14 November, 2024 09:06 AM IST | Mumbai | Lalit Gala
આકાશ જયેશ નાગડા
૨૦ વર્ષના ડોમ્બિવલીના આયુષ દોશીનું લોકલ ટ્રેનની ભીડને કારણે થયેલા મૃત્યુને હજી એક મહિનો પણ થયો નથી ત્યાં આ ભીડે ફરી પાછો એક ડોમ્બિવલીવાસીનો જીવ લીધો છે. મૂળ કચ્છના નલિયા ગામના અને કચ્છી દશા ઓસવાળ સમાજના ૨૬ વર્ષના આકાશ જયેશ નાગડાનું ગઈ કાલે મુમ્બ્રા પાસે ફાસ્ટ ટ્રેનમાંથી પડી જવાના કારણે મૃત્યુ થયું હતું. આ બનાવને કારણે સમગ્ર કચ્છી સમાજમાં અરેરાટી વ્યાપી ગઈ છે.
આકાશ આર્કિટેક્ટ હતો અને ફોર્ટમાં આવેલી જાણીતા આર્કિટેક્ટ હફીઝ કૉન્ટ્રૅક્ટરની ઑફિસમાં કામ કરતો હતો. આકાશ મૂળ ખામગાંવનો છે, પણ જૉબના કારણે તે છેલ્લા છ મહિનાથી ડોમ્બિવલી-ઈસ્ટમાં રાજાજી રોડ પર આવેલા તેના માસીના ઘરે રહેતો હતો. આકાશનાં માતા-પિતા ખામગાંવ રહે છે, જ્યારે તેનો નાનો ભાઈ મુંબઈમાં ભણી રહ્યો છે. ગઈ કાલે થયેલા બનાવ વિશે માહિતી આપતાં તેના કઝિન હિતેશ પોલડિયાએ ‘મિડ-ડે’ને જણાવ્યું હતું કે ‘દરરોજની જેમ ગઈ કાલે પણ આકાશ પોતાના રોજના સમયે સવારે પોણાનવ વાગ્યે ઓફિસ જવા રેડી થઈને નીકળ્યો હતો. તે દરરોજ સવારે છત્રપતિ શિવાજી મહારાજ ટર્મિનસ (CSMT) જવા માટે ૮.૫૯ની એસી ફાસ્ટ લોકલ પકડીને કામે જતો હતો, પરંતુ ગઈ કાલે તેણે કોઈ કારણસર નૉન-એસી લોકલ પકડી હતી ત્યારે આ બનાવ બન્યો હતો. ઘટનાની જાણ થયા બાદ અંદાજે સવારે સાડાદસ વાગ્યે આકાશના ઑફિસ આઇ કાર્ડ પરથી મુમ્બ્રા રેલવે પોલીસે આકાશની ઑફિસમાં સંપર્ક કર્યો હતો અને ત્યાંથી મારા પપ્પાને આ બનાવની માહિતી આપવામાં આવી હતી. તેઓ હાલમાં કચ્છમાં હોવાથી મને તરત આ ઘટના જણાવી હતી અને અમે તરત થાણે સિવિલ હૉસ્પિટલમાં ગયા હતા. અહીં આકાશનું પોસ્ટમૉર્ટમ કરવામાં આવ્યું હતું. અહીંના ડૉક્ટર પાસેથી અમને જાણ થઈ હતી કે ટ્રેનમાંથી પડી જતાં માથામાં ભારે ઈજા થવાથી આકાશનું મૃત્યુ થયું હતું. લોકલ ટ્રેનની ભીડથી કંટાળીને આકાશે ભાતબજારમાં જ રેન્ટ પર ઘર લઈને રહેવાનું નક્કી કર્યું હતું જેથી લોકલ ટ્રેનનો પ્રવાસ ટાળી શકાય અને આ મહિને જ તે શિફ્ટ પણ થવાનો હતો. કદાચ ભગવાનને બીજું જ કંઈ મંજૂર હતું.’
આકાશ પોતાના કરીઅરને લઈને ખૂબ જ મહત્ત્વાકાંક્ષી હતો. હિતેશ પોલડિયાએ વધુ માહિતી આપતાં જણાવ્યું હતું કે ‘આકાશની ઇચ્છા ઑસ્ટ્રેલિયા જઈને આર્કિટેક્ચરમાં માસ્ટર્સ કરવાની હતી. તેનું આ સપનું અધૂરું રહી ગયું. ડોમ્બિવલીથી સવારે CSMT જતી લોકલ ટ્રેન પકડવી એ એક યુદ્ધ લડવા માટે જવા જેવું છે. લોકલ ટ્રેનની ભીડ ઓછી કરવા માટે સરકારે જો યોગ્ય પગલાં લીધાં હોત તો કદાચ આજે આકાશ અને એના જેવા અનેક લોકોના જીવ બચાવી શક્યા હોત. જો દરેક ટ્રેનને એસી ટ્રેનની જેવી બનાવવામાં આવે તો પણ ટ્રેનમાંથી પડીને થતા મૃત્યુને રોકી શકાય છે.’
મુમ્બ્રા રેલવે-પોલીસના અસિસ્ટન્ટ સબઇન્સ્પેક્ટર આશા ગાયકવાડે ‘મિડ-ડે’ને જણાવ્યું હતું કે ‘સવારે અંદાજે પોણાદસ વાગ્યે અમને ઘટનાની માહિતી મળી હતી. ભારે ઈજા થવાના કારણે આકાશનું ઘટનાસ્થળ પર જ મૃત્યુ થયું હતું. અમે ઍક્સિડેન્ટલ ડેથનો કેસ નોંધીને વધુ તપાસ હાથ ધરી છે.’