03 March, 2025 06:59 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
શહનાઝ ગિલ, રાઘવ જુયાલ
મહાશિવરાત્રિના અવસરે અનેક કલાકારોએ ભગવાન શિવના આશીર્વાદ લીધા. ઍક્ટર-ડાન્સર-કૉરિયોગ્રાફર રાઘવ જુયાલે મહારાષ્ટ્રના યંબકેશ્વર મંદિરમાં પૂજા કરી. સાદા કુરતા-પેન્ટમાં સજ્જ રાઘવે મંદિરમાં ખાસ પૂજા-કાર્યક્રમમાં ભાગ લીધો. રાઘવ મૂળ ઉત્તરાખંડનો છે અને તેણે જણાવ્યું હતું કે ઉત્તરાખંડમાં મહાશિવરાત્રિ ખૂબ ધામધૂમથી મનાવવામાં આવે છે, પણ આ વર્ષે કામને કારણે ઘરે જઈ શકાયું નથી એટલે તેણે યંબકેશ્વરમાં ભગવાન શિવના આશીર્વાદ લીધા છે.
રાઘવની સાથે-સાથે શહનાઝ ગિલે પણ યંબકેશ્વર મંદિરમાં દર્શન કર્યાં. તેણે પોતાની તસવીરો ઇન્સ્ટાગ્રામ પર શૅર કરી, જેમાં તે મંદિરના આગળ હાથ જોડીને શિવલિંગ પાસે બેસેલી દેખાય છે.
યંબકેશ્વર મંદિર ૧૨ જ્યોતિર્લિંગોમાંનું એક છે અને એ નાશિકથી ૨૮ કિલોમીટર દૂર યંબક શહેરમાં આવેલું છે. રાઘવ અને શહનાઝ વચ્ચે નિકટતા વધી છે એવી ચર્ચા થોડા સમય પહેલાં ઊપડી હતી.