જીવલેણ બની જીભાજોડી

12 September, 2025 09:31 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

મલાડમાં માથામાં બિઅરની બૉટલો મારીને અને પેટમાં ચાકુના વાર કરીને કચ્છી ભાનુશાલી યુવાનની હત્યા

જીવ ગુમાવનાર કલ્પેશ ભાનુશાલી, DCP સંદીપ જાધવ, મુખ્ય આરોપી સંજય મકવાણા

મલાડમાં બુધવારે મધરાત બાદ ૧.૩૦થી ૨.૩૦ વાગ્યા દરમ્યાન ગુરુકૃપા બાર પાસે ૩૪ વર્ષના કલ્પેશ ભાનુશાલીની કરપીણ હત્યા કરવામાં આવી હતી. યુવાનોના ગ્રુપ સાથે થયેલી જીભાજોડીમાં એ ગ્રુપના યુવાનોએ તેના માથામાં બિઅરની બૉટલો ફટકારીને અને ચાકુના વાર કરીને તેની હત્યા કરી હતી. પોલીસે તપાસ કરીને એક આરોપીને ઝડપી લીધો છે અને તેના બીજા સાગરીતોની શોધ ચાલુ છે.

કલ્પેશ ભાનુશાલી નાનોએવો ફૂડ-સ્ટૉલ ચલાવતો હતો અને સીઝન પ્રમાણે ગણપતિની મૂર્તિઓ વેચવાનો પણ ધંધો કરતો હતો. તેની કરપીણ હત્યાના આ કેસ વિશે માહિતી આપતાં ડેપ્યુટી કમિશનર ઑફ પોલીસ સંદીપ જાધવે જણાવ્યું હતું કે ‘કલ્પેશ મોડી રાતે ગુરુકૃપા બાર ઍન્ડ રેસ્ટોરાં પાસે હતો ત્યારે આરોપી સંજય મકવાણા રાતે દોઢ વાગ્યા પછી ફૂડ-પાર્સલ લેવા ગયો હતો. એ ‍વખતે મૅનેજરે તેને ના પાડી દીધી હતી કે હવે અહીં ખાવાનું નહીં મળે, હોટેલ બંધ થઈ ગઈ છે. એથી સંજય મકવાણાની મૅનેજર સાથે જીભાજોડી થઈ હતી અને તે મૅનેજરને ગાળો બોલ્યો હતો. એ ‍વખતે કલ્પેશે તેને ટપાર્યો હતો અને કહ્યું હતું કે ગાળો શું કામ આપે છે? એથી તેમની વચ્ચે ઝઘડો થયો હતો. એ પછી સંજય મકવાણા બીજા છોકરાઓને લઈને આવ્યો હતો અને કલ્પેશના માથામાં કાચની બૉટલો મારી હતી. ત્યાર બાદ ધારદાર હથિયારોથી પણ તેના પર વાર કર્યા હતા. પ્રાથમિક તપાસમાં આરોપીઓ અને કલ્પેશ વચ્ચે જૂની અદાવત હોય એવું જાણવા મળ્યું નથી. આરોપીઓ અને મરનાર કલ્પેશ સામે પણ કેટલાક જૂના ગુના દાખલ થયા છે. અમે એ બાબતે તપાસ ચલાવી રહ્યા છીએ. એક આરોપીને ઝડપી લીધો છે અને બાકીના આરોપીઓની શોધ ચાલુ છે.’ 

પોલીસને આ બાબતની જાણ થઈ ત્યારે તરત જ પૅટ્રોલિંગ વૅન ત્યાં પહોંચી ગઈ હતી. લોહીનીંગળતી હાલતમાં કલ્પેશને હૉસ્પિટલમાં લઈ જવાયો હતો. ડૉક્ટરોએ તેને દાખલ કરતાં પહેલાં તપાસીને મૃત જાહેર કર્યો હતો. મલાડ પોલીસે ત્યાર બાદ તપાસ ચલાવીને એક આરોપીને ઝડપી લીધો હતો, જ્યારે તેના બીજા સાગરીતોની શોધ શરૂ કરી હતી. 

મરી ગયો છે એની જાણ થવા છતાં તેના નાક પર લાતો મારીને નાક ચપટું કરી નાખ્યું : પરેશ ભાનુશાલી

કલ્પેશના ભાઈ પરેશ ભાનુશાલીએ કહ્યું હતું કે ‘મારા ભાઈની જ્યાં હત્યા કરાઈ એ બાર ૨૪ કલાક ચાલુ હોય છે. જો એ બાર સમયસર બંધ થયો હોત તો આ ઘટના ન બની હોત. મલાડ પોલીસ સહકાર આપી રહી છે. એક આરોપી પકડાયો છે, પણ બાકીના પાંચ આરોપીઓ હજી પકડાયા નથી. આરોપી છોકરાઓનું નાદબ્રહ્મ નામનું એક ગ્રુપ છે જે ઢોલ વગાડે છે. મુખ્ય આરોપી સંજય મકવાણા છે તે પણ મારા ભાઈનો ફ્રેન્ડ જ હતો. બુધવારે તેમની વચ્ચે ઝઘડો થયો હતો. બન્નેએ દારૂ પીધો હતો. એ વખતે ઝપાઝપી થઈ અને ત્યાં જ મામલો થાળે પડી ગયો. એ પછી સંજય મકવાણા તેના નાદબ્રહ્મ ગ્રુપના બીજા છોકરાઓને લઈ આવ્યો અને તેમણે બિઅરની બાટલીઓ એક પછી એક તેના પર ફોડવાનું શરૂ કર્યું. ઘણુંબધું વાગવા છતાં પણ તે જીવી જાય એવી હાલતમાં હતો. જોકે એ પછી તેમણે ધારદાર હ​થિયાર કાઢ્યાં અને તેની પીઠમાં વાર કર્યા એટલે તે ફસડાઈ પડ્યો હતો અને ત્યાં જ મરી ગયો હતો. એ પછી પણ તેમની ક્રૂરતા અટકી નહીં. તેમણે તેનું નાક પણ તોડી નાખ્યું. તેમને ખબર પડી ગઈ કે તે મરી ગયો છે છતાં તેના નાક પર લાતો મારી હતી. આ આરોપીઓ વહેલામાં વહેલી તકે પકડાવા જોઈએ.’

mumbai news mumbai murder case mumbai crime news Crime News crime branch mumbai crime branch gujaratis of mumbai gujarati community news mumbai police