24 December, 2024 08:36 AM IST | Melbourne | Gujarati Mid-day Correspondent
ચેતેશ્વર પુજારા
મેલબર્ન ટેસ્ટ પહેલાં ભારતીય ક્રિકેટર અને કૉમેન્ટેટર ચેતેશ્વર પુજારાએ ભારતીય બોલિંગ અટૅકના પ્રદર્શન વિશે ચિંતા વ્યક્ત કરી છે. સ્ટાર સ્પોર્ટ્સ પર પુજારાએ કહ્યું હતું કે ‘મારો સૌથી મોટો પ્રશ્ન અને થોડી ચિંતાનું કારણ એ છે કે ભારતીય બોલિંગ થોડી નબળી દેખાઈ રહી છે. ટૉપ પાંચ બૅટર અપેક્ષા અનુસાર પ્રદર્શન નથી કરી રહ્યા અને લોઅર ઑર્ડરને બૅટથી પણ યોગદાન આપવું પડી રહ્યું છે. હવે જ્યારે બોલિંગ નબળી છે તો પછી ટીમ-કૉમ્બિનેશન શું હશે? ત્રણેય ફાસ્ટ બોલર સારું પ્રદર્શન કરી રહ્યા છે, પરંતુ તેમને ચોથા અને પાંચમા બોલર તરીકે નીતીશ કુમાર રેડ્ડી અને રવીન્દ્ર જાડેજા તરફથી પૂરતો સહયોગ મળી રહ્યો નથી.’
મેલબર્ન ટેસ્ટ પહેલાં આ મોટી સમસ્યાનો ઉલ્લેખ કરતાં પુજારાએ કહ્યું હતું કે ‘જો તમારે ટેસ્ટ-મૅચ જીતવી હોય તો તમારે ૨૦ વિકેટ લેવી પડશે અને આપણી ટીમ પાસે ૨૦ વિકેટ ઝડપથી લેવાની ક્ષમતા સારી નથી. અન્ય બોલર્સ તેમની સહાયક ભૂમિકા સારી રીતે નિભાવી નથી રહ્યા. એથી આ વિભાગમાં વહેલી તકે સુધારો કરવો પડશે અને એ કેવી રીતે થશે એની મને ખબર નથી, પરંતુ એ એક મોટો પ્રશ્ન છે.’
વર્તમાન સિરીઝમાં ભારત માટે જસપ્રીત બુમરાહે ૨૧, મોહમ્મદ સિરાજે ૧૩, હર્ષિત રાણાએ ૪, આકાશ દીપે ૩, નીતીશ કુમાર રેડ્ડીએ ૩, વૉશિંગ્ટન સુંદરે બે અને રવિચન્દ્રન અશ્વિને એક વિકેટ ઝડપી છે. ઑલરાઉન્ડર રવીન્દ્ર જાડેજા ગૅબા ટેસ્ટમાં પહેલી વાર રમ્યો હતો પણ તેને કોઈ સફળતા મળી નહોતી.
છેલ્લી ત્રણ ટેસ્ટમાં ભારતીય બોલિંગ યુનિટનું પ્રદર્શન
ફાસ્ટ બોલર્સ - ૨૭૮ ઓવરમાં ૯૮૯ રન આપીને ૪૪ વિકેટ.
સ્પિન બોલર્સ - ૫૮ ઓવરમાં ૧૯૭ રન આપીને ૩ વિકેટ.
ઓવરઑલ - ૩૩૬ ઓવરમાં ૧૧૮૬ રન આપીને ૪૭ વિકેટ.