વેસ્ટર્ન રેલવેમાં સ્પીડ-નિયંત્રણને લીધે પહેલા જ દિવસે પૅસેન્જર થયા પરેશાન

01 October, 2024 08:39 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

વેસ્ટર્ન રેલવેમાં મલાડ સ્ટેશન નજીક છઠ્ઠી લાઇનનું જે કામ ચાલી રહ્યું છે એને લીધે ગઈ કાલે વેસ્ટર્ન સબર્બ્સનાં સ્ટેશનો પર પ્રવાસીઓએ સવારના ધસારાના સમયે સારી એવી હેરાનગતિનો સામનો કરવો પડ્યો હતો.

ગઈ કાલે કાંદિવલી સ્ટેશન પર ટ્રેનમાં ચડવા માટે જોવા મળેલી ભીડ. તસવીર : સતેજ શિંદે

વેસ્ટર્ન રેલવેમાં મલાડ સ્ટેશન નજીક છઠ્ઠી લાઇનનું જે કામ ચાલી રહ્યું છે એને લીધે ગઈ કાલે વેસ્ટર્ન સબર્બ્સનાં સ્ટેશનો પર પ્રવાસીઓએ સવારના ધસારાના સમયે સારી એવી હેરાનગતિનો સામનો કરવો પડ્યો હતો. એમાં સૌથી વધારે તકલીફનો સામનો કાંદિવલી અને મલાડના મુસાફરોએ કરવો પડ્યો હતો. જોકે આવતી કાલથી એમાં રાહત મળવાની ભારોભાર શક્યતા છે. શુક્રવાર સુધી મલાડથી રામ મંદિર રોડ સ્ટેશન સુધી ટ્રેન ધીમી ગતિએ ચાલશે અને એને લીધે અમુક સર્વિસ પણ રદ કરવામાં આવશે એવી જાહેરાત વેસ્ટર્ન રેલવેએ પહેલાંથી જ કરી છે. મલાડ સ્ટેશન પર છઠ્ઠી લાઇનનું જે કામ ચાલી રહ્યું છે એને લગતાં સિગ્નલ્સ અને અન્ય ટેક્નિકલ બાબતો ચકાસવા વેસ્ટર્ન રેલવે દ્વારા ગઈ કાલથી નિયંત્રણ મુકાયું છે. 

વેસ્ટર્ન રેલવેના પ્રવક્તાના જણાવ્યા અનુસાર છેલ્લા ૨૫ દિવસથી આ કામ ચાલી રહ્યું છે. હવે એ પૂરું થવાના આરે છે. એથી સિગ્નલ સિસ્ટમ ચેક કરવાની છે અને એ માટે ટ્રેનની સ્પીડ ૩૦ કિલોમીટર સુધી જ રાખવી પડે છે. ફાસ્ટ લાઇન પરની સ્પીડ લિમિટ બુધવારે સવારે પાછી ખેંચાશે જ્યારે સ્લૉ લાઇન પરની સ્પીડ લિમિટ શુક્રવારે પાછી ખેંચાશે. એના કારણે જે ટ્રેનો કૅન્સલ થઈ છે અને થવાની છે એની સંખ્યા ધીમે-ધીમે ઘટતી જશે.

mumbai news mumbai western railway malad goregaon kandivli mumbai local train mumbai railways