01 November, 2023 10:20 AM IST | Ahmedabad | Shailesh Nayak
વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ સરદાર વલ્લભભાઈ પટેલની જન્મ જયંતી નિમિત્તે સ્ટૅચ્યુ ઑફ યુનિટી ખાતે સરદાર પટેલની વિરાટ પ્રતિમાનાં ચરણોમાં નમન કરીને શ્રદ્ધાંજલિ અર્પી હતી
દેશની એકતા અને અખંડિતતાના પ્રહરી સરદાર વલ્લભભાઈ પટેલની જન્મ જયંતીએ ગઈ કાલે ગુજરાતમાં એકતાનગર, સ્ટૅચ્યુ ઑફ યુનિટી ખાતે રાષ્ટ્રીય એકતા દિવસની ઉજવણી પ્રસંગે દેશના વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું હતું કે ‘દેશની એકતાના રસ્તામાં, આપણી વિકાસયાત્રામાં સૌથી મોટી રૂકાવટ તૃષ્ટીકરણની રાજનીતિ છે.’
ગુજરાતમાં સરદાર વલ્લભભાઈ પટેલની વિશ્વની સૌથી ઊંચી પ્રતિમાના સ્ટૅચ્યુ ઑફ યુનિટી ખાતે એકતાનગરમાં રાષ્ટ્રીય એકતા દિવસની વડા પ્રધાન નરેન્દ્ર મોદીની ઉપસ્થિતિમાં દેશના વિવિધ પ્રાંતમાંથી આવેલા પોલીસ જવાનોની પરેડ અને કરતબો અને કલાકારોના સાંસ્કૃતિક કાર્યક્રમોની સાથે હર્ષોલ્લાસથી ઉજવણી કરાઈ હતી.
સીઆરપીએફની મહિલા-બાઇકર્સની ટીમે ડેરડેવિલ્સ શો રજૂ કરીને સૌને મંત્રમુગ્ધ કર્યા હતા
નરેન્દ્ર મોદીએ સરદાર પટેલની વિરાટ પ્રતિમાનાં ચરણોમાં નમન કરીને શ્રદ્ધાંજલિ અર્પી હતી અને કહ્યું હતું કે ‘તૃષ્ટીકરણ કરનારા લોકોને આતંકવાદ, એની ભયાનકતા, એની વિકરાળતા દેખાતી નથી. તૃષ્ટીકરણની સોચ એટલી ખતરનાક છે કે એ આતંકવાદીઓને બચાવવા અદાલત સુધી પહોંચી જાય છે. આવી સોચથી કોઈ સમાજનું ભલું થતું નથી.’ સ્ટૅચ્યુ ઑફ યુનિટી ખાતે ભારતીય વાયુદળની સૂર્યકિરણ ઍરોબેટિક ટીમનાં હવાઈ કરતબોએ ઉપસ્થિતિ લોકોમાં રોમાંચ જગાવ્યો હતો. સીઆરપીએફની મહિલા-બાઇકર્સની ટીમે ડેર-ડેવિલ્સ શો રજૂ કરીને સૌને મંત્રમુગ્ધ કર્યા હતા.