07 August, 2024 01:42 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
પ્રતીકાત્મક તસવીર
ઘાટકોપર-ઈસ્ટમાં ખોખાણી લેનમાં રહેતા અને ભિવંડીમાં પ્લાસ્ટિકની પાઇપનું મૅન્યુફૅક્ચરિંગ કરતા પંચાવન વર્ષના દીપક સાવલા સહિત અન્ય પાંચ કચ્છીઓ સાથે રણજિત બિયાસ નામની વ્યક્તિએ ઇન્વેસ્ટમેન્ટ પાછળ ૩૦ ટકા નફાની લાલચ આપીને ૭૩.૫૦ લાખ રૂપિયાની છેતરપિંડી કરી હોવાની ફરિયાદ ડોમ્બિવલી પોલીસ-સ્ટેશનમાં સોમવારે નોંધાઈ હતી. રણજિતે આ તમામ પૈસા સાર્થક વેલ્થ મૅનેજમેન્ટના બૅન્ક-ખાતામાં ૨૦૨૦થી ૨૦૨૨ દરમ્યાન લઈને એની સામે ત્રણ વર્ષમાં પૈસા પાછા આપશે એવો વિશ્વાસ બેસાડવા મેમોરેન્ડમ ઑફ અન્ડરસ્ટૅન્ડિંગ (MoU) પણ ફરિયાદીઓ સાથે બનાવ્યાં હોવાનો આરોપ ફરિયાદમાં કરવામાં આવ્યો છે.
રણજિત શરૂઆતમાં મારી પાસે પૈસા લેવા આવ્યો ત્યારે તેણે આ પૈસા કરન્સીમાં ઇન્વેસ્ટ કરી એની સામે ૫૦થી ૬૦ ટકા વળતર મળતું હોવાનું પ્રેઝન્ટેશન લૅપટૉપ પર દેખાડ્યું હતું એમ જણાવીને દીપક સાવલાએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘હું અમારા સમાજના સાગર દેઢિયાને ૨૦૨૦માં સમાજના એક પ્રોગ્રામમાં મળ્યો હતો. ત્યારે તેણે તે રણજિત બિયાસ પાસે નોકરી કરતો હોવાનું કહીને એક બિઝનેસ-પ્રપોઝલ માટે મળવા માગે છે એમ કહ્યું હતું. એ પછી સાગર અને રણજિત મને ઘાટકોપરમાં મળ્યા હતા. ત્યારે રણજિતે પોતાની કંપનીમાં ઇન્વેસ્ટ કરવાથી દર વર્ષે ઓછામાં ઓછો ૩૦ ટકા નફો મળશે એમ જણાવ્યું હતું. તેની પ્રપોઝલ સારી લાગતાં મેં ૫૦ લાખ રૂપિયાનું ઇન્વેસ્ટમેન્ટ રણજિતની કંપનીમાં કર્યું હતું. એની સામે રણજિતે કેવી રીતે પૈસા પાછા આપશે અને ક્યારે આપશે એનું MoU બનાવીને આપ્યું હતું. જોકે MoU પૂરું થયું એને એક વર્ષ પૂરું થઈ જવા છતાં રણજિતે મારા પૈસા પાછા આપ્યા નહોતા. અંતે મેં તેની વધુ માહિતી કાઢતાં જાણવા મળ્યું હતું કે તેણે મારી જેમ બીજા લોકો પાસેથી પણ પૈસા લીધા છે. એટલે મેં ડોમ્બિવલી પોલીસ-સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી.’
દીપકભાઈએ આ ઇન્વેસ્ટમેન્ટ સ્કીમ તેમના બીજા સંબંધીઓને કહેતાં તેમણે પણ પૈસા ઇન્વેસ્ટ કર્યા હતા એમ જણાવતાં ડોમ્બિવલી પોલીસ-સ્ટેશનના એક સિનિયર અધિકારીએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘આ ઇન્વેસ્ટમેન્ટ સ્કીમમાં લતેશ છેડાએ ૧૫ લાખ રૂપિયા, સંદીપ ગડાએ ૧.૫૦ લાખ રૂપિયા, જવેરબહેન ગડાએ એક લાખ રૂપિયા, ધુવિન શાહે પાંચ લાખ રૂપિયા અને હેમંત સાલિયાએ એક લાખ રૂપિયા ઇન્વેસ્ટ કર્યા હતા. દીપકભાઈના ૫૦ લાખ રૂપિયા અને બીજા પાંચ લોકો પાસેથી ૨૩.૫૦ લાખ રૂપિયા મળીને ૭૩.૫૦ લાખ રૂપિયાની છેતરપિંડી રણજિતે કરી હોવાની ફરિયાદ નોંધીને અમે આ કેસમાં વધુ તપાસ શરૂ કરી છે.’