આ છે એશિયાનો સૌથી નાની વયનો ફાસ્ટેસ્ટ ક્યુબર

17 March, 2026 01:30 PM IST  |  Mumbai | Varsha Chitaliya

પાંચ વર્ષની ઉંમર પહેલાં ૧૦ પ્રકારના રુબિક્સ ક્યુબ સૉલ્વ કરવાનો રેકૉર્ડ બનાવનાર અંધેરીનો હર્ષિવ મહેતા હવે ૧૫ રુબિક્સ ક્યુબ સૉલ્વ કરી નવો રેકૉર્ડ બનાવવાના મિશન પર છે

હર્ષિવ મહેતા

ચુટકી વગાડતાં રુબિક્સ ક્યુબ સૉલ્વ કરી નાખતો અંધેરીનો હર્ષિવ મહેતા રમત-રમતમાં એશિયાનો સૌથી નાની વયનો ફાસ્ટેસ્ટ ક્યુબર બની ગયો. ABCD શીખવાની ઉંમરમાં તે રાષ્ટ્રગીત ગાતાં-ગાતાં દસ પ્રકારના રુબિક્સ ક્યુબ્સ સૉલ્વ કરે છે. ક્યુબ્સ સૉલ્વ કરવા માટે અલગ-અલગ ઍલ્ગરિધમ હોય છે. એમાં ભૂલ થાય તો ક્યુબ સૉલ્વ થતો નથી. એની મેથડ સમજવા મગજ કસવું પડે. બ્રેઇન-ટેસ્ટિંગ ટૉય તરીકે ઓળખાતા મેકૅનિકલ પઝલને જાતે શીખવું અને રેકૉર્ડ બનાવવો એ નાનીસૂની વાત નથી. હર્ષિતે માત્ર ૪ વર્ષ ૭ મહિનાની ઉંમરે આ સિદ્ધિ​ પ્રાપ્ત કરી હતી અને અત્યારે તે પાંચ વર્ષ એક મહિનાનો છે. મજાની વાત એ કે આ ઉંમરે તે નવો રેકૉર્ડ બનાવવાના મિશન પર છે.

હર્ષિવનાં મમ્મી મનસ્વી મહેતા કહે છે, ‘આપણે બધાએ ક્યારેક ક્યુબ સૉલ્વ કરવાનો પ્રયાસ કર્યો જ હશે. માઇન્ડગેમ હોવાથી ઉકેલવામાં વાર લાગે અને સમય નીકળી જાય છે. પઝલ-સૉલ્વિંગની રમતથી બાળકનો ઝડપી વિકાસ થાય છે. હર્ષિવ એક જગ્યાએ શાંતિથી બેસી રહે, એકાગ્રતા વધે, પ્રૉબ્લેમ-સૉલ્વિંગ સ્કિલ ડેવલપ થાય અને કઈ જગ્યાએ કઈ ફૉર્મ્યુલા અપ્લાય કરવાની હોય એ સમજાવવાના હેતુથી રુબિક્સ ક્યુબ લાવી આપ્યા હતા. અમને હતું ક્યુબ ઉકેલવામાં વ્યસ્ત રહેશે પણ તે ઝડપથી સૉલ્વ કરવા લાગ્યો. તેને ક્યુબ-સૉલ્વિંગમાં મજા આવે છે જોઈ અલગ-અલગ પ્રકારના ક્યુબ લઈ આવ્યા. લર્નરથી લઈને ઍડ્વાન્સ લેવલ સુધીના ક્યુબ પણ ફટાફટ ઉકેલી નાખતો. તેનો ઇન્ટરેસ્ટ જોઈ પ્રોફેશનલ તાલીમ શરૂ કરી. અઠવાડિયામાં એક વાર શિક્ષક ઘરે આવતા. ત્રણ મહિનાના કોચિંગમાં તેણે રેકૉર્ડ બનાવી નાખ્યો. જોકે રેકૉર્ડ માટે દાવો કરવો જોઈએ એવી પહેલાં જાણકારી નહોતી. અમે હર્ષિવના વિડિયો બનાવી સોશ્યલ મીડિયા પર પોસ્ટ કરતાં હતાં એ જોઈ ઘણા કહેતા કે બહુ ફાસ્ટ સૉલ્વ કરે છે. ત્યાર બાદ ઇન્ટરનેટના માધ્યમથી ખણખોદ કરી. ઑલ ઇન્ડિયા ક્યુબ ફેડરેશન વિશે જાણકારી મેળવી. જૂના રેકૉર્ડની માહિતી મેળવ્યા બાદ પ્રૅક્ટિસ કરાવી વિડિયો શૂટ કર્યા અને અપ્રૂવલ માટે મોકલ્યા. ઑલ ઇન્ડિયા ક્યુબ ફેડરેશનના માર્ગદર્શન હેઠળ ૪ વર્ષ ૭ મહિનાની ઉંમરે તેણે ૩ મિનિટ ૪૯ સેકન્ડમાં ૧૦ પ્રકારના ક્યુબ સૉલ્વ કરી અગાઉનો ૭ વર્ષના બાળકનો રેકૉર્ડ તોડી નાખ્યો.’

રેકૉર્ડની પુષ્ટિ થયા બાદ હર્ષિવને ૨૦૨૫ના વર્ષ માટે સૌથી ઝડપથી ૧૦ પ્રકારના રુબિક્સ ક્યુબ સૉલ્વ કરવા માટે ગ્રૅન્ડમાસ્ટરનું બિરુદ આપવામાં આવ્યું. ઇન્ડિયા બુક ઑફ રેકૉર્ડ્‍સ, એશિયા બુક ઑફ રેકૉર્ડ્‍સ, સિંગાપોરની એન્જિનિયર્સ બુક, ઇન્ટરનૅશનલ અચીવર્સ બુક અને એન્જિનિયર્સ ચાર્મ બુક ઑફ રેકૉર્ડ્‍સમાં હર્ષિવને સ્થાન મળ્યું છે. ઉત્પલ સંઘવી ગ્લોબલ સ્કૂલ (IGCSE)માં જુનિયર KGમાં અભ્યાસ કરતા હર્ષિવ પાસે વિવિધ પ્રકારના ૧૬ ક્યુબ છે. અઠવાડિયામાં એક વારની તાલીમ ચાલુ છે. હવે તેને ઝડપથી ૧૫ ક્યુબ સૉલ્વ કરવાનો રેકૉર્ડ બનાવવો છે. એ માટે દરરોજ પ્રૅક્ટિસ કરે છે. હર્ષિવને ફુટબૉલ અને ક્રિકેટની રમતમાં પણ રસ છે. જનરલ નૉલેજના ક્લાસમાં પણ જાય છે. તેના પપ્પા હર્ષિતભાઈને પ્રિન્ટિંગ અને પૅકેજિંગનો બિઝનેસ છે. મનસ્વીબહેન તેમના પપ્પાના બિઝનેસ સાથે જોડાયેલાં છે. પેરન્ટ્સ કામમાં વ્યસ્ત રહેતા હોવાથી હર્ષિવનો મોટા ભાગનો સમય દાદા-દાદી નૂતનબહેન અને હસમુખભાઈ સાથે વીતે છે. દાદા-દાદી સાથે પણ નવી-નવી રમતો રમે છે. શ્રી મોરબી મચ્છુકાંઠા જૈન સમાજે પણ હર્ષિવની સિદ્ધિની નોંધ લીધી છે. 

columnists andheri mumbai news mumbai Education gujarati community news gujaratis of mumbai jain community life and style lifestyle news