હિમાચલ પ્રદેશમાં ભારે વરસાદને કારણે મુખ્યમંત્રી સુખવિંદર સિંહ સુખુએ સોમવારે વરસાદથી પ્રભાવિત લોકોની માહિતી મેળવવા માટે હેલ્પલાઇન નંબરની જાહેરાત કરી હતી. સીએમ સુખુએ રાજ્યના લોકોને આગામી 24 કલાક માટે ઘરની અંદર રહેવા અને "મુશ્કેલીની આ ઘડીમાં" સરકારને સહકાર આપવા અપીલ કરી છે. થુનાગમાં વાદળ ફાટવાને કારણે સોમવારે સવારે મંડીમાં અચાનક પૂરની પરિસ્થિત સર્જાઈ છે. પોલીસ દ્વારા પુષ્ટિ થયેલ એક વાયરલ વિડિયોમાં, કાટમાળ, પડી ગયેલા ઝાડની ડાળીઓ અને કાદવ સાથે રસ્તાઓમાંથી પાણી વહેતું જોવા મળ્યું હતું. હિમાચલ પ્રદેશમાં ભારે વરસાદને કારણે અત્યાર સુધી 14 લોકોએ પોતાનો જીવ ગુમાવ્યા છે. સીએમ સુખુએ જણાવ્યું હતું કે, વરસાદને કારણે ભૂસ્ખલન અને મકાનોને નુકસાન થયું છે. IMD વિભાગે રવિવારે રાજ્યભરના સાત જિલ્લાઓ માટે રેડ એલર્ટ જાહેર કર્યું હતું. નદીમાં પૂર અને કુલ્લુ-મનાલી રોડ પર પત્થરો પડવાને કારણે કુલ્લુ અને મનાલીથી અટલ ટનલ અને રોહતાંગ તરફ વાહનોની અવરજવર સંપૂર્ણપણે બંધ કરી દેવામાં આવી છે. રાજ્યમાં છેલ્લા 36 કલાકમાં 13 જેટલા ભૂસ્ખલન અને પૂરની ઘટનાઓ નોંધાઈ છે, અને રાજ્યના 736 રસ્તાઓ વાહનવ્યવહાર માટે બંધ કરવામાં આવ્યા છે.
11 July, 2023 01:54 IST | Shimla