16 February, 2024 06:39 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
અભિષેક ઘોસાળકર અને મૉરિસ
શિવસેનાના નેતા અને ભૂતપૂર્વ નગરસેવક અભિષેક ઘોસાળકરની દહિસર-વેસ્ટની આઇ. સી. કૉલોનીમાં આઠમી ફેબ્રુઆરીએ થયેલી હત્યાના કેસની તપાસ કરી રહેલી ક્રાઇમ બ્રાન્ચે કહ્યું છે કે આ ઘટના બની ત્યારે ત્યાં હાજર મૉરિસના પીએ મેહુલ પારેખ અને રોહિત સાહુની આ હત્યાકાંડમાં કોઈ સંડોવણી છે કે નહીં એ બાબતે અમે હવે તપાસ કરી રહ્યા છીએ.
અભિષેક ઘોસાળકરની હત્યાના કેસમાં હત્યારા મૉરિસે આત્મહત્યા કરી લીધી હતી. લોકલ એમએચબી પોલીસે પ્રાથમિક તપાસ કરી હતી. એ વખતે મૉરિસની ઑફિસમાં લગાડાયેલા સીસીટીવી કૅમેરાનાં ફુટેજમાં મૉરિસનો પીએ મેહુલ પારેખ અને રોહિત સાહુ બંને ઑફિસની બહાર હાજર હોવાનું ઝિલાઈ ગયું હતું. એથી પોલીસે તેમને તાબામાં લઈને પૂછપરછ કરી હતી. જોકે હવે ક્રાઇમ બ્રાન્ચને કેસની તપાસ સોંપવામાં આવી છે ત્યારે ક્રાઇમ બ્રાન્ચ તે બંનેની એ હત્યાકેસમાં કે એનું કાવતરું ઘડવામાં કોઈ ભૂમિકા હતી કે નહીં એની તપાસ ચલાવી રહી છે. આ કેસમાં મૉરિસે તેના બૉડીગાર્ડ અમરેન્દ્ર મિશ્રાની ગનથી અભિષેકના હત્યા કરી હતી એટલે અમરેન્દ્રની ધરપકડ કરાઈ છે. તેણે પોલીસ તપાસમાં એમ પણ કબૂલ્યું છે કે મૉરિસે ગન ચલાવવાનું શીખવવાનું કહેતાં તેણે તેને ગન ચલાવતાં શીખવ્યું હતું. જોકે તે અભિષેકની હત્યા કરવાનો ઇરાદો ધરાવે છે એ બાબતથી તે અજાણ હતો. ક્રાઇમ બ્રાન્ચ સાથે જ કેસની તપાસ કરી રહેલી સાઇબર પોલીસની ટીમને મૉરિસની બ્રાઉઝિંગ ડીટેલ પરથી એવું પણ જણાઈ આવ્યું હતું કે ગન કઈ રીતે ચલાવવી એના ટ્યુટોરિયલ્સ મૉરિસે યુટ્યુબ પર જોયા હતા.
ક્રાઇમ બ્રાન્ચે આ કેસમાં અત્યાર સુધીમાં પચાસ લોકોનાં સ્ટેટમેન્ટ નોંધ્યાં છે. ક્રાઇમ બ્રાન્ચની તપાસમાં એ પણ જણાઈ આવ્યું છે કે એમએચબી પોલીસ સ્ટેશનમાં મૉરિસ સામે બળાત્કારનો ગુનો નોંધાયો હોવાની જાણ અભિષેકે યુએસ એમ્બેસીને કરતાં મૉરિસને અમેરિકાના વિઝા મળ્યા નહોતા અને એટલે તે અભિષેક સામે ગુસ્સે ભરાયો હતો.
બળાત્કારના કેસની ફરિયાદ નોંધાયા બાદ મૉરિસ અમેરિકાથી પાછો ફર્યો હતો ત્યારે ઍરપોર્ટ પરથી જ તેની ધરપકડ કરાઈ હતી અને એ કેસમાં તે પાંચ મહિના સુધી જેલમાં રહ્યો હતો અને પછી જામીન પર બહાર આવ્યો હતો. તેણે ફરી અમેરિકા જવાનો પ્રયાસ કર્યો હતો, પણ અભિષેક ઘોસાળકરે યુએસ એમ્બેસીને તેના પરના કેસની જાણ કરી દેતાં તેના વિઝા નકારવામાં આવ્યા હતા.
મૉરિસની ઇચ્છા હતી કે તે એ વિસ્તારમાંથી નગરસેવક તરીકે ચૂંટાઈ આવે. જોકે એમાં તેની સામે સૌથી મોટી આડખીલી અભિષેક ઘોસાળકર હતો. અભિષેકની પત્ની તેજસ્વિની ઘોસાળકર એ વિસ્તારની નગરસેવિકા હતી.