25 March, 2025 07:01 AM IST | Vrindavan | Gujarati Mid-day Correspondent
મથુરા
ઉત્તર ભારતમાં ગઈ કાલે દક્ષિણ ભારતીય પરંપરાઓથી શ્રી રંગજી મંદિરમાં અનોખો ઉત્સવ ઊજવાયો હતો. વૃંદાવનના રંગજી મંદિરમાં ચાલી રહેલા બ્રહ્મોત્સવમાં ગઈ કાલે ૫૦ ફુટના ચંદનના લાકડાથી બનેલો રથ યાત્રા કરવા માટે મંદિર પરિસરમાંથી બહાર આવ્યો હતો. બ્રહ્મોત્સવનું મોટું આકર્ષણ આ રથમેળો છે અને અંગ્રેજોના શાસનથી આ મેળો બહુ પ્રસિદ્ધ રહ્યો છે. એ સમયે ભરતપુર મહારાજના સૈનિકો બૅન્ડ સાથે રથમેળો કાઢતા જે અંગ્રેજ અધિકારીઓને બહુ ગમતો હતો.
દક્ષિણ ભારતીય પરંપરા મુજબ સવારે બ્રહ્મ મુહૂર્તમાં જ ભગવાન રંગનાથને શ્રીદેવી અને ભૂદેવીની મૂર્તિઓ સાથે ગર્ભગૃહમાંથી દિવ્યાકર્ષક રથમાં વિરાજમાન કરવામાં આવ્યા. એ પછી રીતરિવાજ સાથે દેવોનું આહવાન, નવગ્રહ સ્થાપન, ગણપતિ અને આદિ દેવોનું આવાહન કરીને પૂજન કરવામાં આવ્યું. દસેય દિશાઓને સુરક્ષિત કરવા માટે અહીં કોળાનો બલિ ચડાવવામાં આવે છે. એ પછી ભગવાન રંગનાથના રથને ખેંચીને એની યાત્રા કરવા માટે સેંકડો ભક્તો લાગી પડે છે. આ મંદિરના નિર્માણના સમયથી રંગજી મંદિરનો રથમેળો લોકપ્રિય છે. એમાં સ્થાનિક લોકોની સાથે યુરોપીય શ્રદ્ધાળુઓ પણ ખૂબ મોટી માત્રામાં ઊમટી આવે છે.