થીજી ગયેલી ઝંસ્કાર નદી પર ચાદર ટ્રેક કરનારી યંગેસ્ટ પાર્ટિસિપન્ટ બની આ ગુજરાતી ગર્લ

10 March, 2025 06:56 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

લદ્દાખની માઇનસ ૩૫ ડિગ્રી ઠંડીમાં ૧૦ વર્ષની રૂહી રાઠોડ ૬૫ કિલોમીટરનું પાંચ દિવસનું અતિશય આકરું ટ્રેકિંગ કરી આવી

પાંચ દિવસનો ટ્રેક પૂરો કર્યા બાદ પપ્પા સાથે ભારતનો તિરંગો ફરકાવી સેલિબ્રેટ કરતી રૂહી.

ઇચ્છાશક્તિ હોય તો અશક્ય લાગે એવાં કાર્ય પણ થઈ શકે એવું નાલાસોપારાની માત્ર ૧૦ વર્ષની રૂહી નવનીત રાઠોડે પુરવાર કર્યું છે. લદ્દાખની થીજીને બરફ બની ગયેલી ઝંસ્કાર નદી પર તેણે પપ્પા નવનીત રાઠોડ સાથેનો ૬૫ કિલોમીટરનો ચાદર ટ્રેક સફળતાપૂર્વક પૂરો કર્યો છે જેની નોંધ વર્લ્ડ રેકૉર્ડ્સ ઇન્ડિયાએ લીધી છે અને તેને ચાદર ટ્રેક કરનાર યંગેસ્ટ પાર્ટિસિપન્ટનું સર્ટિફિકેટ પણ આપ્યું છે.

થીજી ગયેલી ઝંસ્કાર નદી પર પપ્પા નવનીત રાઠોડ સાથે ટ્રેક કરી રહેલી રૂહી.  

નાલાસોપારામાં રહેતા મૂળ બોટાદના વણકર જ્ઞાતિના નવનીત રાઠોડ બૃહન્મુંબઈ મ્યુનિસિપલ કૉર્પોરેશન (BMC)માં જૉબ કરે છે અને મહારાષ્ટ્ર સહિત દેશનાં અલગ-અલગ રાજ્યોમાં ટ્રેકિંગ કરતા રહે છે. ઘણી વાર સાથે દીકરી રૂહીને પણ લઈ જાય છે. ૨૦૨૦માં તેમણે એકલાએ લેહ-લદ્દાખનો ચાદર ટ્રેક કર્યો હતો, જ્યારે આ વર્ષે રૂહીએ પણ એ માટે રસ બતાવતાં તેને સામેલ કરવા કેવી તૈયારીઓ કરવી પડી અને એ ટ્રેક કઈ રીતે પૂરો કર્યો એ વિશે નવનીત રાઠોડે ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘અહીં મુંબઈની આસપાસના પહાડો કે મહારાષ્ટ્રના સહ્યાદ્રિ માઉન્ટેનમાં ટ્રેકિંગ કરવું અલગ વાત છે અને લેહ-લદ્દાખમાં માઇનસ ૩૦થી ૩૫ ડિગ્રીની ઠંડીમાં ટ્રેકિંગ કરવું બન્ને બહુ જ અલગ બાબત છે. આ ટ્રેક જિયોગ્રાફિક ટૂર્સ દ્વારા આયોજિત કરવામાં આવ્યો હતો. અમારા ગ્રુપમાં ૯ જણ  હતા. ૨૮ જાન્યુઆરીથી શરૂ કરેલો ટ્રેક બીજી ફેબ્રુઆરીએ પાંચ દિવસમાં પૂરો કર્યો હતો. આ પાંચ દિવસમાં ઝારથી તોસ્મો પાલદાર અને ત્યાંથી રિટર્ન એ જ રૂટ પર અમે આ અભિયાન પૂરું કર્યું હતું. અમે ટ્રેક શરૂ થાય એ પહેલાં પાંચ દિવસ અગાઉ એ વાતાવરણને અનુકૂળ થવા પહોંચી ગયા હતા. ત્યાં જે પ્રકારની ઠંડી હતી એ જોઈને રૂહીને થોડો ડર પણ લાગ્યો કે તે ટ્રેકિંગ કરી શકશે કે કેમ? જોકે એક વાર ટ્રેકિંગ ચાલુ થયા પછી તેને વાંધો ન આવ્યો, કારણ કે ટ્રેકિંગ કરતી વખતે ચાલતા રહેવાનું હોવાથી સતત બૉડી-મૂવમેન્ટ રહેતી અને એથી તે ઍક્ટિવ રહેતી એટલે વાંધો ન આવ્યો. સાંજના સમયે જ્યારે ઠંડી વધવા માંડે ત્યારે અમે ટેન્ટમાં વહેલા જ ઘૂસી જતા અને પૂરતો આરામ કરી લેતા જેથી બૉડીને પૂરતો રેસ્ટ મળી રહે. અમારું ૯ જણનું ગ્રુપ હતું. રૂહી સહિત અમે બધાએ એ ટ્રેક સફળતાપૂર્વક પૂરો કર્યો હતો.’

વર્લ્ડ રેકૉર્ડ્સ ઇન્ડિયા દ્વારા ચાદર ટ્રેક પૂરો કરનાર યંગેસ્ટ પાર્ટિસિપન્ટનું રૂહીને એનાયત કરવામાં આવેલું સર્ટિફિકેટ.

ચાદર ટ્રેક પૂરો કરનાર યંગેસ્ટ પાર્ટિસિપેન્ટ રૂહી બની ત્યારે એની ઉંમર ૧૦ વર્ષ અને એક મહિનો હતી. તેની જન્મતારીખ ૧૮-૧૨-૨૦૧૪ છે, જ્યારે આ પહેલાંનો રેકૉર્ડ ૧૧ વર્ષ ૯ મહિનાનો હતો એમ જણાવતાં નવનીત રાઠોડે કહ્યું હતું કે ‘ચાદર ટ્રેક કરવાના કારણે રૂહીમાં જબરદસ્ત આત્મવિશ્વાસ ડેવલપ થયો છે. ભવિષ્યમાં આવા એક્સપિડિશન કરવા તે માન​સિક રીતે પ્રિપેર થઈ ગઈ છે અને કૉન્ફિડન્સ વધ્યો છે.’

 મારી બહેનપણીઓને તો કંઈ ખબર જ પડતી નથી
આટલો અઘરો ટ્રેક કરીને આવેલી રૂહીએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘પહેલાં પપ્પા સાથે મુંબઈ અને આસપાસ ટ્રેકિંગ કરતી હતી, પણ બરફવાળો ટ્રેક પહેલી વાર કર્યો. હવે આગળ પણ કરતી રહીશ.’  તેની ફ્રેન્ડ્સનું આ સિદ્ધિ બદલ શું કહેવું છે એમ જ્યારે તેને પૂછ્યું ત્યારે બાળસહજ નિર્દોષતા સાથે રૂહીએ કહી દીધું હતું કે ઉનકો તો કુછ સમઝતા હી નહીં હૈ. 

nalasopara gujaratis of mumbai gujarati community news guinness book of world records Trekking ladakh brihanmumbai municipal corporation news mumbai mumbai news