Gaurang Vyas Death: અત્યંત દુઃખદ! ગુજરાતી સંગીતનું અણમોલ રતન ગૌરાંગ વ્યાસનું અમદાવાદમાં નિધન

03 September, 2026 07:48 AM IST  |  Ahmedabad | Gujarati Mid-day Online Correspondent

Gaurang Vyas Death: જાણીતા સ્વરકાર અવિનાશ વ્યાસના પુત્ર ગૌરાંગ વ્યાસના નિધનથી ગુજરાતી સાહિત્ય અને કળાપ્રેમીઓ તેમ જ સુગમ સંગીતની આલમ શોકમાં ગરકાવ થઈ છે.

અલવિદા ગૌરાંગ વ્યાસ

ગુજરાતી ફિલ્મો તેમ જ સુગમ સંગીતનું લોકપ્રિય નામ એટલે ગૌરાંગ વ્યાસ. અત્યંત દુઃખદ સમાચાર છે કે આ વિખ્યાત સંગીતકારે અમદાવાદમાં અંતિમ શ્વાસ લીધા (Gaurang Vyas Death) છે. ગઈ કાલે મોડી રાત્રે ગૌરાંગ વ્યાસનું નિધન થયું છે. જાણીતા સ્વરકાર અવિનાશ વ્યાસના પુત્ર ગૌરાંગ વ્યાસના નિધનથી ગુજરાતી સાહિત્ય અને કળાપ્રેમીઓ તેમ જ સુગમ સંગીતની આલમ શોકમાં ગરકાવ થઈ છે.

૨૪મી નવેમ્બર ૧૯૩૮ના રોજ મુંબઈમાં જન્મેલા ગૌરાંગ વ્યાસ (Gaurang Vyas Death)ને સંગીતનો વારસો ગળથૂથીમાં પ્રાપ્ત થયો હતો. પિતા અવિનાશ વ્યાસ અને માતા વસુમતી. મુંબઈની પોદાર હાઈસ્કૂલમાં માધ્યમિક શિક્ષણ લઈને તેઓએ અમદાવાદની એન્જિનિયરિંગ કૉલેજમાંથી મિકેનિકલ એન્જિનિયરિંગનો ડિપ્લોમા કોર્સ કર્યો. વ્યાવસાયિક સફરની શરૂઆત મુંબઈની ખંડેલવાલ એન્જિનિયરિંગ કંપનીથી કરી હતી. ગૌરાંગ વ્યાસનો બાળપણથી જ સંગીત સાથે તેઓનો ઘરોબો રહ્યો. તેઓ માત્ર પાંચ વર્ષના હતા ત્યારે જ તેઓએ હાર્મોનિયમ પર `વૈષ્ણવજન`ની ધૂન વગાડીને સૌને ખુશ કરી દીધા હતા. ગૌરાંગ વ્યાસે પોતાની આગવી સૂઝબૂઝથી પિતાની છાયામાંથી બહાર નીકળી એક સ્વતંત્ર કલાકાર તરીકે વિશિષ્ટ સ્થાન બનાવ્યું હતું.

ગૌરાંગ વ્યાસનાં જાણીતાં સ્વરાંકનો

ગુજરાતી ફિલ્મો સહિત અનેક કાવ્યો-ગીતો-ગઝલોને તેઓએ પોતાનો મધુર કંઠ આપ્યો હતો. ૧૦૦થી પણ વધુ ગુજરાતી ફિલમો, ૫૦૦થી પણ વધારે ગઝલો તથા કંઇ કેટલીય કવિતાઓ-ગીતોને તેઓએ પોતાના કંઠે રેલાવીને અમર કરી દીધી છે.  તેઓએ `જેસલ તોરલ` ફિલ્મમાં સહાયક તરીકે કારકિર્દીની શરૂઆત કરી હતી. ત્યાર બાદ તેઓએ `લીલુડી ધરતી`, `લાખો ફૂલાણી`, `પારકી થાપણ`, `નસીબની બલિહારી` અને `લવની ભવાઈ` જેવી અનેક યાદગાર ફિલ્મોમાં સંગીત આપ્યું હતું. 

તેમના (Gaurang Vyas Death) સંગીત નિર્દેશન હેઠળ અનેક ગીતો ગુજરાતી સંગીતમાં અનેરું સ્થાન પામ્યાં છે. તેમાં `દીકરી તો પારકી થાપણ કહેવાય`, `આજ વગડાવો રૂડાં શરણાઈ ને ઢોલ`, `મણિયારો તે હલુ હલુ થઈ રે વીયો`, `સાંવરિયો રે મારો` `બેના રે`, ‘હુ તુ તુ તુ, જામી રમતની ઋતુ…’,‘હજુ રસભર રાત બાકી’, ‘હું તો ગઈ`તી મેળે’, ‘આંખો ભીની, હૈયું ભીનું` જેવાં સદાબહાર ગીતોનું લિસ્ટ મોટું છે.

ગૌરાંગ વ્યાસે (Gaurang Vyas Death) ગુજરાતી ફિલ્મો સિવાય પણ ભજન, ગરબા, લોકગીતો, ટેલિવિઝન-શ્રેણીઓ, નૃત્યનાટિકા તેમજ `જલારામની ઝૂંપડી` અને `ગંગા સતીનાં ભજનો` જેવા લોકપ્રિય આલ્બમોમાં સંગીતસંબંધિત અવનવા પ્રયોગો કરીને પોતાની આગવી સંગીત-સૂઝબૂઝનો પરિચય કરાવ્યો હતો.

તેઓએ લતા મંગેશકર, આશા ભોંસલે, મન્ના ડે, મહેન્દ્ર કપૂર, અનુરાધા પૌડવાલ અને પ્રફુલ્લ દવે જેવા દેશના વિખ્યાત ગાયકોએ પણ ગૌરાંગ વ્યાસના ઘણા સ્વરાંકનોમાં પોતાના સૂર પુરાવ્યા હતા. શાસ્ત્રીય અને આધુનિકતાનો સુમેળ સાધીને ગુજરાતી સંગીતને આંતરરાષ્ટ્રીય સ્તરે ગૌરવ અપાવનાર ગૌરાંગ વ્યાસની આ વિદાયથી ગુજરાતી કળાજગતને ક્યારેય પૂરી ન શકાય તેવી ખોટ પડી છે. 

આજે અંતિમયાત્રા

પ્રાપ્ત માહિતી અનુસાર તેઓની (Gaurang Vyas Death) અંતિમ યાત્રા આજે સવારે ૧૧.૩૦ વાગ્યે અમદાવાદસ્થિત તેમના નિવાસસ્થાન મોરેના એપાર્ટમેન્ટ, હીરાબાગ ક્રોસિંગ પાસે, આંબાવાડી ખાતેથી નીકળશે. ગૌરાંગ વ્યાસના ચાલ્યા જવાથી ગુજરાતી કળા જગતે અને સુગમ સંગીતે એક અણમોલ રત્ન ગુમાવ્યું છે. પણ તેઓની કાલજયી સરગમ હંમેશાં સંગીતપ્રેમીઓના હૈયામાં ગૂંજ્યા કરશે.

gujarat news gujarat dhollywood news celebrity death ahmedabad gujarati community news indian classical music lata mangeshkar asha bhosle indian music