CAની ઝળહળતી નોકરી છોડીને બની લાઇફ કોચ

03 March, 2025 02:39 PM IST  |  Mumbai | Laxmi Vanita

પરેલમાં રહેતી ૩૩ વર્ષની ચાર્મી શેઠની ચાર્ટર્ડ અકાઉન્ટન્ટ તરીકે સેટલ્ડ જૉબ હતી. પ્રમોશન થકી લીડરશિપનો રોલ પણ મળ્યો

ચાર્મી શેઠ હસબન્ડ શમલ શેઠ સાથે.

પરેલમાં રહેતી ૩૩ વર્ષની ચાર્મી શેઠની ચાર્ટર્ડ અકાઉન્ટન્ટ તરીકે સેટલ્ડ જૉબ હતી. પ્રમોશન થકી લીડરશિપનો રોલ પણ મળ્યો, પરંતુ દિલ કંઈક બીજું કહેતું હતું. મનમાં વિચારી લીધું હતું કે આગળ હવે લીડરશિપના રોલમાં નથી જવું તો પણ પ્રમોશન મળ્યું, જે સમય પૂરતું સ્વીકાર્યું પણ ખરું. જોકે થોડાક મહિનામાં જ જીવનનો હેતુ સમજાઈ જતાં હાઈ-પેઇંગ કૉર્પોરેટ જૉબ છોડીને શરૂ કરી દીધી એક નવી જ કરીઅરની શરૂઆત

આપણા સમાજમાં CA જેવી કરીઅરને બહુ જ સારી માનવામાં આવે છે. પેરન્ટ્સ બાળકોને આ ક્ષેત્રમાં જવા માટે પ્રેરણા આપતા હોય છે. એવા લોકો બહુ જ ઓછા મળતા હોય છે જે આ પરીક્ષા પહેલા જ પ્રયત્નમાં પાસ કરી શકે. જ્યારે તમે પહેલા જ પ્રયત્નમાં CA બન્યા હો એટલે સ્વાભાવિક રીતે તમને વિષયમાં ઊંડી સમજ પડે છે અને રસ છે એવું માનવામાં આવતું હોય છે. તમે આ ફીલ્ડમાં કામ કરી રહ્યા છો અને તમને પોતાને પણ આ કામમાં મજા આવી રહી છે. અચાનક જ તમને તમારા જીવનનો હેતુ બીજી દિશામાં દેખાય તો નામ પણ પૈસા અને સફળતાને છોડીને બીજી કરીઅરને શરૂ કરવાનો વિચાર કદાચ લોકો માંડી વાળે; પરંતુ પરેલમાં રહેતી ૩૩ વર્ષની ચાર્મી શેઠે કૉર્પોરેટ જૉબની ફાસ્ટ લાઇફ છોડીને લાઇફ કોચ તરીકે પોતાની કરીઅર શરૂ કરી. મળીએ આ ન્યુ મૉમને, જે માને છે કે જીવન ધીમે-ધીમે પસાર થવું જોઈએ.

પ્રેશર લેવું સામાન્ય લાગતું હતું

ત્રણ બહેનોમાં સૌથી નાની બહેન એટલે ઘરમાં પહેલેથી રોલ મૉડલ હતાં એમ જણાવતાં ચાર્મી શેઠ કહે છે, ‘અમે બહેનો એક જ સ્કૂલમાં ભણતી હતી અને મારી બહેનો સ્કૂલમાં પહેલેથી જાણીતી હતી. તેઓ બહુ હોશિયાર હતી એટલે મારી ટૅલન્ટ મારી બહેનની ટૅલન્ટ પરથી ઓળખાતી હતી. આવી રીતે મારામાં નાનાપણથી જ કોઈ કામની લીડ લેવાનું ડેવલપ થયું અને હું બોલવામાં સારી હતી તો એ પણ બહુ જ મદદરૂપ થયું. સામાન્ય રીતે પેરન્ટ્સ કહેતા હોય છે કે ભણવાનું પૂરું કરો, પછી જે કરવું હોય એ કરો. પણ મેં મારી મમ્મી પાસેથી ક્યારેય આવું નહોતું સાંભળ્યું. મમ્મીએ પહેલેથી જ અમારા નિર્ણયોમાં વિશ્વાસ કર્યો હતો. આવું વાતાવરણ હતું તો મને બહુ જ પ્રેશર રહેતું. મારી બહેનોનાં સ્કૂલનાં પરિણામ બહુ જ સારાં આવતાં. એટલે મારે દરેક બાબતમાં સૌથી શ્રેષ્ઠ જ રહેવાનું. કોઈએ મને કંઈ કહ્યું નહોતું, પણ મેં જાતે એટલુંબધું પ્રેશર લઈ લીધું હતું. મને યાદ છે હું નવમા ધોરણમાં હતી ત્યારે મને હેલ્થ પ્રૉબ્લેમ શરૂ થઈ ગયો હતો. ત્યારે હું દવાના સહારા વગર મારી પરીક્ષા પૂરી નહોતી કરી શકતી. છતાં મેં બધી જ પરીક્ષાઓમાં સૌથી બેસ્ટ પરિણામ મેળવ્યું. પણ આ પરીક્ષાઓ મારા માટે બહુ તકલીફભરી રહી હતી એટલે પ્રેશર અને ડર સાથે સારું પરિણામ મેળવવું એ મારા માટે સામાન્ય બની ગયું હતું. પરંતુ જ્યારે હું ચાર્ટર્ડ અકાઉન્ટન્ટની પરીક્ષાની તૈયારી કરી રહી હતી ત્યારે હું પથારીમાંથી ઊભી ન થઈ શકું એવી પરિસ્થિતિ આવી. કોઈ દવા પણ અસર ન કરે. ’

(ડાબેથી) મોટી બહેન શ્રદ્ધા, મમ્મી અમિતા પારેખ, ચાર્મી, પપ્પા પ્રીતમ પારેખ અને બહેન રિદ્ધિ.

અધ્યાત્મ પર શંકા

પ્રેશરને એકદમ નૉર્મલ સમજતી થઈ ગયેલી ચાર્મી કહે છે, ‘મને યાદ છે ૨૦૧૨માં CAની પરીક્ષાને થોડો સમય રહ્યો હતો ત્યારે મારી હાલત બહુ જ ખરાબ થઈ ગઈ હતી. ત્યારે મારી બહેન શ્રદ્ધા, જેણે પ્રાણિક હીલિંગનો બેઝિક કોર્સ કર્યો હતો, તેણે આ હીલિંગ ટ્રાય કરવાનું સૂચન કર્યું. મને પહેલાં તો શંકા જ હતી. મારી બહેન એમાં હજી નવી હતી તો તે મને મદદ કરી શકે એમ નહોતી એટલે મને તે તેના ટીચર પાસે લઈ ગઈ. એ સમયે હું ક્યાંય પણ બહાર જતી તો પહેલાં બેસવા માટે ખુરસી શોધતી. પગ સીધા ઊભા જ ન રહે, તેને બેસવું જ હોય.  જ્યારે આ ટીચર પાસે આવી ત્યારે હું ખુરસી નહોતી શોધી રહી. ટીચરે મને હીલિંગ કર્યું અને એક મિનિટમાં હું ચાલવા માંડી. ત્યારે મારા મનમાં હતું કે મારે આના વિશે જાણવું છે. મમ્મીએ સવાલ પૂછતાં શીખવાડ્યું હતું. મારી મમ્મી અંધશ્રદ્ધામાં નહોતી માનતી પણ લૉજિક વિશે સમજાવતી. આ બધું થયું અને મેં ૨૦૧૩માં મારી પહેલી જ ટ્રાયમાં CA પાસ કરી લીધું.’

CA તરીકેની કારર્કિદી

અકાઉન્ટિંગમાં વિશ્વમાં સૌથી મોટી ગણાતી કંપનીઓમાંની એક કંપની KPMGમાં ચાર્મી ૨૦૧૦થી આર્ટિકલશિપ કરી રહી હતી અને સાથે જ પરીક્ષાની તૈયારી કરી રહી હતી. ૨૦૧૪માં બીજી મોટી કંપની ડેલોઇટમાં કામ શરૂ કર્યું એ વિશે જણાવતાં ચાર્મી કહે છે, ‘મને મારા કામમાં બહુ જ મજા આવતી હતી. આ જ વર્ષે મેં પણ મારો પહેલો હીલિંગ કોર્સ કર્યો. હું મેડિટેશનની ટેક્નિકને રોજબરોજના જીવનમાં ઉપયોગમાં લેતી. આ કોર્સ કર્યા બાદ પણ જ્યારે મારી બહેન મને મેડિટેશન કરવાનું કહેતી ત્યારે હું કોઈ પણ બહાનું કાઢીને અવગણતી. એટલે સ્પિરિચ્યુઅલિટીએ ધીરે-ધીરે પણ બહુ જ સ્ટ્રૉન્ગ સ્થાન લીધું. હું મારા દરેક નિર્ણયમાં પણ આ બધી ટેક્નિકનો ઉપયોગ કરતી હતી. હું મારી રજાઓ ભેગી કરતી જેથી હું વર્ષમાં એક વખત તો બે અઠવાડિયાંનો સ્પિરિચ્યુઅલ બ્રેક લઈ શકું. એમાંય મારી ટીમ બહુ જ સપોર્ટિવ હતી. એ લોકોને ખબર હતી કે હું સ્પિરિચ્યુઅલ છું તો ઑફિસમાં જ મને સ્ટાફ માટે વર્કશૉપ અને મેડિટેશન કરાવવા માટે કહેવામાં આવતું. ૨૦૧૯માં અમારી મહિલાઓ માટે લીડરશિપ પ્રોગ્રામની ટ્રેઇનિંગ થઈ હતી. ત્યારે ટ્રેઇનિંગ બાદ બધાને પૂછવામાં આવ્યું કે કોને કંપનીમાં પાર્ટનર બનવું છે? ત્યારે બધાએ હાથ ઊંચો કર્યો અને મેં ન કર્યો. એટલે ટ્રેઇનરે મને પૂછ્યું કે તમારે લીડર નથી બનવું? ત્યારે મને કોઈ વસ્તુ હાથ ઊંચો કરવા માટે રોકી રહી હતી. આ જ વર્ષે મારાં લગ્ન થયાં.’

કોવિડ બન્યો મદદગાર

કોવિડ પહેલાં જ લગ્ન થયાં અને કોવિડમાં જ્યારે બધા ઘરમાં કેદ થઈ ગયા અને કામ છૂટી રહ્યું હતું ત્યારે ચાર્મીનું કામ વધી રહ્યું હતું. તે કહે છે, ‘કોવિડમાં હું ઘરેથી કામ કરતી હતી. કામની સાથે-સાથે હું ઘર મૅનેજ કરી રહી હતી. ઘરે બેઠાં મારું કામ વધી રહ્યું હતું. હું મારા કામમાં રસ ગુમાવી રહી હતી. ત્યારે જ મારા હસબન્ડ શમલ શેઠે મને આ કરીઅર માટે પુશ આપ્યો. જ્યારે તમે કૉર્પોરેટ લાઇફ વિશે વિચારો તો તમને ખ્યાલ આવે કે બહુ જ હાર્ટલેસ લાઇફ છે. મને કોઈ કામ હાફ-હાર્ટેડ્લી નહોતું કરવું એટલે એ પણ એક કારણ હતું. કૉર્પોરેટમાં બધું એટલું ઝડપથી થતું હોય છે કે તમને શ્વાસ લેવાની ખબર ન પડે. હું એકદમ ધીમે જીવન જીવવા માગતી હતી. મેં અચાનક તો જૉબ નહોતી છોડી દીધી. ૨૦૨૦માં મને મૅનેજરિયલ પોઝિશન માટે પ્રમોશન મળ્યું. આ કરીઅરમાં હું બહુ જ ઊંચે જઈ શકતી હતી. મારા બૉસે મને બહુ જ સપોર્ટ કર્યો. તેમણે મને પ્રમોશન આપ્યું હતું એટલે મેં પણ અચાનક જ કંપની નહોતી છોડી દીધી. તેમને મારા બદલે કોઈ મળે ત્યાં સુધી રાહ જોઈ. તમારી હાઈ-પેઇંગ સૅલેરી છોડવાનો નિર્ણય થોડો મુશ્કેલ બની શકે, પરંતુ મારા માટે એ સરળ બની ગયું હતું કારણ કે મને કામમાં મજા નહોતી આવી રહી. ૨૦૨૧માં આ સફર શરૂ કરવામાં મેં મારા CAના પ્રૅક્ટિકલ નૉલેજનો ઉપયોગ કર્યો. સૌથી પહેલાં તો મિત્રો અને પરિવારને જ આમાં સામેલ કર્યા અને લાઇફ કોચ તરીકેની મારી સફર શરૂ કરી.’

જીવનનો હેતુ સમજાઈ જાય પછી સમય બગાડવો જોઈએ

દિવસની શરૂઆત અને અંત પ્રાર્થનાથી કરતી ચાર્મી કહે છે, ‘અચાનક જ કરીઅર બદલી એવું નહોતું. મને થોડા-થોડા સમયે અંદરથી જ એવું લાગતું કે મારો હેતુ કંઈક બીજો છે. મારી પાસે મારી ઉંમરના લોકો જ્યારે માર્ગદર્શન માટે આવતા ત્યારે મને બહુ જ સંતોષ થતો કે હું તેમને સાચી દિશામાં ગાઇડ કરવા માટે નિમિત્ત બની રહી છું. એના કારણે દસ વર્ષ કામ કર્યા પછી મારા માટે આ દિશામાં નિર્ણય લેવાનું સરળ થઈ ગયું હતું. છેલ્લાં ૪ વર્ષથી કેટલા લોકો મારી સાથે જોડાયા એનું ગણિત મેં નથી કર્યું, પણ મારી મમ્મી હંમેશાં મને કહેતી કે કોઈ પણ કામ કરેલું જીવનમાં નકામું નથી જતું. મારા દીકરાના જન્મ પછી હું લાઇફ વધારે ધીમે જીવી રહી છું. અહીં સુધી પહોંચવામાં મારા આખા પરિવાર ને મારા હસબન્ડના સપોર્ટને હું સુપ્રીમ ગણાવું છું. તમને જ્યારે તમારા જીવનનો હેતુ ખબર પડી જાય પછી નિર્ણય લેવામાં સમય ન લગાવવો જોઈએ.’

columnists parel life and style mumbai gujarati mid-day gujarati community news gujaratis of mumbai