સૌથી પહેલો iPhone 18 Pro લેવા ૧૦ કલાક કરતાં વધુ ફીલ્ડિંગ ભરી આ યુવાને

19 September, 2026 11:30 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

વિકી કૌશલને પણ પહેલા જ દિવસે iPhone ખરીદવાનું ઘેલું

પહેલો iPhone 18 Pro ખરીદ્યા પછી ખુશી વ્યક્ત કરી રહેલો યુવાન અને ફોન ખરીદ્યા બાદ ત્યાં જ અનબૉક્સ કરી રહેલો ફિલ્મ-ઍક્ટર વિકી કૌશલ

સમગ્ર ભારતમાં ૧૮ સપ્ટેમ્બરે iPhone 18 Pro અને iPhone 18 Pro Maxનું વેચાણ સત્તાવાર રીતે શરૂ થયું હતું, જેને કારણે ઍપલના સ્ટોર્સ અને ઑફિશ્યલ રીટેલર્સ પાસે લોકોની ભારે ભીડ જોવા મળી હતી. જિયો વર્લ્ડ ડ્રાઇવના ઍપલ સ્ટોરના વિડિયોમાં સેંકડો ગ્રાહકો લાઇનમાં રાહ જોતા જોવા મળ્યા હતા. વેચાણ શરૂ થાય એ પહેલાં ઍપલના કર્મચારીઓએ ફાઇનલ કાઉન્ટડાઉન કર્યું હતું.

બાંદરા-કુર્લા કૉમ્પ્લેક્સ (BKC)માં જિયો વર્લ્ડ ડ્રાઇવમાં આવેલા ઍપલના સ્ટોરની બહાર લગભગ ૧૦ કલાકથી વધુ રાહ જોયા બાદ એક ઉત્સાહી ગ્રાહક નવી લૉન્ચ થયેલી iPhone 18 Pro સિરીઝના મોબાઇલ ફોનનો પ્રથમ ગ્રાહક બન્યો હતો.

સ્ટોર પરથી સૌપ્રથમ ફોન મેળવનાર આ ગ્રાહકે જણાવ્યું હતું કે ‘મારો મુખ્ય ઉદ્દેશ લેટેસ્ટ iPhone મેળવનારા પ્રથમ લોકોમાં સામેલ થવાનો હતો. મને પહેલો ફોન મળ્યો છે. હું ખરેખર ખૂબ જ ઉત્સાહિત છું. એના માટે હું અહીં લગભગ ૧૦ કલાક કરતાં વધારે સમયથી રાહ જોઈ રહ્યો હતો. આખરે પહેલો ફોન મારા હાથમાં છે.’

શું છે કિંમત?

iPhone 18 Proના 256GB વેરિઅન્ટની કિંમત ૧,૬૪,૯૦૦ રૂપિયાથી શરૂ થાય છે. 512GB મૉડલની કિંમત ૧,૮૯,૯૦૦ રૂપિયા છે, જ્યારે 1TB અને 2TB વર્ઝનની કિંમત અનુક્રમે ૨,૩૯,૯૦૦ રૂપિયા અને ૩,૧૪,૯૦૦ રૂપિયા છે. iPhone 18 Pro Maxના 256GB વેરિઅન્ટની કિંમત ૧,૭૯,૯૦૦ રૂપિયાથી શરૂ થાય છે. એના 512GB, 1TB અને 2TB વેરિઅન્ટની કિંમત અનુક્રમે ૨,૦૪,૯૦૦ રૂપિયા, ૨,૫૪,૯૦૦ રૂપિયા અને ૩,૨૯,૯૦૦ રૂપિયા છે.

વિકી કૌશલને પણ પહેલા જ દિવસે iPhone ખરીદવાનું ઘેલું

અભિનેતા વિકી કૌશલ પણ BKCના ઍપલ સ્ટોરની મુલાકાત લેનારા શરૂઆતના લોકોમાં સામેલ હતો. તેણે નવી iPhone 18 Pro સિરીઝનો મોબાઇલ ખરીદ્યો હતો અને સ્ટોરમાં જ એનું અનબૉક્સિંગ કર્યું હતું. નવો ફોન ખોલ્યા બાદ અભિનેતા સેલ્ફી લેતો જોવા મળ્યો હતો.

iphone apple bandra kurla complex india vicky kaushal mumbai mumbai news