લોકલ ટ્રેનની અમાનવીય ભીડે હવે ૨૦ વર્ષના ગુજરાતી વિદ્યાર્થીનો જીવ લીધો

16 October, 2024 06:57 AM IST  |  Mumbai | Mehul Jethva

મુલુંડ જઈ રહેલા આયુષ દોશીને ડબ્બામાં અંદર જવા માટે નહોતું મળ્યું, પરિણામે ટ્રેનની સ્પીડ વધી ત્યારે તેનું બૅલૅન્સ ગયું અને તે નીચે પડ્યો

આયુષ જતીન દોશી

ડોમ્બિવલીના રહેવાસીઓના માથેથી ઘાત ટળતી જ નથી

ડોમ્બિવલી-વેસ્ટના ઠાકુરવાડી વિસ્તારમાં મધુ કુંજ સોસાયટીમાં રહેતા ૨૦ વર્ષના આયુષ જતીન દોશીનું ગઈ કાલે સવારે ડોમ્બિવલી-કોપર રેલવે-સ્ટેશન વચ્ચે ફાસ્ટ ટ્રેનમાંથી પડી જતાં મૃત્યુ થયું હતું. ડોમ્બિવલી રેલવે-પોલીસે ઘટનાની પ્રાથમિક માહિતીના આધારે ઍક્સિડન્ટેલ ડેથનો કેસ નોંધીને વધુ તપાસ હાથ ધરી છે.

આયુષ મુલુંડ-ઈસ્ટની ઇન્ડસ્ટ્રિયલ ટ્રેઇનિંગ ઇન્સ્ટિટ્યૂટ (ITI)માં એન્જિનિયરિંગનો અભ્યાસ કરતો હતો અને એ માટે તેણે સવારે ડોમ્બિવલીથી ફાસ્ટ ટ્રેન પકડી હતી એમ જણાવતાં આયુષના મામા કૃષ્ણ દોશીએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘આયુષ ગઈ કાલે સવારે સવાઆઠ વાગ્યે મુલુંડ જવા માટે ઘરેથી નીકળ્યો હતો. એ પછી સવારે ૧૧ વાગ્યે અમને પોલીસે આયુષનો ઍક્સિડન્ટ થયો હોવાની માહિતી મળી હતી. અમે તાત્કાલિક શાસ્ત્રીનગર હૉસ્પિટલ પહોંચ્યા હતા. ત્યાં ડ્યુટી પર હાજર ડૉક્ટરે માથા અને શરીર પર વધુ પડતો માર વાગતાં આયુષનું મૃત્યુ થયું હોવાનું જણાવ્યું હતું. ભયંકર ભીડને લીધે આયુષ ટ્રેનમાંથી પડીને મૃત્યુ પામ્યો હોવાની અમને માહિતી મળી છે.’

ડોમ્બિવલી રેલવે પોલીસ સ્ટેશનના સિનિયર ઇન્સ્પેક્ટર કિરણ ઉંદરેએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘ઘટનાની જાણ અમને પ્રવાસીઓએ કરી હતી. એ પછી અમારી ટીમ ઘટનાસ્થળે પહોંચી ત્યારે આયુષના માથા અને શરીરમાંથી ઘણું લોહી વહી ગયું હતું. અમે તેને તાત્કાલિક હૉસ્પિટલ પહોંચાડ્યો હતો, પણ તેને શરીર અને માથામાં ગંભીર ઈજા થઈ હોવાથી ડૉક્ટરે તેને મૃત્યુ પામેલો જાહેર કર્યો હતો.’

વધુ માહિતી આપતાં પોલીસે કહ્યું હતું કે ‘જોશભેર પટકાવાને કારણે આયુષનો ફોન તૂટી ગયો હતો એટલે અમારા અધિકારીઓએ તેના ફોનનું સિમ-કાર્ડ કાઢી બીજા ફોનમાં નાખીને તેના પિતા સાથે વાત કરી હતી. આ કેસમાં અકસ્માત જોનાર લોકોએ જણાવ્યું હતું કે ટ્રેનમાં ભારે ભીડ હોવાને કારણે આયુષ ગેટ પરથી અંદર નહોતો જઈ શક્યો અને એ દરમ્યાન ટ્રેનની સ્પીડ વધી ત્યારે તેનું બૅલૅન્સ ગયું અને તે ટ્રેનમાંથી નીચે પટકાયો હતો.’

mumbai news mumbai mumbai local train dombivli gujaratis of mumbai gujarati community news