અટલ સેતુ પરથી વધુ એક જણે લગાવી મોતની છલાંગ

26 July, 2024 08:24 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

દાદરનાં ગુજરાતી ડૉક્ટર બાદ ડોમ્બિવલીના ઇલેક્ટ્રૉનિક એન્જિનિયરે પડતું મૂક્યું

વાયરલ વીડિયોમાંથી સ્ક્રીન શૉટ

મુંબઈ અને નવી મુંબઈને જોડતા અટલ સેતુ પરથી સમુદ્રમાં ઝંપલાવીને દાદરનાં ગુજરાતી ડૉક્ટર કિંજલ શાહે આત્મહત્યા કરી હતી. તેનો મૃતદેહ હજી નથી મળ્યો ત્યાં ડોમ્બિવલીમાં રહેતા ૩૮ વર્ષના એન્જિનિયર કે. શ્રીનિવાસે બુધવારે આવી જ રીતે કૂદકો માર્યો હોવાનું જાણવા મળ્યું હતું. ક્લોઝ્ડ સ​ર્કિટ ટે​લવિઝન (CCTV) કૅમેરાનાં ફુટેજમાં કે. શ્રીનિવાસ કુરુકુટ્ટીએ એક તરફ કાર પાર્ક કરીને બાદમાં સમુદ્રમાં ઝંપલાવ્યું હોવાનું જણાઈ આવ્યું હતું. ન્હાવાશેવા પોલીસે કે. શ્રીનિવાસની આકસ્મિક મૃત્યુની ફરિયાદ નોંધીને તપાસ શરૂ કરી છે. ઘટનાસ્થળેથી મળી આવેલા ડૉક્યુમેન્ટ્સ પરથી શ્રીનિવાસ ડોમ્બિવલીમાં રહેતો હોવાનું અને તેણે મંગળવારે રાત્રે પત્ની અને ચાર વર્ષની પુત્રી સાથે વાત કરી હોવાનું જણાઈ આવ્યું હતું. માથે દેવું થઈ ગયું હોવાથી શ્રીનિવાસે આ પગલું ભર્યું હોવાનું જણાયું હતું. ઇલેક્ટ્રૉનિક એન્જિનિયર શ્રીનિવાસ ગયા વર્ષે ઑક્ટોબર મહિનામાં કુવૈતની જૉબ છોડીને ભારત આવ્યો હતો. તેણે ગયા વર્ષે પણ ઘરમાં ફિનાઇલ પીને આત્મહત્યા કરવાનો પ્રયાસ કર્યો હોવાનું પોલીસની પ્રાથમિક તપાસમાં જણાઈ આવ્યું છે. ભારત આવ્યા બાદ શ્રીનિવાસે પોતાનો વ્યવસાય પણ શરૂ કર્યો હતો.

CCTV ફુટેજમાં જણાઈ આવ્યું છે કે શ્રીનિવાસ બુધવારે બપોરના ૧૨.૩૦ વાગ્યે કારમાં અટલ સેતુ પર પહોંચ્યો હતો. સેતુ પર આવ્યા બાદ તેણે કાર રસ્તાની એક બાજુએ પાર્ક કરી હતી અને બાદમાં ​બ્રિજ પરથી કૂદકો માર્યો હતો. આ ઘટનાની જાણ થયા પછી પોલીસે માછીમારની ચાર બોટ અને કોસ્ટલ સિક્યૉરિટી ગાર્ડની મદદથી મૃતદેહ શોધવાના પ્રયાસ શરૂ કર્યા હતા. જોકે વરસાદને લીધે તોફાની બનેલા સમુદ્ર અને ખરાબ હવામાનને લીધે મુશ્કેલી ઊભી થઈ હતી. ૨૦ માર્ચે દાદરનાં ગુજરાતી ડૉક્ટર કિંજલ શાહે આવી જ રીતે અટલ સેતુ પરથી ઝંપલાવીને આત્મહત્યા કરી હતી. ચાર મહિના બાદ પણ તેનો મૃતદેહ નથી મળ્યો.

mumbai news mumbai atal setu gujaratis of mumbai gujarati community news dombivli suicide