04 March, 2026 05:49 PM IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
દીક્ષિત સોલંકીનું મૃત્યુ થયા હોવાના અહેવાલ છે (તસવીર: X)
ઇઝરાયલ અને અમેરિકા બન્નેએ સાથે મળીને ઇરાન પર હુમલા શરૂ કર્યા છે. આ હુમલાએ એક નવા યુદ્ધને જન્મ આપ્યો છે. અન્ય દેશોની જેમ, ભારત પણ આ યુદ્ધની અસરો અનુભવી રહ્યું છે. કારણ કે અત્યાર સુધી આ યુદ્ધમાં ત્રણ ભારતીયોનું મોત થયું છે. આ યુદ્ધને કારણે મુંબઈના એક યુવાનનું મોત થયું હોવાના અહેવાલ મળ્યા છે. ઈરાન અને ઇઝરાયલ વચ્ચે વધતા તણાવ અને યુદ્ધ જેવી પરિસ્થિતિની સીધી અસર હવે ભારત પર પણ પડી છે. મુંબઈના કાંદિવલીના રહેવાસી દીક્ષિત સોલંકી જેની ઉંમર 25 વર્ષનું ઓમાનના મસ્કત કિનારા નજીક, ઓમાનના અખાતમાં એક કાર્ગો ઓઇલ ટૅન્કર પર ડ્રોન હુમલો થતાં તેનું મૃત્યુ થયું છે. એવા સંકેતો છે કે આ હુમલો ઈરાન-ઇઝરાયલ સંઘર્ષ સાથે સંબંધિત છે, જેણે ફરી એકવાર આંતરરાષ્ટ્રીય દરિયાઈ માર્ગો પર સુરક્ષાનો મુદ્દો ઉઠાવ્યો છે.
મૂળ ગુજરાતના દીવના રહેવાસી, દીક્ષિત સોલંકી થોડા વર્ષો પહેલા વ્યવસાય માટે મુંબઈ આવ્યા હતા અને કાંદિવલી વિસ્તારમાં રહેતા હતા. તેઓ માર્શલ આઇલેન્ડ્સ-ધ્વજવાળા તેલ ટૅન્કર `MKD વ્યોમ` માં ક્રૂ મેમ્બર તરીકે કામ કરતા હતા. ઓમાનના મસ્કતના દરિયાકાંઠે લગભગ 52 નોટિકલ માઇલ દૂર આવેલા ટૅન્કર પર વિસ્ફોટકોથી ભરેલી માનવરહિત બોટ દ્વારા હુમલો કરવામાં આવ્યો હતો. આ હુમલામાં ટૅન્કરના ઍન્જિન રૂમમાં જોરદાર વિસ્ફોટ થયો અને તે બાદ આગ લાગી હતી, જેમાં દિક્ષિતનું ઘટનાસ્થળે જ મોત થયું હતું. દીક્ષિત દીવના માછીમાર અમૃતલાલ સોલંકીનો નાનો પુત્ર હતો. તેની માતાનું એક મહિના પહેલા અવસાન થયું હતું. તેની માતાના અંતિમ સંસ્કાર પછી, તે જહાજ પર ફરજ પર પાછો ફર્યો હતો, પરંતુ કમનસીબે સમય તેના પર આવી ગયો હતો.
આ ઘટનાના એક દિવસ પહેલા, એવું અહેવાલ છે કે હોર્મુઝ સ્ટ્રેટમાં જહાજ `એમવી સ્કાયલાઇટ` પર પણ હુમલો કરવામાં આવ્યો હતો. આ હુમલામાં, બે ભારતીય ખલાસીઓ, બિહારના આશિષ કુમાર અને રાજસ્થાનના દલીપ સિંહ, છેલ્લા 48 કલાકથી ગુમ છે. શોધ કામગીરી ચાલી રહી છે અને એવી આશંકા છે કે તેઓ મૃત્યુ પામ્યા છે. આ ઘટનાઓમાં અત્યાર સુધીમાં ત્રણ ભારતીય ખલાસીઓના જીવ ગયા હોવાની શક્યતા છે. તેમ જ હજી ભારતના અનેક ખલાસીઓ પણ વિવિધ શીપમાં યુદ્ધને લીધે ફસાયા હોવાના અહેવાલ છે.
ઇઝરાયલ સેનાનો દાવો છે કે તેમણે ઈરાની શાસનનું સેન્ટર ગણાતી પ્રેસિડન્ટની ઑફિસ પર હુમલો કર્યો છે. સોમવારે મોડી રાતે ઇઝરાયલી ઍર ફોર્સે સટિક કાર્યવાહી કરીને તેહરાનની વચ્ચે આવેલા લીડરશિપ કમ્પાઉન્ડ અને પ્રેસિડેન્શિયલ ઑફિસ પર હુમલો કરીને એને ખતમ કરી દીધાં હોવાનો દાવો કર્યો હતો. ઇઝરાયલ આર્મીનું કહેવું છે કે આ કમાન્ડ હેડક્વૉર્ટર ઈરાનની સૌથી સુરક્ષિત જગ્યાઓમાંની એક હતી.