06 November, 2026 12:59 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
ક્રિસ્ટીઆનો રોનાલ્ડો
પોર્ટુગલના ૪૧ વર્ષના ફુટબૉલર ક્રિસ્ટીઆનો રોનાલ્ડોએ અચાનક ઇન્ટરનૅશનલ સ્તરે નિવૃત્તિ જાહેર કરી છે. સૌથી વધુ ગોલ કરવાની રેસમાં સામેલ તેના પ્રતિસ્પર્ધી ૩૯ વર્ષના લીઅનલ મેસીએ એક મહિના પહેલાં ૬ ઑક્ટોબરે આર્જેન્ટિના માટે ફેરવેલ મૅચ રમી હતી. મેસીની જેમ રોનાલ્ડો પણ ક્લબ સ્તરે રમવાનું ચાલુ રાખશે.
રોનાલ્ડોએ સૌથી વધુ ૨૩૪ ઇન્ટરનૅશનલ મૅચોમાં રેકૉર્ડ ૧૪૬ ગોલ કર્યા હતા. મેસી ૨૦૮ મૅચમાં ૧૨૬ ગોલ સાથે બીજા ક્રમે છે. હવે બન્ને વચ્ચે ફુટબૉલમાં ૧૦૦૦ ગોલની સિદ્ધિ સુધી પહોંચવાની રેસ જોવા મળશે. ઓવરઑલ રોનાલ્ડોએ ૬૦૮ મૅચમાં ૯૮૫ ગોલ અને મેસીએ ૫૭૯ મૅચમાં ૯૩૭ ગોલ કર્યા છે.
સોશ્યલ મીડિયા પ્લૅટફૉર્મ ઇન્સ્ટાગ્રામ પર પાંચ મિનિટના વિડિયોમાં રોનાલ્ડોએ પોર્ટુગીઝ ભાષામાં કહ્યું, ‘હવે એ સમય આવી ગયો છે કે હું આપણી નૅશનલ ટીમની ૭ નંબરની જર્સી પરત સોંપી દઉં. મને ક્યારેય એવું નથી લાગ્યું કે આ જર્સી માત્ર મારી છે. આજે એને ભવિષ્યની પેઢીને સોંપવાનો સમય આવી ગયો છે.’
નવા હેડ કોચ સાથેના મતભેદના વિવાદ અને કૅમ્પ છોડવા બદલ ૩૦ ઑક્ટોબર સુધી સસ્પેન્ડ થયેલો રોનાલ્ડો આગળ કહે છે, ‘આ નિર્ણય લેવો સરળ નહોતો, કારણ કે કેટલાક નિર્ણયો માત્ર મગજથી નહીં પણ હૃદયથી લેવાતા હોય છે. ઑગસ્ટ ૨૦૦૩માં શરૂ થયેલી એક સફર, જેણે મારું જીવન હંમેશ માટે બદલી નાખ્યું, એનો આજે અંત આવ્યો છે.’
પોર્ટુગલને ત્રણેય ટાઇટલ રોનાલ્ડોની આગેવાનીમાં મળ્યાં
પોર્ટુગલની મેન્સ ફુટબૉલ ટીમે પોતાનાં ત્રણેય મોટાં ઇન્ટરનૅશનલ ટાઇટલ છેલ્લા એક દાયકામાં રોનાલ્ડોની આગેવાનીમાં જીત્યાં છે. પોર્ટુગલે ૨૦૧૬માં UEFA યુરો કપ, ૨૦૧૯ અને ૨૦૨૫માં UEFA નૅશનલ લીગ જીતી હતી. રોનાલ્ડોએ વર્લ્ડ કપની ૨૬ મૅચમાં ભાગ લઈને ૧૦ ગોલ કર્યા છે.