ભાવનગરના પ્રવાસીઓનો મનાલીમાં જીવલેણ અકસ્માત

12 May, 2026 10:19 AM IST  |  Bhavnagar | Gujarati Mid-day Correspondent

૬ લોકોનાં મોત અને ૪ ઈજાગ્રસ્ત : રવિવારે મધરાતે કાર ખાઈમાં ખાબકી : બે ફૅમિલી પર ફરી વળ્યો કાળનો પંજો

જીવ ગુમાવનારા ભાવનગરના પાંચ જણ.

સૌરાષ્ટ્રના ભાવનગરથી હિમાચલ પ્રદેશના મનાલીમાં ફરવા ગયેલા ફતનાણી અને ભોપાણી ફૅમિલીને રવિવારે મોડી રાતે અકસ્માત નડ્યો હતો. કારમાં બે ફૅમિલીના ૯ સભ્યો જઈ રહ્યા હતા ત્યારે એકાએક કાર ખીણમાં ખાબકી હતી. એને કારણે કારચાલક સહિત ૬ લોકોનાં મોત થયાં હતાં, જ્યારે ૪ જણ ઈજાગ્રસ્ત થયા હતા. આ અકસ્માતના પગલે ભાવનગરમાં શોકનું મોજું ફરી વળ્યું છે. 
મનાલીથી બેલા જતી વખતે છાબા જિલ્લાના કાંકરિયા તાલુકામાં ચંબા નજીકના હાઇવે પરથી કાર પસાર થઈ રહી હતી એ સમયે ડ્રાઇવરે કાર પરથી કાબૂ ગુમાવતાં કાર ખાઈમાં પડી હતી. અકસ્માત થતાં પોલીસ સહિત લોકો દોડી આવ્યા હતા અને બચાવકામગીરી શરૂ કરી હતી. કારમાંથી પ્રવાસીઓને બહાર કાઢીને હૉસ્પિટલમાં લઈ જવાયા હતા. મળતી માહિતી મુજબ આ અકસ્માતમાં મયંક ફતનાણી, ફોરમ ફતનાણી, જિયાંશ ફતનાણી અને પ્રિયાંશ ભોપાણીને ઈજા થઇ હતી; જ્યારે લલિત ફતનાણી, સોનિયા ફતનાણી, પ્રિયંક ભોપાણી, કાજલ ભોપાણી અને દિવ્યાંશુ ભોપાણી તેમ જ ડ્રાઇવર જશવંતકુમારનાં મોત થયાં હતાં.

ભાવનગરમાં સિંધી સમાજના આગેવાન કમલેશ ચંદાણીએ કહ્યું હતું કે ‘ભાવનગરથી ફતનાણી અને ભોપાણી ફૅમિલીના ૯ સભ્યો હિમાચલ પ્રદેશના પ્રવાસે ગયેલા અને રવિવારે મોડી રાતે મનાલીમાં અકસ્માત થયો હતો. ફતનાણી અને ભોપાણી ફૅમિલીમાંથી ૪ જણ સારવાર હેઠળ છે અને પાંચ જણનાં દુખદ અવસાન થયાં છે. લલિત ફતનાણી, તેમના જમાઈ, દીકરી અને વાઇફનાં મૃત્યુ થયાં છે.’

gujarat news gujarat road accident bhavnagar gujarati community news manali himachal pradesh