વેરાવળ ડ્રગ્સ કેસનો સૂત્રધાર ઈશાક સાઉથ આફ્રિકાથી ઑર્ડર આપતો હતો

25 February, 2024 09:57 AM IST  |  Ahmedabad | Gujarati Mid-day Correspondent

પોલીસે આરોપીઓની કરેલી પૂછપરછમાં એવી વિગતો બહાર આવી હતી કે ડ્રગ્સનો જથ્થો અરબાઝ નામના માફિયાએ ઓમાન બંદરથી ચડાવ્યો હતો

પ્રતીકાત્મક ફાઇલ તસવીર

સૌરાષ્ટ્રના દરિયાકિનારેથી વધુ એક વખત ડ્રગ્સ પકડાયું છે. વેરાવળ બંદરથી પકડાયેલા ૩૫૦ કરોડ રૂપિયાના ડ્રગ્સના કેસમાં પકડાયેલા ત્રણ આરોપીઓને પોલીસે ગઈ કાલે કોર્ટમાં રજૂ કરીને ૧૨ દિવસના રિમાન્ડ મેળવ્યા હતા. બીજી તરફ આરોપીઓની પોલીસે કરેલી પૂછપરછમાં એવી વિગતો બહાર આવી છે કે વેરાવળના ડ્રગ્સકેસમાં ઈશાક ઉર્ફે મામો સાઉથ આફ્રિકામાં બેઠો-બેઠો સૂચના આપતો હતો.

સૌરાષ્ટ્રના દરિયાકિનારેથી ગીર સોમનાથ પોલીસે વેરાવળ બંદર નજીકથી ૩૫૦ કરોડનું ૫૦ કિલો ડ્રગ્સ ઝડપીને આસિફ ઉર્ફે કારા જસુબ સમા, અરબાઝ અનવર પમા અને ધરમેન બુદ્ધિલાલ કશ્યપને પકડી લીધા હતા. તેમની પાસેથી ગીર સોમનાથ પોલીસે હેરોઇન, અફીણ અને કોકેનનો જથ્થો મળી આવ્યો હતો. પોલીસે ત્રણ આરોપીઓને ઝડપીને તેમની પૂછપરછ કરીને વધુ ૬ શખ્સોને ગઈ કાલે રાઉન્ડઅપ કર્યા હતા અને તેમની પૂછપરછ કરી છે.

પોલીસે આરોપીઓની કરેલી પૂછપરછમાં એવી વિગતો બહાર આવી હતી કે ડ્રગ્સનો જથ્થો અરબાઝ નામના માફિયાએ ઓમાન બંદરથી ચડાવ્યો હતો અને વેરાવળમાં નલિયા ગોદીમાં પહોંચાડવા કહ્યું હતું. ડ્રગ્સ ઓમાનના દરિયામાં ફિશિંગ બોટમાં મુર્તુઝા નામનો શખ્સ આપી ગયો હતો અને ડિલિવરી ઓમાનના દરિયામાં થઈ હતી. આ ડ્રગ્સનો જથ્થો લેવા, મોકલવા અને રવાના કરવાની સૂચના જોડિયાના ઈશાક ઉર્ફે મામો આપી રહ્યો હતો. ઈશાક ફરાર છે અને તે સાઉથ આફ્રિકા હોવાનું કહેવાય છે અને તે ત્યાંથી બેઠો-બેઠો લોકશન મોકલીના સૂચના આપતો હતો.

gujarat news ahmedabad oman veraval gujarat