ગરબે ઘૂમવા નવરાત્રિ ઊજવતા હોય હોય છે. ધર્મના નામે કેટલીક વખત જાણીને તો મોટા ભાગે અજાણતાં ઊભા થયેલા વાડાઓને તોડવાની, એ જડ દીવાલોને ધ્વંસ કરવાની તાકાત સંસ્કૃતિમાં રહેલી છે. કડવા ચોથ જે ફક્ત અમુક કમ્યુનિટીનો જ તહેવાર હતો એ ભલે બૉલીવુડની કૃપાથી પણ આજે વ્યાપક બની ગયો છે. અમે નાના હતા ત્યારે મોહરમના તાજિયા જોવા જવાનો રિવાજ હતો અમારા ઘરે. કોઈએ તાજિયા ન જોયા હોય તો તેને આશ્ચર્યથી પૂછવામાં આવતું કે ગજબ છો, તાજિયા નથી જોયા? મીઠી સેવઈ ભલે ઈદની ખાસિયત હોય, પણ અમારા ઘરે બિરંજના નામે તો મમ્મી વર્ષોથી બનાવતી અને મને ખૂબ ભાવતી. 
મુંબઈમાં ગણપતિને ભગવાન કરતાં વધુ એક રાજા તરીકે જોવાય છે. તે રાજા છે અને મુંબઈના રહેવાસીઓ તેની પ્રજા. એક રાજા જેમ કોઈ પણ પ્રકારના ભેદભાવ વગર તેની પ્રજાનું સુખ જુએ છે એમ બાપ્પા મુંબઈગરાઓનાં વિઘ્નો હરે છે અને સુખની સ્થાપના કરે છે. એક સમયે ભારતમાં રાજાશાહી હતી ત્યારે પ્રજા તેમના રાજાને કેટલો પ્રેમ કરતી હતી એ સમજવું હોય તો મુંબઈનો ‘ગણપતિપ્રેમ’ એનું તાદૃશ ઉદાહરણ છે. ગણપતિ એટલા પ્રેમાળ છે કે એ રિસાતા નથી. તે પરમ પૂજ્ય છે છતાં બધાના મિત્ર બનીને રહે છે. કદાચ બાળકોના ફેવરિટ તે એટલે જ છે. પૂજા સંબંધિત કાર્યોમાં કોઈ ભૂલચૂક થાય તો મોટા હૃદયે તમને માફ પણ કરી દે છે. માન્યું કે તેઓ આવા છે અને આપણે બધા તેમની સાથે ઘણી છૂટછાટો લઈ શકીએ છીએ, પણ એ છૂટછાટની બાઉન્ડરી આપણે બનાવવી જરૂરી છે જે આપણે ક્રીએટિવિટી કે શ્રદ્ધાના નામે પાર કરી જઈએ છીએ. 
હું ગણપતિના પંડાલોમાં રામ બનેલા ગણપતિ, કૃષ્ણ બનેલા ગણપતિ કે સાંઈબાબા બનેલા ગણપતિ જોઉં છું ત્યારે ખૂબ દુખ થાય છે. ભગવાન એક જ છે, પરમ કૃપાળુ પરમાત્મા એક જ છે; પણ તેનાં સ્વરૂપોને એક શા માટે કરવાનાં? તમે કૃષ્ણમાં શ્રદ્ધા ધરાવો છો તો તેમના સ્થાપિત થયેલા સ્વરૂપની ઉજવણી કરો. બીજા સ્વરૂપ સાથે એને મિક્સ કરવું એ ક્રીએટિવિટી નથી. એ અયોગ્ય છે. સ્વીકાર્ય પણ ન જ હોવું જોઈએ. ઘણી જગ્યાએ ફિલ્મસ્ટાર્સ કે કાર્ટૂન-કૅરૅક્ટરની પ્રતિકૃતિ સમાન ગણપતિની મૂર્તિ બનાવવામાં આવે છે. સનાતન કહે છે કે કણ-કણમાં ઈશ્વર છે. તમારા અને મારામાં પણ ઈશ્વર છે. એ રીતે પેલા કાર્ટૂન-કૅરૅક્ટર કે ફિલ્મસ્ટારમાં પણ ઈશ્વર હશે જ, પણ એટલે તેને ગણપતિનું રૂપ આપવું કેટલું યોગ્ય છે? મને તો એ બીભત્સ લાગે છે. 
કોરોના વખતે એના કોરોના વૉરિયર્સને ધન્યવાદ કરવા માટે પણ ગણપતિની મૂર્તિને કોરોના વૉરિયરનું સ્વરૂપ આપવામાં આવ્યું હતું. તમે જે વાત કહેવા માગો છો એ સાચી છે. કોરોના વૉરિયર્સ ભગવાન બનીને આવેલા અને આપણને આ સંકટમાંથી તેમણે બચાવેલા, પણ તેમને જો ગણપતિ પંડાલમાં તમારે દર્શાવવા હોય તો એ વૉરિયર્સનાં માણસરૂપી પૂતળાંઓ વચ્ચે ગણપતિની સ્થાપના કરીને આ માણસો ભગવાને આપણા માટે મોકલ્યા હતા કે આ કોરોના વૉરિયર્સ ભગવાનની મોકલેલી આર્મી હતી એવો સંદેશ વધુ યોગ્ય ગણાશે. એમાં ગણપતિની મૂર્તિને કોરોના વૉરિયર્સનું રૂપ આપવાની જરૂર નથી. ધાર્મિક તહેવારોને સંસ્કૃતિનો ભાગ બનાવવો એ સમાજ અને દેશ માટે કલ્યાણકારી છે. માનવજાતને એ ધર્મોથી પરે એકબીજા સાથે જોડે છે, પરંતુ એનાથી સ્થાપિત ધર્મને નુકસાન ન પહોંચે એ પણ આપણે જોવું જરૂરી છે. બરાબરને?

ganpati ganesh chaturthi jain community hinduism religion mumbai culture news lifestyle news life and style Jigisha Jain