28 October, 2024 09:43 AM IST | Vadodara | Gujarati Mid-day Online Correspondent
તસવીર સૌજન્ય : એક્સ
સ્પેન (Spain)ના રાષ્ટ્રપતિ પેડ્રો સાંચેઝ (Pedro Sanchez) રવિવારે રાત્રે ગુજરાત (Gujarat)ના વડોદરા (Vadodara) પહોંચ્યા હતા. તેમનું વિમાન વડોદરા એરપોર્ટ પર લગભગ ૧.૩૦ વાગ્યે ઉતર્યું હતું. સ્પેનના રાષ્ટ્રપતિ પેડ્રો પ્રથમ વખત ભારતની સત્તાવાર મુલાકાતે (Spanish PM in India) આવ્યા છે. સ્પેન પરત ફરતા પહેલા તેઓ મંગળવારે દેશની આર્થિક રાજધાની મુંબઈ (Mumbai)ની પણ મુલાકાત લેશે.
વડા પ્રધાન નરેન્દ્ર મોદી (Narendra Modi) અને સ્પેનના રાષ્ટ્રપતિ પેડ્રો સાંચેઝ સોમવારે સવારે વડોદરામાં સંયુક્ત રીતે ટાટા એડવાન્સ સિસ્ટમ્સ લિમિટેડ (Tata Advanced Systems Limited - TASL)નું ઉદ્ઘાટન કરશે. સાંચેઝ પીએમ મોદી સાથે એરપોર્ટથી ટાટા પ્લાન્ટ સુધી લગભગ ૨.૫ કિલોમીટરનો રોડ શો પણ કરશે. આ દરમિયાન સાંસ્કૃતિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવશે.
બન્ને નેતાઓ વડોદરાના ઐતિહાસિક લક્ષ્મી વિલાસ પેલેસની પણ મુલાકાત લેશે. અહીં તેઓ વિદેશ મંત્રાલય (MEA) દ્વારા આયોજિત દ્વિપક્ષીય બેઠકમાં ભાગ લેશે. અધિકારીઓના જણાવ્યા અનુસાર મહેલમાં જ જમવાની વ્યવસ્થા કરવામાં આવી છે. સ્પેનના રાષ્ટ્રપતિના સ્વાગત માટે વડોદરાને દુલ્હનની જેમ શણગારવામાં આવ્યું છે. સ્વાગતની તમામ તૈયારીઓ પૂર્ણ કરી લેવામાં આવી છે. એરપોર્ટથી ટાટા પ્લાન્ટ સુધીના રોડની બંને બાજુ સજાવટ કરવામાં આવી છે. પાથ પર એરક્રાફ્ટ C 295નો આકાર પણ કોતરવામાં આવ્યો છે. પીએમ મોદી અને સ્પેનના રાષ્ટ્રપતિનું સાંસ્કૃતિક કાર્યક્રમો સાથે સ્વાગત કરવામાં આવશે. તમને જણાવી દઈએ કે C-295 એરક્રાફ્ટ એક મિલિટરી એરક્રાફ્ટ છે.
સ્પેનના રાષ્ટ્રપતિને તેમની ભારત મુલાકાત પર અભિનંદન આપતા વિદેશ મંત્રાલયે સોશ્યલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર શૅર કરેલી પોસ્ટમાં લખ્યું, `ભારતમાં આપનું સ્વાગત છે`.
વિદેશ મંત્રાલયે જણાવ્યું હતું કે, ‘સ્પેન સરકારના પ્રમુખ પેડ્રો સાંચેઝ વડોદરા પહોંચ્યા છે, જે ૧૮ વર્ષમાં સ્પેનના રાષ્ટ્રપતિની ભારતની પ્રથમ મુલાકાત છે. ભારત-સ્પેનના સંબંધોને નવી ઊંચાઈએ લઈ જવા માટે આ સત્તાવાર મુલાકાત મહત્વપૂર્ણ છે. વડોદરા ઇન્ટરનેશનલ એરપોર્ટ પર વિદેશ સચિવ વિક્રમ મિસરીએ રાષ્ટ્રપતિ સાંચેઝનું સ્વાગત કર્યું હતું. તેમની મુલાકાત દરમિયાન, સ્પેનિશ રાષ્ટ્રપતિ સાંચેઝ, વડા પ્રધાન મોદી સાથે, વડોદરામાં C295 એરક્રાફ્ટના ફાઇનલ એસેમ્બલી લાઇન પ્લાન્ટનું ઉદ્ઘાટન કરશે, જે ઉડ્ડયન ક્ષેત્રમાં `મેક ઇન ઇન્ડિયા` ઝુંબેશ હેઠળની એક મોટી પહેલ છે. આ પ્લાન્ટની સ્થાપના ટાટા એડવાન્સ સિસ્ટમ્સ દ્વારા એરબસ સ્પેનના સહયોગથી કરવામાં આવી છે.’
નોંધનીય છે કે, રાષ્ટ્રપતિ સાંચેઝની આ પ્રથમ ભારત મુલાકાત છે, જે ૧૮ વર્ષ બાદ થઈ રહી છે. પ્રમુખ સાંચેઝ મુંબઈની પણ મુલાકાત લેશે, જ્યાં સત્તાવાર વ્યસ્તતાઓ સિવાય તેઓ બિઝનેસ અને ઉદ્યોગના નેતાઓ, થિંક ટેન્ક અને ફિલ્મ ઉદ્યોગના લોકો સાથે વાર્તાલાપ કરશે. તેઓ સ્પેન-ઈન્ડિયા કાઉન્સિલ ફાઉન્ડેશન (Spain-India Council Foundation) અને ઓબ્ઝર્વર રિસર્ચ ફાઉન્ડેશન (Observer Research Foundation) દ્વારા આયોજિત ચોથા સ્પેન ઈન્ડિયા ફોરમ (4th Spain India Forum)ને સંબોધિત કરશે. સ્પેનિશ રાષ્ટ્રપતિ મુખ્ય ફિલ્મ સ્ટુડિયોની પણ મુલાકાત લેશે, જ્યાં તેઓ ભારતીય અને સ્પેનિશ મીડિયા અને મનોરંજન ઉદ્યોગો વચ્ચે સહકારને પ્રોત્સાહન આપવા માટે ભારતીય ફિલ્મ ઉદ્યોગની અગ્રણી હસ્તીઓ સાથે વાર્તાલાપ કરશે.
પેડ્રો સાંચેઝની ભારત મુલાકાત દરમિયાન બંને દેશો વચ્ચે અનેક કરારો પર હસ્તાક્ષર થવાની અપેક્ષા છે. વિદેશ મંત્રાલયે કહ્યું કે, રાષ્ટ્રપતિ સાંચેઝની મુલાકાત આપણા દ્વિપક્ષીય સંબંધોની સમીક્ષા કરવા અને વેપાર અને રોકાણ, આઈટી, ઈનોવેશન, ઈન્ફ્રાસ્ટ્રક્ચર, રિન્યુએબલ એનર્જી, ડિફેન્સ અને સિક્યુરિટી, ફાર્મા, એગ્રી-ટેક અને બાયોટેકનોલોજી, સંસ્કૃતિ સહિતના વિવિધ ક્ષેત્રોમાં સહયોગ વધારવા માટે હશે. અને પર્યટનમાં ભાગીદારીને ગાઢ બનાવવાની તક મળશે.
વિદેશ મંત્રાલય દ્વારા શેર કરવામાં આવેલા શેડ્યૂલ મુજબ, સાંચેઝ બુધવારે લગભગ ૧૨.૩૦ વાગ્યે સ્પેન જવા રવાના થશે.