17 November, 2022 09:24 AM IST | Ahmedabad | Kiran Joshi
વિજય રૂપાણી, દેવેન્દ્ર ફડણવીસ, નીતિન પટેલ
૨૦૧૬માં આનંદીબહેને રાજીનામું આપ્યું ત્યારે વિજય રૂપાણીને કશુંય બનવું નહોતું; જ્યારે નીતિન પટેલને મુખ્ય પ્રધાન બનવું હતું, પણ મુખ્ય પ્રધાનના નામની આકાશવાણી થઈ ત્યારે રૂપાણી મુખ્ય પ્રધાન બની ગયા અને નીતિનભાઈએ ઉપ-મુખ્ય પ્રધાનપદેથી સંતોષ માનવો પડ્યો. ચાલુ વર્ષે મહારાષ્ટ્રમાં શિવસેના ઉદ્ધવ ઠાકરે નામના એક નાથને બદલે એકનાથ શિંદે અને ઉદ્ધવ ઠાકરે - એમ બે નાથ ધરાવતી પાર્ટી બની ગઈ ત્યારે દેવેન્દ્ર ફડણવીસ રાબેતા મુજબ મુંગેરીલાલ બની ગયા હતા. તેમણે પણ નીતિનભાઈની જેમ થ્રી-ડી ચશ્માં પહેરીને મુખ્ય પ્રધાન બનવાનાં સપનાં જોવાનાં ચાલુ કરી દીધાં હતાં, પણ શિંદે ડ્રાઇવર-સીટ પર બેસી ગયા અને ફડણવીસના ભાગે ડ્રાઇવિંગ-સ્કૂલના કર્મચારીની જેમ બાજુની સીટ પર બેસવાનો વારો આવ્યો.
આ ત્રણેય નેતાઓને તેમની કિસ્મતે ‘ફૉરેસ્ટ ગમ્પ’ બતાવવાનું વચન આપીને ‘લાલસિંહ ચઢ્ઢા’ બતાવવાનું કામ કર્યું છે. રૂપાણી પાંચ વર્ષ મુખ્ય પ્રધાન રહ્યા ખરા; પણ અડધી ટર્મ બીજા મુખ્ય પ્રધાને ત્યજેલી ખુરસી પર બેસવું પડ્યું અને બીજી અડધી ટર્મ પછી બીજા મુખ્ય પ્રધાન માટે ખુરસી ખાલી કરી આપવી પડી.
ફડણવીસ એકવાર પાંચ વર્ષ માટે મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન બન્યા અને બીજી વાર પાંચ દિવસ માટે, ત્રીજી વાર પાંચ કલાક માટે તેમનું નામ મુખ્ય પ્રધાનપદ માટે ચર્ચામાં રહ્યું હતું, પણ છેવટે શિંદેને રાજ્યની સેવા કરવાનું સૌભાગ્ય પ્રાપ્ત થયું.
આ ત્રણેય અલ્પતૃપ્ત નેતાઓને બીજેપીએ ગુજરાત વિધાનસભાની ચૂંટણી માટેની સ્ટાર પ્રચારકોની યાદીમાં સ્થાન આપ્યું છે. તેજોમય એવી મુખ્ય પ્રધાનની ખુરસીના પ્રકાશ વિનાના આ ત્રણેય તારલા (સ્ટાર પ્રચારકો) પોતાની ચમક કેવી રીતે જાળવી રાખશે; કેવી રીતે પ્રચાર મંચ ગજવશે એ વિશે સાદા અનુભવીઓ ચિંતા વ્યક્ત કરી રહ્યા છે. જોકે પીઢ અનુભવીઓ ૨૦૧૮માં ઉદ્યોગપતિ આનંદ મહિન્દ્રએ નરેન્દ્ર મોદીને કહેલા એક વાક્યને ટાંકીને ચિંતા ન કરવા જણાવે છે. અંધારા હૉલમાં પ્રેક્ષકગણમાં બેઠેલા મહિન્દ્ર પર પ્રકાશ ફેંકવાનું સૂચન જ્યારે વડા પ્રધાને લાઇટ-ઑપરેટરને કર્યું હતું ત્યારે મહિન્દ્રએ વડા પ્રધાનને ઉદ્દેશીને કહ્યું હતું કે ‘રોશની આપસે આ રહી હૈ પ્રધાનમંત્રીજી.’
(વ્યવસાયે શિક્ષક એવા લેખક હાસ્ય અને વ્યંગની કટારો લખે છે.)