28 September, 2024 11:00 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
પ્રતીકાત્મક ફાઇલ તસવીર
કાલબાદેવીમાં આદિત્ય સ્ટીલ ઍન્ડ એન્જિનિયરિંગ કંપનીમાં કામ કરતા અકાઉન્ટન્ટ રાહુલ દેવકતેએ ૭૫ વર્ષના માલિક પુખરાજ શાહના બૅન્ક-ખાતામાંથી ૬૯ લાખ રૂપિયા સેરવી લીધા હોવાની ફરિયાદ ડી. બી. માર્ગ પોલીસ-સ્ટેશનમાં નોંધાઈ છે. આરોપી રાહુલે જુલાઈ અને ઑગસ્ટ મહિનામાં પુખરાજ શાહ અને તેમની પત્નીની ખોટી સહી કરી બૅન્કમાં આપી ધીરે-ધીરે પૈસા પોતાના બૅન્ક-ખાતામાં ટ્રાન્સફર કરાવ્યા હતા એટલું જ નહીં, પુખરાજ શાહનો ફોન લઈને તેણે કેટલીક વાર બૅન્કના અધિકારીઓ સાથે પુખરાજ શાહ બનીને વાત કરી હોવાનો આરોપ ફરિયાદમાં કરવામાં આવ્યો છે.
રાહુલે વધુ ૧૨ લાખ રૂપિયા પોતાના બૅન્ક-ખાતામાં ટ્રાન્સફર કરવા માટે બૅન્કને રિયલ ટાઇમ ગ્રોસ સેટલમેન્ટ (RTGS) ફૉર્મ આપ્યું હતું, પણ બૅન્કે કન્ફર્મ કરવા માટે પુખરાજ શાહને ફોન કર્યો ત્યારે આ ઘટના પ્રકાશમાં આવી હતી એમ જણાવતાં ડી. બી. માર્ગ પોલીસ-સ્ટેશનના એક સિનિયર અધિકારીએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘પુખરાજ શાહ અને તેમની પત્નીનાં પાંચ અલગ-અલગ બૅન્કમાં અકાઉન્ટ છે. આ તમામ અકાઉન્ટનો વ્યવહાર ૯ વર્ષથી તેમને ત્યાં કામ કરતા રાહુલના હાથમાં હતો. તેની પાસે પુખરાજ શાહે સહી કરેલી ચેકબુક ઉપરાત બૅન્કનાં તમામ ડૉક્યુમેન્ટ્સ હતાં. ૧૭ સપ્ટેમ્બરે પુખરાજ શાહને કોટક બૅન્કમાંથી કૅશિયરનો ફોન આવ્યો હતો. તેણે રાહુલના ખાતામાં તમે જ ૧૨ લાખ રૂપિયા ટ્રાન્સફર કર્યા છે એમ પૂછ્યું હતું. પુખરાજ શાહે એનો ઇનકાર કરીને એ પેમેન્ટ બ્લૉક કરી દેવાની વિનંતી કરી હતી. આ ફોન ચાલુ હતો ત્યારે જ રાહુલ ઑફિસમાંથી બહાર ચાલ્યો ગયો હતો એટલે પુખરાજ શાહને તેના પર શંકા આવતાં તેમણે પોતાનાં તમામ બૅન્ક-ખાતાંનાં છેલ્લા છ મહિનાનાં સ્ટેટમેન્ટ કાઢ્યાં હતાં. આ સ્ટેટમેન્ટમાં રાહુલે જુલાઈ અને ઑગસ્ટ મહિનામાં ૬૯ લાખ રૂપિયા પોતાના ખાતામાં સેરવી લીધા હોવાનું પ્રકાશમાં આવ્યું હતું. આટલી મોટી રકમ કેવી રીતે પુખરાજ શાહને પૂછ્યા વગર ટ્રાન્સફર કરવામાં આવી એની માહિતી બૅન્ક પાસે લેતાં માલૂમ થયું હતું કે દર વખતે પૈસા ટ્રાન્સફર કરવા પહેલાં બૅન્ક દ્વારા ફોન કરવામાં આવ્યો હતો, પણ એ સમયે ચતુરાઈથી રાહુલે પુખરાજ શાહનો ફોન પોતાની પાસે રાખી પોતે પુખરાજ હોવાનો દાવો કરીને બૅન્કના અધિકારીઓ સાથે વાત કરીને પૈસા ટ્રાન્સફર કરવા કહ્યું હતું.’
આ કેસમાં હાલમાં આરોપીની ધરપકડ કરવામાં આવી નથી એમ જણાવતાં ડી. બી. માર્ગ પોલીસ-સ્ટેશનના સિનિયર ઇન્સ્પેક્ટર વિનય ઘોરપડેએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘આરોપી છેલ્લાં નવ વર્ષથી ફરિયાદી પાસે કામ કરી રહ્યો છે. તેણે આ પહેલાં પણ આવું કર્યું હોય એવી શક્યતા છે. આ કેસની વિગતવાર તપાસ કરવામાં આવી રહી છે.’ આ સંદર્ભમાં વધુ માહિતી માટે ‘મિડ-ડે’એ પુખરાજ શાહનો સંપર્ક કર્યો ત્યારે તેમણે કોઈ માહિતી આપવાનો ઇનકાર કર્યો હતો.