15 October, 2024 01:55 PM IST | Chicago | Gujarati Mid-day Correspondent
પ્રતીકાત્મક તસવીર
શિકાગોની સ્કૂલ ઑફ પબ્લિક હેલ્થના એક પ્રોફેસરે ભવિષ્ય ભાખ્યું છે કે અત્યારનાં બાળકો ૮૫ વર્ષથી વધુ નહીં જીવે અને માત્ર પાંચેક ટકા લોકો જ ૧૦૦મી વર્ષગાંઠ મનાવી શકશે. પ્રોફેસરે છેક ૧૯૯૦માં આ વાત કરી હતી. ત્યારે તેમણે કહ્યું હતું કે સંભવિત આયુષ્યમાં મંદ ગતિએ વધારો થશે અને તબીબી હસ્તક્ષેપ પણ એમાં બહુ ધારી અસર નહીં કરી શકે. ૧૯૯૦માં કહેલી વાતને તેમણે ૩૪ વર્ષ પછી સાચી પુરવાર કરી છે. એ માટે તેમણે ઑસ્ટ્રેલિયા, ફ્રાન્સ, હૉન્ગકૉન્ગ, ઇટલી, જપાન, સાઉથ કોરિયા, સ્પેન, સ્વીડન, સ્વિટ્ઝરલૅન્ડ અને અમેરિકાના લોકોના જીવનકાળના ડેટા પરથી વિશ્લેષણ કર્યું હતું. એ વિશ્લેષણ હમણાં જ નેચર એજિંગ નામના મૅગેઝિનમાં છપાયું છે. એ અભ્યાસ પ્રમાણે આ દેશોમાં ૨૦૧૯માં જન્મેલી છોકરીઓ ૧૦૦ વર્ષ સુધી જીવી શકે એની સંભાવના માત્ર ૫.૧ ટકા છે અને છોકરાઓમાં આ ટકાવારી ૧.૮ ટકા છે. પોતે કહેલી વાત સાચી ઠેરવવા માટે પ્રોફેસરે ૩૦ વર્ષ રાહ જોઈ હતી. જો ૧૦૦ વર્ષ સુધી જીવવું હોય તો જૈવિક પ્રક્રિયા ધીમી કરવાનો એકમાત્ર વિકલ્પ છે. ખોટી જીવનશૈલી અને ખાણીપીણીને કારણે શરીર રોગનું ઘર બની જાય છે.