કાંદિવલીના કચ્છી યુવાનનું લંડનમાં શુગરનું લેવલ ઘટી જવાથી થયું મૃત્યુ

21 October, 2024 09:29 AM IST  |  Mumbai | Rohit Parikh

નૈતિકનું અચાનક મૃત્યુ થવાને કારણે કાયદાકીય રીતે તેનું પોસ્ટમૉર્ટમ કરવાનું છે

નૈતિક અતુલ ગાલા

કાંદિવલી-વેસ્ટની ઈરાનીવાડીમાં રહેતા ૨૦ વર્ષના નૈતિક અતુલ ગાલાનો ડાયાબિટીઝ ઘટી જવાથી લંડનમાં ૧૭ ઑક્ટોબરે રાતે મૃત્યુ થયું હતું. નૈતિકના અચાનક અવસાનથી ગાલા પરિવાર, મુંબઈનો કચ્છી વીસા ઓસવાળ સ્થાનકવાસી સમાજ અને નૈતિકના મુંબઈના મિત્રો હચમચી ગયા છે. નૈતિક પાંચ ફિઝિયો થેરપીનો અભ્યાસ કરવા લંડન ગયો હતો. નૈતિકના પપ્પા અતુલ ગાલાએ ધ્રુસકે-ધ્રુસકે રડતાં નૈતિકના મૃત્યુ વિશે કહ્યું હતું કે ‘અમારો એકનો એક દીકરો તેના મિત્રો સાથે લંડનમાં રાતે જમવા ગયો હોત તો કદાચ તેનું શુગર લેવલ ઘટ્યું ન હોત અને અમે અમારા દીકરાને ગુમાવ્યો ન હોત. નૈતિક ટૂંક સમયમાં પુણેમાં ઇન્ટર્નશિપ કરવા આવવાનો હતો. ત્યારે તેને તેની મમ્મીના હાથનાં મિસળ-પાંઉ અને પાંઉભાજી ખાવાની બહુ જ ઇચ્છા હતી. તેણે કહ્યું હતું કે હું મમ્મીના હાથની રસોઈ મિસ કરું છું. અમે નૈતિકના મિત્રોને મિસળ-પાંઉ અને પાંઉભાજી ખવડાવીને તેની અંતિમ ઇચ્છા પૂરી કરીશું.’

કચ્છના સાડાઉ ગામના અતુલ ગાલા દાદરમાં છેલ્લાં ૨૫ વર્ષથી એક પ્રસિદ્ધ ફાર્મસીની દુકાન ચલાવે છે. તેમનાં પત્ની પ્રિના કિંગ્સ સર્કલમાં આવેલી કીકાબાઈ હૉસ્પિટલમાં હેડ નર્સ તરીકે ઘણાં વર્ષોથી સેવા આપી રહ્યાં છે. તેઓ મૂળ કેરળનાં છે અને હંમેશાં કચ્છી વીસા ઓસવાળ સમાજના અને સાડાઉ ગામના દરજીઓને માર્ગદર્શન આપીને પૂરો સાથસહકાર આપતાં હોય છે. આ દંપતીનો એકનો એક દીકરો નૈતિક મુંબઈમાં બોરીવલીની ડૉન બૉસ્કો સ્કૂલમાં નવમા ધોરણમાં ભણતો હતો ત્યારે તેને વારસાગત ડાયાબિટીઝ ડિટેક્ટ થયો હતો. એ દિવસથી નૈતિકે તેની લાઇફસ્ટાઇલમાં જબરદસ્ત પરિવર્તન કર્યું હતું. આ માહિતી આપતાં અતુલ ગાલાએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘ડાયાબિટીઝ કન્ટ્રોલમાં રહે એ માટે ફાર્મા સ્ટુડન્ટ હોવાથી પોતાની મેડિકલ સ્ટડી અને સમજણથી શું ખાવું, શું ન ખાવું, શું ખાવાથી કૅલરી બર્ન થાય, શું ખાવાથી પ્રોટીન મળે એ વિશેના પ્લાન બનાવીને તે હંમેશાં ડાયટિંગ અને કસરત કરતો હતો. તેણે રોટલી અને ભાત ખાવાનાં છોડી દીધાં હતાં. તે વધારે કઠોળ ખાતો હતો. કાબુલી ચણા અને મગ તેને સૌથી પ્રિય હતા. અમે બન્ને તો નોકરી પર જતાં હતાં. નૈતિક આખો દિવસ ઘરમાં એકલો જ રહેતો હતો. તે પોતાની જાતે પોતાના ડાયટ-પ્લાન પ્રમાણે રસોઈ બનાવીને જમી લેતો હતો. રમવાનું, જમવાનું અને ભણવાનું બધું જ તે અહીં અને વિદેશમાં સ્વયં મહેનત કરીને કરતો હતો.’

ત્યાર પછી તેણે ભણવા માટે લંડન જવાનો પ્લાન બનાવ્યો હતો એમ જણાવીને અતુલ ગાલાએ કહ્યું હતું કે ‘એની પણ સંપૂર્ણ તૈયારી તેણે પોતાની જાતે જ કરી હતી. મારી કે પ્રિનાની કોઈની તેણે હેલ્પ લીધી નહોતી. લંડનમાં જઈને નૈતિક તેની સાથે રહેતા અને તેની કૉલેજમાં ભણતા તેના ફ્રેન્ડ્સને દરેક રીતે સહાયરૂપ થતો હતો. તેની મમ્મી પાસેથી વારસામાં મળેલી અને હૉસ્પિટલમાં જઈને ત્યાંથી શીખેલી ટ્રીટમેન્ટથી તે તેના ફ્રેન્ડ્સને મદદરૂપ થતો હતો. લંડન જઈને પણ નૈતિક જૈનિઝમના સિદ્ધાંતોને કડકપણે અનુસરતો હતો. તે હોટેલમાં જવાને બદલે પોતાની હેલ્થને ધ્યાનમાં રાખીને ઘરમાં જ રસોઈ બનાવી લેતો હતો. પોતાની હાઇટ અને વેઇટની સરખામણીમાં તે ડાયટ-પ્લાન બનાવતો હતો. વિદેશમાં જઈને પણ આ ક્રમમાં તેણે કોઈ જ ફેરફાર કર્યો નહોતો. ધાર્મિક સંસ્કારોને લીધે તે નૉન-વેજ હોટેલમાં જતો નહોતો.’

મૃત્યુના દિવસે પણ આ જ કારણસર નૈતિક તેના મિત્રો સાથે હોટેલમાં જમવા ગયો નહોતો એમ જણાવતાં અતુલ ગાલાએ કહ્યું હતું કે ‘નૈતિકને નેવીમાં જવું હતું. તે સ્કૂલમાંથી જ એની તૈયારી કરતો હતો. તે પુણે જઈને સ્કાઉટના કૅમ્પ અટેન્ડ કરતો હતો. તેનું મૃત્યુ થયું એ દિવસે રાતે તેના મિત્રો હોટેલમાં જમવા જતા હતા, પરંતુ મિત્રોને ખરાબ ન લાગે એટલે તેણે કહ્યું હતું કે હું થાકી ગયો છું એટલે ઘરમાં જ રસોઈ બનાવીને જમીને સૂઈ જઈશ. તેના મિત્રો રાતના જમીને આવીને સૂઈ ગયા હતા. બીજા દિવસે સવારે નૈતિક તેના સમયે રૂમની બહાર ન આવ્યો એટલે તેના મિત્રો તેની રૂમમાં ગયા તો નૈતિકને બેડ પર પડેલો જોયો હતો. તરત જ તેના મિત્રો તેને હૉસ્પિટલમાં લઈ ગયા હતા જ્યાં ડૉક્ટરોએ તેને મૃત જાહેર કર્યો હતો.’

નૈતિકનું અચાનક મૃત્યુ થવાને કારણે કાયદાકીય રીતે તેનું પોસ્ટમૉર્ટમ કરવાનું છે એમ જણાવતાં અતુલ ગાલાએ કહ્યું હતું કે ‘ત્યાં પોસ્ટમૉર્ટમમાં લાઇન છે. અમારી અને નૈતિકના મુંબઈના મિત્રોની નૈતિકનો ચહેરો જોવાની બહુ જ ઇચ્છા છે. આથી અમે ત્યાં તેનું પોસ્ટમૉર્ટમ જલદી થઈ જાય અને તેની ડેડ-બૉડી મુંબઈ આવે એ માટે ભાગદોડ કરી રહ્યા છીએ. અમારા આ પ્રયાસોમાં કીકાબાઈ હૉસ્પિટલના ટ્રસ્ટીઓ તેમ જ મૅનેજમેન્ટનો ખૂબ જ સાથસહકાર છે.’

mumbai news mumbai kandivli kutchi community london gujarati community news gujaratis of mumbai