પટાવાળાનો, રિક્ષા-ડ્રાઇવરનો, વૅન-ડ્રાઇવરનો, બોરિયા બંગડી વેચનારાનો વિજય

29 April, 2026 10:30 AM IST  |  Ahmedabad | Gujarati Mid-day Correspondent

ગુજરાતના મતદારોએ સામાન્ય વર્ગના ઉમેદવારોમાં વિશ્વાસ મૂકીને તેમને જિતાડ્યા

અમદાવાદના રિક્ષા-ડ્રાઇવર દશરથ પટણીનો વિજય થયો છે, મહેસાણા BJPના કાર્યાલયમાં ચા બનાવતા રમેશચંદ્ર ભીલનો ચૂંટણીમાં વિજય થયો છે, વડોદરાના સ્કૂલવૅન-ડ્રાઇવર ભૂપેન્દ્ર માછીનો વિજય થયો છે

ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં સામાન્ય વર્ગના ઉમેદવારો પર મતદારોએ વિશ્વાસ મૂકીને તેમને વિજયી બનાવ્યા છે. પટાવાળા, રિક્ષા-ડ્રાઇવર, સ્કૂલ-વૅનના ડ્રાઇવર હોય કે બોરિયા-બક્કલ વેચતા શ્રમજીવી હોય... એ બધા ઉમેદવારોએ ચૂંટણીમાં જીત મેળવી છે અને તેમના હરખનો કોઈ પાર નથી.

મહેસાણા નગરપાલિકાની ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટી (BJP)ના ઉમેદવાર રમેશચંદ્ર ભીલનો વિજય થયો છે. તેમને ૪૩૧૦ મત મળ્યા છે. રમેશચંદ્ર ભીલ મહેસાણામાં આવેલા BJPના કાર્યાલયમાં પટાવાળા છે. આ નાના માણસમાં BJPએ ભરોસો મૂકીને તેમને ઉમેદવાર બનાવ્યા હતા.

અમદાવાદ મ્યુનિસિપલ કૉર્પોરેશનના અસારવા વૉર્ડમાંથી BJPના ઉમેદવાર દશરથ પટણીનો વિજય થયો છે. તેમને ૧૯,૨૨૩ મત મળ્યા છે. દશરથ પટણી રિક્ષા-ડ્રાઇવર તરીકે પોતાના કુટુંબનું ગુજરાન કરી રહ્યા છે.

વડોદરા મ્યુનિસિપલ કૉર્પોરેશનમાં વૉર્ડ-નંબર ૧૭માં BJPના ઉમેદવાર ભૂપેન્દ્ર માછીની જીત થઈ છે. તેમને ૧૫,૫૨૦ મત મળ્યા છે. ભૂપેન્દ્ર માછી વડોદરામાં સ્કૂલવૅન-ડ્રાઇવર છે.

બેચરાજી નગરપાલિકાની ચૂંટણીમાં વૉર્ડ-નંબર ૪માંથી BJPના ઉમેદવાર સણસી કાંગસિયાની જીત થઈ છે. તેઓ બેચરાજીમાં બોરિયા, બંગડીઓ અને બક્કલ વેચીને જીવનનો ગુજારો કરે છે.

બીજી તરફ અમદાવાદ મ્યુનિસિપલ કૉર્પોરેશનના શાહપુર વૉર્ડમાં કૉન્ગ્રેસનાં ઉમેદવાર આશા દંતાણીનો પરાજય થયો છે. તેઓ પાથરણું પાથરીને જૂનાં રમકડાં અને કપડાં વેચે છે. આ ઉપરાંત ભાવનગરમાં વૉર્ડ-નંબર ૧૦માં કૉન્ગ્રેસનાં ઉમેદવાર આશા કુકડિયાનો પરાજય થયો છે. તેઓ કૉલેજમાં ભણે છે અને પહેલી વાર ચૂંટણીમાં ઊભાં રહ્યાં હતાં.

gujarat elections gujarat gujarat news bharatiya janata party ahmedabad mehsana vadodara