કૅન્સર સામેના જંગે ચીંધ્યો સમાજસેવાનો માર્ગ

15 October, 2024 02:40 PM IST  |  Mumbai | Heena Patel

કૅન્સરની પીડાદાયક સારવારમાંથી પસાર થયા બાદ સાજા થઈને કૅન્સરના દરદીઓની સેવાને જ જીવનનું લક્ષ્ય બનાવી લેવાનું કામ કર્યું છે વિલે પાર્લેમાં રહેતા અજય પાઠકે.

કૅન્સર સામેની લડતની સફરમાં તેમ જ હવે સમાજસેવાના કાર્યમાં પરિવારનો પૂરો સાથ મળ્યો છે અજય પાઠકને.

કૅન્સરની પીડાદાયક સારવારમાંથી પસાર થયા બાદ સાજા થઈને કૅન્સરના દરદીઓની સેવાને જ જીવનનું લક્ષ્ય બનાવી લેવાનું કામ કર્યું છે વિલે પાર્લેમાં રહેતા અજય પાઠકે. સામાજિક કાર્યકર્તા અજયભાઈ કૅન્સર અને બોન મૅરોના દરદીઓની સારવાર અને દવાના ખર્ચમાં મદદરૂપ થાય છે એટલું જ નહીં, બ્લડ-પ્લેટલેટ્સની તેમ જ રહેવા-ખાવાની વ્યવસ્થા સુધીનાં બધાં જ કામ કરે છે

કૅન્સર સામે જંગ જીત્યા બાદ વિલે પાર્લેમાં રહેતા ૬૧ વર્ષના અજય પાઠક અત્યારે કૅન્સરના અન્ય દરદીઓને મદદરૂપ બનવાનું કામ કરી રહ્યા છે. કૅન્સરના દરદીઓની સારવારની, દવાના ખર્ચની, બ્લડ-પ્લેટલેટ્સની વ્યવસ્થાની, દરદીઓ અને તેમના પરિવાર માટે રહેવાની-ખાવાની સુવિધા કરી આપવાનાં કામ તેઓ કરે છે. કૅન્સરના એક દરદીથી શરૂ થયેલી સેવાની આ યાત્રામાં હવે તો સેંકડો દરદીઓને અજયભાઈ સધિયારો આપી ચૂક્યા છે. અજયભાઈની જર્ની બીજાને સમાજસેવા માટે આગળ આવવા પ્રેરણા આપે એવી છે.

પ્રેરણા કેવી રીતે મળી?

સમાજસેવા શરૂ કરવા પાછળ કઈ વસ્તુએ પ્રેરણા આપી એ વિશે વાત કરતાં અજયભાઈ કહે છે, ‘મને ૨૦૧૫માં જર્મ સેલ ટ્યુમર (GCT) ડિટેક્ટ થયું હતું. એ પછી મારી સર્જરી થઈ. અનેક વાર કીમોથેરપીમાંથી પસાર થવું પડ્યું. કીમોથેરપી લીધા પછી શરીરમાં જરાય તાકાત જ ન હોય એવું લાગે. જમીન પર પગ ન મૂકી શકીએ. કઈ ક્ષણે તમારી સાથે શું થવાનું છે એ ખબર ન પડે. તમને ઊલટી પણ થઈ શકે, ઝાડા પણ થઈ શકે અને શરીરમાં દુખાવો પણ ઊપડી શકે. મને કૅન્સર થયું ત્યારે મને એક કૅન્સરના દરદીની પીડા સમજાઈ. એ સમયે જ મેં નક્કી કરી લીધું કે આવા લોકો માટે મારે કામ કરવું છે.’

કૅન્સરના દરદીઓ માટે કામ કરવાની શરૂઆત કઈ રીતે થઈ એ વિશે જણાવતાં અજયભાઈ કહે છે, ‘મેં રિકવર થયા પછી ૨૦૧૬થી કૅન્સરના દરદીઓ માટે કામ કરવાનું શરૂ કરી દીધું. સૌપ્રથમ મેં એન. કે. ધાભર કૅન્સર ફાઉન્ડેશન સાથે જોડાઈને કામ કરવાનું શરૂ કર્યું, કારણ કે મેં પોતે ઑન્કોલૉજિસ્ટ ડૉ. બોમન ધાભર પાસેથી જ ટ્રીટમેન્ટ લીધી હતી. એ પછી મહિલાઓના બ્રેસ્ટ-કૅન્સર અને પુરુષોના હેડ ઍન્ડ નેક કૅન્સર માટેના અનેક સ્ક્રીનિંગ કૅમ્પ કર્યા. કોરોના સુધી હું ફાઉન્ડેશન સાથે જોડાયેલો હતો.’

હાલમાં અજયભા​ઈ કોઈ સંસ્થા સાથે જોડાયેલા નથી, સ્વતંત્ર રીતે જ તેઓ કામ કરે છે. તેઓ કહે છે, ‘કોરોનાકાળમાં કૅન્સરના દરદીઓ માટે કરવામાં આવતા અવેરનેસ કૅમ્પ બંધ થઈ ગયા. જોકે હું કોઈ પણ રીતે કૅન્સરના દરદીઓ માટે કામ ચાલુ રાખવા ઇચ્છતો હતો. મારી પાસે કૅન્સરની દવાઓ પ્રોવાઇડ કરતી ફાર્મા કંપનીઓ સાથે ડાયરેક્ટ કૉન્ટૅક્ટ પણ બની ગયેલા. બીજી બાજુ હું ૩૫ વર્ષથી ટેક્સટા​ઇલની લાઇનમાં છું. એટલે મોટા-મોટા વેપારીઓ સાથે પણ મારી ઓળખાણ હતી. આ રીતે મેં પછી કોઈને સારવાર માટે અથવા તો મોંઘી-મોંઘી દવાઓને સસ્તા ભાવે ઉપલબ્ધ કરાવી આપવાનું કામ શરૂ કર્યું.’

કરુણ સ્થિતિ

અજયભાઈ તેમની પાસે કૅન્સરના કેવા-કેવા કેસ આવે છે એ વિશે વાત કરતાં કહે છે, ‘હું ફાઉન્ડેશન સાથે જોડાયેલો હતો ત્યારે અમારી પાસે એક મહિલાનો કેસ આવેલો, જેને બ્રેસ્ટ-કૅન્સર હતું. તે બીજાના ઘરે ઘરકામ કરીને ગુજરાન ચલાવતી હતી. તેણે સૌથી પહેલાં તો એ જ પ્રશ્ન કરેલો કે ટ્રીટમેન્ટ પછી હું ઘરકામ તો કરી શકીશને? એ મહિલાની સારવારનો ખર્ચ છ લાખ આવેલો અને મેં ત્રણ લાખની વ્યવસ્થા કરી આપેલી. મારી પાસે બીજી એક મહિલાનો કેસ આવેલો. એ મહિલા પરિણીત હતી, પણ બ્રેસ્ટ-કૅન્સર થતાં પતિએ તેને છોડી દીધી હતી. એ મહિલાનો કીમોથેરપીનો બધો ખર્ચ અમે ઉપાડ્યો હતો. જોકે એ મહિલા સાજી થયા પછી ફરી તેના પતિના ઘરે ચાલી ગઈ હતી. આજે તેને એક દીકરો પણ છે.’

બોન મૅરો ટ્રાન્સપ્લાન્ટના કેસમાં પણ અજયભાઈ દરદીઓને મદદ કરે છે. આ વિશે વાત કરતાં તેઓ કહે છે, ‘મારી પાસે ૨૦૨૦ની ૨૭ ફેબ્રુઆરીએ પહેલો બોન મૅરો ટ્રાન્સપ્લાન્ટનો એક બાળકનો કેસ આવેલો. એ પરિવારે જેમ-તેમ કરીને સાત લાખ રૂપિયાની વ્યવસ્થા કરી હતી પણ બીજા ૨૧ લાખ ભરવાના હતા. પૈસાની વ્યવસ્થા ન થાય ત્યાં સુધી ડૉક્ટરે પણ સારવાર કરવાનો ઇનકાર કરી દીધેલો. એ બાળક માટે મેં ૧૫ એપ્રિલ સુધીમાં ૨૧ લાખ રૂપિયાની વ્યવસ્થા કરી આપી. આજે એ બાળક ચાર વર્ષનો છે. અત્યાર સુધીમાં મેં લગભગ પચાસ દરદીઓને બોન મૅરો ટ્રાન્સપ્લાન્ટની ​ટ્રીટમેન્ટ માટે સહયોગ કર્યો છે.’

કૅન્સર અને બોન મૅરોના દરદીઓ માટે ફન્ડની વ્યવસ્થા કઈ રીતે કરવામાં આવે છે એ વિશે અજયભાઈ કહે છે, ‘ટેક્સટાઇલમાં મારી સાથે કામ કરતા ઘણા વેપારી મિત્રો મદદ માટે આગળ આવે છે. એ સિવાય કેટલીક સંસ્થાઓ અને ફન્ડિંગ કંપનીઓ પાસેથી પણ મદદ મળી રહે છે. હું કોઈ દિવસ દાતાઓ પાસેથી રોકડા પૈસા લેતો નથી. ચેક પણ પેશન્ટના હૉસ્પિટલના અકાઉન્ટમાં ડાયરેક્ટ ટ્રાન્સફર કરીએ છીએ.’

રહેવા-ખાવાની વ્યવસ્થા

કૅન્સરના દરદીની રહેવા અને જમવાની સુવિધા કરવામાં પણ અજયભાઈ મદદરૂપ બને છે. આ વિશે તેઓ કહે છે, ‘દાદરમાં સંત ગાડગે મહારાજ ધર્મશાળા છે જ્યાં કૅન્સરના દરદી અને તેના પરિવારને ખૂબ જ નજીવી રકમે રહેવા અને જમવાની સુ​વિધા આપવામાં આવે છે. તાતા હૉસ્પિટલનો લેટર હોય તો જ કૅન્સરના દરદી અને તેના પરિવારને અહીં રહેવાની સુવિધા આપવામાં આવે છે. ઘણા દરદીઓને આ પ્રોસીજરની ખબર હોતી નથી અને સીધા ધર્મશાળામાં પહોંચી જાય છે. આવા કેસમાં હું તેમની ધર્મશાળામાં રહેવાની વ્યવસ્થા કરાવી આપું અને હૉસ્પિટલ પાસેથી લેટર મેળવવામાં પણ મદદ કરું. એ સિવાય દાદરમાં એક ગુરદ્વારા, પરેલમાં નાના પાલકર સ્મૃતિ સમિતિ જેવી જગ્યાઓ છે જ્યાં કૅન્સર પેશન્ટ અને તેની ફૅમિલીને આશરો આપવામાં આવે છે. આ બધા સાથે મારા સારાએવા કૉન્ટૅક્ટ છે.’

બ્લડ અને પ્લેટલેટ્સની જરૂર હોય તો એ પણ અરેન્જ કરાવી આપવાનું કામ અજયભાઈ કરે છે. તેઓ કહે છે, ‘અમે પેશન્ટનું નામ, કઈ હૉસ્પિટલમાં ઍડ્મિટ છે, કયું બ્લડ-ગ્રુપ જોઈએ છે, કેટલા યુનિટ જોઈએ છે એ બધી માહિતી મેળવી લઈએ. મારા કૉન્ટૅક્ટ્સમાં હું બધી જગ્યાએ પેશન્ટની ઇન્ફર્મેશન ફૉર્વર્ડ કરી દઉં. એ પછી ડોનર મળે એટલે એ જાતે હૉસ્પિટલમાં જઈને બ્લડ ડોનેટ કરી આવે.’

અહીં ઉલ્લેખનીય છે કે અજયભાઈ પારિવારિક જીવન અને એકસાથે આટલી બધી પ્રવૃત્તિઓ મૅનેજ કરી શકે છે, કારણ કે તેમને તેમના પરિવારનો પૂરો સાથ છે. તેઓ કહે છે, ‘હું મૂળ ચોરવાડનો વતની છું. મારી પત્ની આરતી અને દીકરા હર્ષિત સાથે રહું છું. દીકરો પણ ટેક્સટાઇલની લાઇનમાં મારી સાથે જ છે. મેં કૅન્સરના દરદીઓ માટે કામ કરવાનું શરૂ કર્યું ત્યારે ખૂબ ભાગદોડ કરી છે. આટલાં વર્ષોથી કામ કરીને હવે સારાએવા કૉન્ટૅક્ટ્સ ડેવલપ થઈ ગયા છે. એટલે ઘણાં કામ એક કૉલકરીએ ત્યાં થઈ જાય. ઘણી વાર જરૂર પડે તો બહાર જવું પણ પડે, પણ એ દરેક વખતે મારી ઢાલ અને મારું પીઠબળ બનવાનું કામ મારા પરિવારે મારા માટે કર્યું છે.’

દરદીઓને જરૂર છે મૉરલ સપોર્ટની

અજયભાઈ દરદીઓને આર્થિક રીતે તો મદદ કરે જ છે અને સાથે તેમને મૉરલ સપોર્ટ પણ આપે છે. આ વિશે તેઓ જણાવે છે, ‘કૅન્સર અને બોન મૅરો ટ્રાન્સપ્લાન્ટની લાખો રૂપિયાની ખર્ચાળ સારવાર કરાવવી સામાન્ય માણસના ગજા બહાર છે. ઇમ્યુનિટીનું એક ઇન્જેક્શન લેવા જાઓ તો પણ એની કિંમત લાખોમાં પડે. દરદીની સારવારનો ખર્ચ સાંભળીને જ વ્યક્તિ ભાંગી પડે. કૅન્સરની ટ્રીટમેન્ટ ત્રણ મહિના પણ ચાલી શકે છે અને એક વર્ષ પણ લાગી જાય. માની લો કે દસ લાખનો ખર્ચ આવ્યો હોય તો હું તેમને સમજાવું કે તમારે ક્યાં એકસાથે બધા પૈસા ભરી દેવાના છે? હું પૈસાની વ્યવસ્થા કરવામાં તમારી મદદ કરવા માટે બેઠો છું. આ વિશ્વાસ તેમને અપાવું છું.’

"આ દુનિયામાં સારા લોકોની કોઈ કમી નથી. મેં જ્યારથી કૅન્સરના દરદીઓ માટે કામ કરવાનું શરૂ કર્યું છે ત્યારથી મને ઘણા સેવાભાવી લોકો મળ્યા છે. એ લોકોને મદદ કરવાની ઘણી ઇચ્છા હોય છે, પણ ફક્ત તેમની એક જ ચિંતા હોય છે કે તેમણે આપેલા પૈસા કોઈ ખોટી વ્યક્તિના હાથમાં ન જાય, તેમણે આપેલા જે પૈસા છે એ જરૂરિયાતમંદ સુધી પહોંચે. લોકોને મારા કામ વિશે ખબર છે અને તેઓ સામેથી પૈસાની મદદ કરવા માટે આગળ આવે છે."
- અજય પાઠક

cancer vile parle tata memorial hospital mumbai columnists health tips gujaratis of mumbai gujarati community news