10 April, 2026 11:13 AM IST | Mumbai | Kajal Rampariya
ડૉ. ઝલક હાથી
ફાસ્ટ લાઇફસ્ટાઇલમાં આપણે હંમેશાં Me Timeનું મુહૂર્ત શોધતા હોઈએ છીએ; પણ બોરીવલીમાં રહેતાં ૪૦ વર્ષનાં ડૉ. ઝલક હાથી માટે સોલો ટ્રાવેલિંગ માત્ર રજાઓ ગાળવાનું બહાનું નહીં, ઇનર સ્ટ્રેન્થને પડકારવાનું માધ્યમ પણ બન્યું છે. વ્યવસાયે ડેન્ટિસ્ટ અને સ્વભાવે ઍડ્વેન્ચરપ્રેમી ઝલકે ઉત્તરાખંડના માઇનસ ડિગ્રી તાપમાનમાં ૧૨,૫૦૦ ફુટની ઊંચાઈ પર આવેલા કેદારકાંઠા ટ્રેક સર કર્યો ત્યારે તેમને સમજાયું કે સાચો રોમાંચ કમ્ફર્ટ ઝોનની બહાર જ રહેલો છે.
કેદારકાંઠા જવાનું પ્લાનિંગ કઈ રીતે થયું એ વિશે વાત કરતાં ડૉ. ઝલક કહે છે, ‘મારું સોલો ટ્રાવેલિંગ કરવાનું કોઈ આયોજન નહોતું. મારે મારા હસબન્ડ ભુદીપ હાથી સાથે જવું હતું, પણ ઑફિસના કામકાજને કારણે તેમને રજા મળવી મુશ્કેલ હતી એટલે મને થયું કે ઉત્તરાખંડ હું એકલી જ જાઉં. મારું ઇન્ટેન્શન સોલો જવાનું નહોતું, પણ સંજોગવશાત્ થઈ ગયું અને એનો એક્સ્પીરિયન્સ અદ્ભુત રહ્યો. હું એકલી તો ગઈ હતી, પણ મેં ઉત્તરાખંડના એક લોકલ ટ્રેકર ગ્રુપમાં મારું નામ નોંધાવ્યું હતું. આ ટ્રેકમાં ભારતભરમાંથી બધા જ એજ-ગ્રુપના ૧૧થી ૫૦ વર્ષની વયના આશરે ૧૦૦ જેટલા લોકો હતા. એ બધા ચહેરાઓ મારા માટે અજાણ્યા હતા. ઘર-પરિવાર સિવાયના અજાણ્યા લોકો સાથેનું મારું આ ટ્રાવેલિંગ સોલો જ હતું. હું બાવીસ માર્ચે મુંબઈથી દેહરાદૂન ફ્લાઇટમાં નીકળી ગઈ હતી. પછી ત્યાંથી સંકરી વિલેજ ગયા અને અહીંથી ટ્રેકિંગ શરૂ થવાનું હતું. પહેલા દિવસે અમે ટ્રેકિંગ કરીને ‘જુડા કા તાલાબ’ પહોંચ્યા અને ત્યાં નાઇટ-સ્ટે કર્યો. બીજા દિવસે અમે કેદારકાંઠા બેઝકૅમ્પ પહોંચ્યા. ત્રીજા દિવસે વહેલી સવારે બેઝકૅમ્પથી પીક પર જવાનું શરૂ કર્યું. ચોથા દિવસે શિખર સર કરીને અમે પાછા નીચે ઊતરીને બેઝકૅમ્પ આવ્યા. આમ ચડવામાં અમને કુલ ૩ દિવસ લાગ્યા અને ઊતરવામાં બે દિવસનો સમય થયો હતો.’
સોલો ટ્રાવેલિંગના અનુભવ વિશે વાત કરતાં ડૉ. ઝલક કહે છે, ‘ટ્રેકિંગ માટે હું બે બૅગ લઈને ગઈ હતી. એમાંથી એક બૅગ ખચ્ચર પર ઑફલોડ કરી હતી. આ બૅગમાં ઊનનાં ગરમ કપડાં, થર્મલ્સ અને બે-ત્રણ જોડી એક્સ્ટ્રા ડ્રાય-ફિટ કપડાં હતાં. બીજી બૅગમાં મેડિસિન્સ, મૉઇશ્ચરાઇઝર, લિપબામ, પાણીની બૉટલ, રેઇનકોટ અને એનર્જી માટે ચૉકલેટ્સ જેવી પાયાની જરૂરિયાતો સાથે રાખી હતી. આ ઉપરાંત પહાડોમાં ચાલવા માટે સ્પેશ્યલ ટ્રેકિંગ શૂઝ, ટૉર્ચ અને લાકડી સાથે હતાં. ત્યાં ઠંડીનું પ્રમાણ અતિશય હતું. દિવસે તાપમાન ઝીરોથી પાંચ ડિગ્રી વચ્ચે રહેતું, જ્યારે રાત્રે માઇનસ ચારથી પાંચ ડિગ્રી સુધી પહોંચી જતું હતું. સોલો ટ્રાવેલિંગનો અનુભવ ખરેખર થ્રિલિંગ હતો. અહીં તમારા સામાનની ચિંતા તમારે જ કરવી પડે. ફૅમિલી કે પતિ આવીને નહીં કહે કે તું જલદી કર કે તું આ ભૂલી રહી છે. પ્રૉબ્લેમ થાય તો પોતે જ સૉલ્વ કરવો પડે. એટલે ફિઝિકલી ભલે આપણે લોકો સાથે હોઈએ, પણ મેન્ટલી અને ઇમોશનલી સોલો ટ્રાવેલિંગ જ કરવાનું હોય છે. આ ૭ દિવસના ટ્રેકિંગમાં બે દિવસ ટ્રાવેલિંગમાં ગયા અને પાંચ દિવસ ટ્રેકિંગ કરવાનું હતું. અમે કોઈ ફાઇવસ્ટાર હોટેલમાં નહોતા રહ્યા. કેદારકાંઠા નજીકના ગામમાં અમારો સ્ટે હતો. ત્યાં સાંજે ઇલેક્ટ્રિસિટી નહોતી, બાથરૂમ હાઇજીનિક નહોતાં. જોકે આ બધા ડિસકમ્ફર્ટમાંથી પસાર થવું પડે. ત્યાંના સ્થાનિકો અમારા માટે પાંઉભાજી, મોમોઝ અને ફ્રાઇડ રાઇસ જેવી વાનગી બનાવતા. જીવનજરૂરિયાત પૂરી થાય એટલી સુવિધા હતી. આ અનુભવ જીવનમાં આનાથી વધુ જરૂરિયાતો ન હોવી જોઈએ એ ફીલ કરાવે છે.’
બિગિનર તરીકે ડૉ. ઝલક માટે આ ટ્રેક પડકારજનક હતો. ટ્રેક દરમ્યાન કેવી-કેવી ચૅલેન્જ આવી એ વિશે તેઓ કહે છે, ‘ટ્રેકિંગ પહેલાં ફિઝિકલ ફિટનેસ બહુ જરૂરી છે અને ૩ મહિના પહેલાં શરૂ કરવી પડે. એક કલાક સુધી ફાસ્ટ વૉકિંગ, દાદરા ચડ-ઊતર કરવા, નજીકમાં નાના ટ્રેકિંગ સ્પૉટ્સ પર જવું, અડધા કલાકમાં પાંચ કિલોમીટર દોડવું જેવી તૈયારીઓ કરવાની હોય. મારી ટ્રિપ શૉર્ટ નોટિસમાં કન્ફર્મ થઈ હોવાથી મને પ્રેપરેશન માટે સમય ન મળ્યો. શરૂઆતમાં હું બાકી લોકો કરતાં સ્લો હતી. અમુક ડિસ્ટન્સ પર થાકી જતી. બ્રેથલેસનેસ અને ડિસકમ્ફર્ટ થતી હતી. મનમાં પ્રશ્નો થતા કે હું આ ટ્રેક પૂરો કરી શકીશ? જોકે મન મક્કમ હતું કે અહીં સુધી આવી છું તો આગળ કરી જ લઈશ. ટ્રેક-લીડર્સ બહુ હેલ્પફુલ હતા. તેઓ સતત મોટિવેટ કરતા અને વચ્ચે-વચ્ચે એનર્જી ડ્રિન્ક્સ, એનર્જી બાર્સ લેવાની સાથે હાઇડ્રેટેડ રહેવાની સૂચના આપતા અને ધ્યાન પણ રાખતા. સૌથી મોટી ચૅલેન્જ ટેન્ટમાં રહેવાની હતી. ટેન્ટમાં વૉશરૂમ નહોતો એટલે નિત્ય ક્રિયા ખુલ્લામાં જ કરવી પડતી. કડકડતી ઠંડીમાં આ બધું ફેસ કરવું શારીરિક ક્ષમતાની સાથે માનસિક ક્ષમતા માટે પણ પડકાર હતો. આ બધાનો એક્સ્પીરિયન્સ કરવો થ્રિલિંગ પણ હતું. સ્નોફૉલ વધે ત્યારે ટેન્ટમાં પાણી અને બરફ આવી જતાં અને તોય મૅનેજ કરવું પડતું. આવા વાતાવરણને લીધે અમે આખી રાત સૂતા નહોતા.’
ટ્રેકિંગના છેલ્લા દિવસે રાત્રે બે વાગ્યે ચડાણ શરૂ કરવાનું હતું. ડૉ. ઝલક યાદ કરે છે, ‘ટ્રેક-લીડર્સે કહી દીધું હતું કે જો ઉપર નહીં ચડાય તો ત્યાં જ રોકાઈ જજો. મારું બૉડી સપોર્ટ નહોતું કરતું, છાતીમાં દુખાવો થતો હતો અને ડર લાગતો હતો કે તબિયત લથડશે તો? જેમ ઉપર જઈએ એમ ઑક્સિજનનું લેવલ ઓછું થતું જાય એટલે આવી તકલીફ થતી જ હોય છે. શરૂઆતમાં હું સ્લો હતી, પણ વચ્ચે મેં ડિસ્ટન્સ કવર કરી લીધું હોવાથી બધા સાથે જ પહોંચી. જે ક્ષણે હું પીક પર પહોંચી ત્યારે એવું ફીલ થયું કે આ વ્યુ તો પૈસા-વસૂલ છે. કોઈ મોટી પદવી હાંસલ કરી હોય એવી અનુભૂતિ થઈ. આ ટ્રેકિંગ ઈઝી નહોતું, પણ એને પૂરું કરવું જ મોટી સિદ્ધિ છે.’
સોલો ટ્રાવેલિંગ મેન્ટલ હેલ્થ માટે અને ઘર કે ઑફિસના રૂટીનમાંથી સ્ટ્રેસ રિલીઝ કરવા માટે અત્યંત જરૂરી છે એવું માનતાં ડૉ. ઝલક કહે છે, ‘જ્યારે તમે નવા માણસોને મળો છો ત્યારે તેઓ તમને જજ નથી કરતા અને તમને પોતાની જાત સાથે રહેવાનો સમય મળે છે. આનાથી તમારી ફિઝિકલ ફિટનેસની પણ કસોટી થાય છે કે તમે કેટલા ફિટ છો અને હજી કેટલી મહેનતની જરૂર છે. મને દર બે-ત્રણ મહિના થાય એટલે ટ્રાવેલિંગનો ડોઝ જોઈએ જ. ૨૦૧૩માં મૉલદીવ્ઝમાં મેં પહેલી વાર સ્કૂબા ડાઇવિંગ અને સ્નૉર્કેલિંગ કર્યું હતું. મને પાણીનો બહુ ડર લાગતો હતો, પણ એ ડરને ભગાવવા મેં મારી જાતને ચૅલેન્જ કરી અને જ્યારે મરીન લાઇફ જોઈ ત્યારે લાગ્યું કે હું કોઈ બીજી જ દુનિયામાં આવી ગઈ છું.’
ટ્રાવેલિંગના લિસ્ટમાં ડૉ. ઝલક સાઉથ ઇન્ડિયામાં બૅન્ગલોર, ઊટી, કોડાઇકેનાલ, કોચી, ગૅન્ગટૉક, દાર્જીલિંગ અને કાશ્મીર, પંજાબ ફરી ચૂક્યાં છે. હવે ફક્ત મધ્ય પ્રદેશ અને સેવન સિસ્ટર્સ જ બાકી છે. ઇન્ટરનૅશનલ ટ્રિપ્સની વાત કરીએ તો સ્વિટ્ઝરલૅન્ડ, પૅરિસ, જિનીવા, બ્રિટન, આયરલૅન્ડ, અમેરિકા, કૅનેડા, હૉન્ગકૉન્ગ, દુબઈ અને બૅન્ગકૉક-ફુકેટમાં હસબન્ડ સાથે ટ્રાવેલ કર્યું છે. લેહ-લદ્દાખ અને રોહતાંગની બાઇક-ટ્રિપ પણ તેમના માટે યાદગાર રહી હતી.
પોતાનું પ્રાઇવેટ ક્લિનિક હોવા છતાં ડૉ. ઝલક પ્રોફેશનલ અને પર્સનલ લાઇફ વચ્ચે સંતુલન જાળવે છે. તેઓ કહે છે, ‘હું જે જગ્યાએ જવાનું હોય એ પ્લેસની પૂરી સ્ટડી કરીને આખી ટ્રિપ જાતે ડિઝાઇન કરું છું અને મારા હસબન્ડ એને ફૉલો કરે છે. પેશન્ટ્સને કોઈ તકલીફ ન પડે એટલે હું તેમને અગાઉથી ઇન્ફૉર્મ કરી દઉં છું.’
કેદારકાંઠા ટ્રેક દરમ્યાન ડૉ. ઝલકે ઘણા નવા મિત્રો બનાવ્યા છે જેમની સાથે તેઓ ભવિષ્યમાં પણ ટ્રિપ્સ કરશે. હવે તેમનો આગામી ટાર્ગેટ એવરેસ્ટ બેઝકૅમ્પ સર કરવાનો છે. જોકે એ પહેલાં આગામી દોઢ મહિનામાં તેઓ પોતાના પરિવાર સાથે ચારધામ યાત્રા પર જવાનાં છે.