23 November, 2026 07:43 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
રાજેન્દ્ર શુક્લ
ઋષિકવિ રાજેન્દ્ર શુક્લનું ગઈ કાલે બાવીસ નવેમ્બરે સવારે ૮૪ વર્ષની વયે અમદાવાદમાં અવસાન થયું. થોડા દિવસથી હૃદયની સમસ્યા માટે અમદાવાદની હૉસ્પિટલમાં તેમની સારવાર ચાલી રહી હતી. આ સારવાર દરમ્યાન જ તેમણે જિંદગીની ગઝલને સમેટી લીધી...
સ્થાનનો ફરક અમથો, મૂળમાં તો અજવાળું
તારકો શિખર સોહે, આગિયા તરાઈમાં
જૂનાગઢના બાંટવા ગામે ૧૯૪૨માં ૧૨ ઑક્ટોબરે જન્મેલા આ કવિએ આજીવન શબ્દસાધના કરી. તેમનો મિજાજ, તેમનો અંદાજ, તેમની અદાયગી, તેમની શૈલી નોખી અને અનોખી. ઘેરા અને ઘેઘૂર અવાજમાં તેમની ગઝલો જેટલું જ ઊંડાણ વર્તાય.
અધ્યાપનકાર્ય અને કવિકર્મ તેમના જીવનનાં બે મહત્ત્વનાં પાસાં રહ્યાં. વતનમાં માધ્યમિક શિક્ષણ લઈને તેઓ અમદાવાદ ઉચ્ચ શિક્ષણ માટે આવ્યા. ૧૯૬૫માં અમદાવાદની એલ. ડી. આર્ટ્સ કૉલેજમાંથી સંસ્કૃત-પ્રાકૃત વિષયો સાથે બૅચલર ઇન આર્ટ્સ (BA) થયા. ૧૯૬૭માં એ જ વિષયોમાં માસ્ટર ઇન આર્ટ્સ (MA) થયા. ૧૯૮૨ સુધી વિવિધ કૉલેજોમાં તેમણે સંસ્કૃતમાં અધ્યાપનકાર્ય કર્યું. સંસ્કૃતનું તેમનું જ્ઞાન તેમની ગઝલોમાં પણ સહજતાથી ઊતરતું જણાય છે.
ન તો સવ્ય, અપસવ્ય હું કાંઈ જાણું
ન દીક્ષા, ન સંકલ્પ, હેવાય સ્વાહા
ન જે અગ્નિહોત્રે, ન આહુતિ મધ્યે
પ્રકટ અપ્રકટ જ્યોત જેવાય સ્વાહા
શિક્ષણ વિશે પણ તેમના પોતીકા ખયાલો હતા. બીબાઢાળ શિક્ષણપ્રણાલી તેમના સ્વભાવને રાસ આવે એમ નહોતી. એટલે તેમણે સ્વેચ્છાએ અધ્યાપનકાર્ય છોડ્યું. તેમનાં પત્ની નયના જાની પણ સારાં કવિયત્રી. એટલે આ યુગલે પોતાના બન્ને દીકરા જાજ્વલ્ય અને ધૈવતને ઘરે જ શિક્ષણ આપ્યું. શાળાહીન શિક્ષણના આ અભિનવ પ્રયોગમાં જોખમ હતું કે બાળકો સામાન્ય પ્રવાહથી છેટાં રહી જાય, પણ તેમણે આ જોખમ ઉઠાવ્યું. જીવનમાં ટર્નિંગ પૉઇન્ટ અને લર્નિંગ પૉઇન્ટ કહી શકાય એવી આ બાબતને તેમણે સભાનતાથી સંભાળીને દુનિયા સમક્ષ એક દૃષ્ટાંત મૂક્યું. તેમની એક ગઝલમાં આ મિજાજ પરખાય છે...
રાતદિન ક્યારનો ખાળું છું મોરચો
એકલે હાથ સંભાળું છું મોરચો
ત્રાડ પાડી સતત થઈ જવાતું ખડું
એકલે હાથ સંભાળું છું મોરચો
આ કવિ એકલે હાથે મહેફિલ પોતાના ખભા પર ઊંચકી શકે એટલા સક્ષમ હતા. સામાન્ય રીતે કોઈ કવિને અડધો-પોણો કલાક આપવામાં આવે તો તેની શ્રેષ્ઠ કૃતિઓ એમાં આવી જાય. રાજેન્દ્ર શુક્લ જેવા કવિને બે શું ચાર કલાક પણ ઓછા પડે. તેઓ માનતા કે રચના લખતી વખતે જે અનુભૂતિ થાય એ અનુભૂતિ પઠનમાં પણ તાદૃશ્ય થવી જોઈએ. કદાચ એટલે જ તેમના કાવ્યપઠનમાં એક રવાનીનો અનુભવ થતો. તેઓ ‘પ્રિયે ગઝલ’ શીર્ષક ધરાવતા કાવ્યનો પાઠ કરતા ત્યારે શ્રોતાઓ એમાં તણાઈ જતા. આ કાવ્યની છેલ્લી પંક્તિઓ વાંચનથી તમને પણ એ રવાનીનો અનુભવ કરાવશે.
તું હી તરન્નુમ, તું હી તગઝ્ઝુલ
તું હી તખ્ખલુસ, તું હી તસવુફ્ફ
તું હી જ તેવર, તરજ સરાપા
પ્રિયે ગઝલ, આ મિજાજ શું છે?
આધુનિક ગુજરાતી ગઝલને નવી શૈલી, આગવી ઓળખ, પોતીકી અભિવ્યક્તિ આપવામાં રાજેન્દ્ર શુક્લનું પ્રદાન કાયમ યાદ રહેશે. તેમનાં મુખ્ય પુસ્તકોમાં ‘કોમલ રિષભ’, ‘અંતર ગંધાર’, ‘સ્વવાચકની શોધમાં’ તથા પાંચ ભાગમાં પ્રકાશિત ‘ગઝલસંહિતા’નો સમાવેશ થાય છે. સંસ્કૃતની પ્રશિષ્ટતા અને સૌરાષ્ટ્રની તળપદી બોલીનો અદ્ભુત સમન્વય તેમની કવિતામાં થતો. નરસિંહ મહેતા, ભક્તિપરંપરા અને સંતપરંપરાની ચેતના પણ તેમની કવિતામાં સહજ રીતે પરોવાતી. તેમની કવિતામાં આધ્યાત્મિતા સુપેરે નીખરીને આવતી...
ગગનઘટામેં એક કરાકો બિજરી હુલસી
ઘિર આઈ ગિરનારી છાયા, ગોરખ આયા!
લગી લેહ, લેલીન હુવે, અભ ખો ગઈ ખલકત
બિન માંગે મુગતાફર પાયા, ગોરખ આયા!
ભારતીય કાવ્યપરંપરા, સંસ્કૃત સાહિત્ય, તત્ત્વચિંતન, દર્શન, સંગીત, ઇતિહાસ અને જ્યોતિષ જેવા વિષયોમાં તેમને રસ હતો. વૈવિધ્યસભર અભિવ્યક્તિ તેમના સાહિત્યિક સર્જનને વિશાળ ફલક પર લઈ જાય છે. તેમણે ગઝલને પ્રેમિકાથી વિશેષ ચાહી હોય એવું અવારનવાર લાગ્યા કરે. જે મજધારે જઈને ઊંડી ડૂબકી લગાવે એને જ કદાચ આવી મોતી જેવી પંક્તિઓ મળે...
રમણદીપ ધરી કરે, અભિસરે વાસરઘરે કલકામિની
મૃદુ નૂપુરરવે મુદા મદસરે આ અવતરે મધુયામિની
દયિતવક્ષ પરે રતિશ્રમજલે સિક્તતનુ મુદ્રિતલોચના
લલિત લોલ લયે શમે નિરવ અંતે શ્રુતિ યથા સમગામિની
આ સંસ્કૃતપ્રચુર શબ્દાવલિ કદાચ સમજવામાં અઘરી લાગે, પણ સંસ્કૃત ભાષાનું શબ્દસૌંદર્ય તેમની ગઝલોમાં સહજ હતું. જ્ઞાની અને અભ્યાસી હોવા છતાં સરળ ભાષામાં પણ તેમણે સચોટ ગઝલો આપી છે. કેટલીક પંક્તિઓની સાદગી સાથે તેમનું સામર્થ્ય પણ જોવા જેવું છે...
મનને સમજાવો નહીં કે મન સમજતું હોય છે
આ સમજ કે અણસમજ એ ખુદ સરજતું હોય છે
lll
કીડી સમી ક્ષણોની આ આવજાવ શું છે?
મારું સ્વરૂપ શું છે, મારો સ્વભાવ શું છે?
પર્વતને ઊંચકું પણ પાંપણ ન ઊંચકાતી,
આ ઘેન જેવું શું છે, આ કારી ઘાવ શું છે?
જેમને કપાળે તિલક કરીને આપણે ધન્ય ધન્ય થઈ જઈએ એવા કવિઓમાં રમેશ પારેખ, મનોજ ખંડેરિયા પછી રાજેન્દ્ર શુક્લના જવાથી એક યુગની સમાપ્તિ થઈ હોય એવી પ્રતીતિ થાય. આ બધા કવિઓ માટે કવિતા પ્રાણવાયુ હતો. અને આ બધા કવિઓ આપણા માટે પ્રાણવાયુ હતા. કવિ રાજેન્દ્ર શુક્લ હવે નવા થાનક તરફ પ્રસ્થાન કરી ગયા છે...
હજો હાથ કરતાલ ને ચિત્ત ચાનક
તળેટી સમીપે હજો ક્યાંક થાનક
સુખડ જેમ શબ્દો ઊતરતા રહે છે
તિલક કોઈ આવીને કરશે અચાનક
ઉમાસ્નેહરશ્મિ પારિતોષિક, રણજિતરામ સુવર્ણચંદ્રક, સાહિત્ય અકાદમી પુરસ્કાર, નર્મદ સુવર્ણચંદ્રક, વલી ગુજરાતી ગઝલ અવૉર્ડ, નરસિંહ મહેતા અવૉર્ડ પ્રાપ્ત કરનાર આ ગિરનારી કવિએ ધરતીને અલવિદા કરતી વખતે શું કહ્યું હશે? તેમના પુત્ર ધૈવત શુક્લના જણાવ્યા મુજબ તેમના અંતિમ શબ્દો હતા : અજવાળા... અજવાળા... અજવાળા...