સાંચ બરાબર તપ નહીં, ઝૂઠ બરાબર પાપ જાકે હૃદય સાંચ હે, તાકે હૃદય આપ

31 May, 2026 02:04 PM IST  |  Mumbai | Alpa Nirmal

સુરતના કામરેજ વિસ્તારમાં શ્રી સદ્ગુરુ કબીરસાહેબનું મોટું મંદિર આવેલું છે જે કબીરપંથી સાધુ બાબા બરુઆદાસજી મહારાજે નિર્માણ કરાવ્યું છે.

કબીરમઠ

૧૩૯૮માં જન્મેલા કબીરે રચેલાં આવાં સેંકડો ચોટડૂક પદો, છંદો આજે પણ સાંપ્રત છે. હૃદયસોંસરવા ઊતરી જતા તેમના દોહાઓ હજી પણ સમકાલીન લાગે છે તથા ધાર્મિક કથાકારો, વિદ્વાનો અવારનવાર કબીરવાણીને 

પોતાના પ્રવચન કે આખ્યાનમાં વણે છે. અંધવિશ્વાસ, પાખંડ અને જાતિ-પાતિનાં બંધનો તોડીને સમાજને સચ્ચાઈ, સમાનતા તથા પ્રેમનો સંદેશ આપનારા સંત કબીર હિન્દુ હતા કે મુસ્લિમ એ વાતે જેમ મતમતાંતર છે એ જ રીતે તેમના જન્મદિવસ અને વર્ષની બાબતે પણ ભિન્ન-ભિન્ન માન્યતાઓ છે. એક પંથ અનુસાર કબીરનો જન્મ જ્યેષ્ઠ મહિનાની પૂર્ણિમાએ થયો હતો. એ મુજબ આજે કબીર જયંતી છે. આ પર્વના અન્વયે જઈએ વારાણસીમાં આવેલા કબીર મંદિરે

આજે આપણે ધાર્મિક પરંપરામાં ​ફિટ બેસે એવા દેવાલય નથી જઈ રહ્યા, આજે એક સંતના જન્મસ્થળની માનસયાત્રા કરવાની છે જેમણે ભગવાનની ભક્તિમાં થતા બાહ્ય આડંબરને ખંખેરીને આંતરિક શુદ્ધિ વિકસાવવાની વાત કરી છે; વર્ણભેદને નષ્ટ કરીને દરેક મનુષ્ય સાથે ભાવનાત્મક સંબંધ વિકસાવવાની વાત કરી છે; સ્નાન, ટીલાં, ટપકાં આદિ બાહ્ય પરિવેશનો ત્યાગ કરીને માંહ્યલામાં ઈમાનદારી, વિનમ્રતા, આધ્યાત્મિકતા વિકસાવવાની વાત કરી છે. યસ, આ કબીરજીની ફિલોસૉફી છે અને એનાં સ્પંદનો ઝીલવા જઈએ બનારસના કબીર ચોક પાસે આવેલા કબીર મંદિરે.

બનારસ શહેરની સાંકડી-પાતળી ગલીઓના એક છેડે વિશાળ ચોક આવેલો છે જેનું નામ છે કબીર ચૌરાહા. અહીં આવેલો કબીર ચૌરામઠ કબીરજીની કર્મભૂમિ, સાધનાસ્થળી, ઉપદેશસ્થળી છે. કહે છે કે અહીંથી ૬ કિલોમીટર દૂર લહરતારા તળાવ પાસે કબીરનો જન્મ થયો. કયા પરિવારમાં જન્મ્યા, તેમનાં માતા-પિતા કોણ એ વાત રહસ્ય છે; પરંતુ ત્યાંથી નીરુ-નીમા નામનું યુગલ તે બાળકને અહીં લઈ આવ્યું અને તેમણે બાળકબીરનો ઉછેર કર્યો. પાલક માતા-પિતા વ્યવસાયે વણકર. આથી કિશોર કબીર પણ કાપડવણાટનું કામ કરવા લાગ્યા અને રેશમ-કપાસના તાણાવાણા ગૂંથતાં-ગૂંથતાં જ તેમનામાં અધ્યાત્મ જિજ્ઞાસા જાગી અને તેમણે વૈષ્ણવ સંત સ્વામી રામાનંદજી સાથે રહીને શિક્ષા લીધી. જોકે કબીર ૧૩ વર્ષના થયા ત્યારે રામાનંદજીનો દેહાંત થયો. એ પછી બીજા કોઈ ગુરુ પાસે ગયા વગર તેઓ પ્રેમભક્તિનાં એક પછી એક પદો રચવા લાગ્યા. ચરખો ફેરવતાં-ફેરવતાં તેઓ છંદો બોલતા. લોકબોલીમાં સહજ રીતે બોલાતા આ છંદોમાં એટલી સચ્ચાઈ હતી કે આજુબાજુના લોકોને એ સ્પર્શી જતી અને તેઓ કબીર પાસે આવી તેમનાં પદો સાંભળવા લાગ્યા. આમ સત્સંગની શરૂઆત થઈ. દિવસે-દિવસે કબીરના દોહાઓની ખ્યાતિ એવી વધી કે તેમની ઝૂંપડી નાની પડવા લાગી. સત્સંગપ્રેમીઓએ બાજુમાં જ વિશાળ ચબૂતરાનું નિર્માણ કર્યું અને કબીરદાસ અહીં બેસીને લોકોને બોધ આપવા લાગ્યા. હા, આજે પણ એ ચબૂતરો અહીં હયાત છે અને એ વૃક્ષ, એનું થડ, મૂળ શાખાઓ કબીરવાણીના સાક્ષી છે. અહીં આવતા શ્રદ્ધાળુઓ અચૂક અહીં બેસે છે અને ગુરુનો સાક્ષાત્કાર કરે છે.


કબીર બીજક મંદિર

૧૨૦ વર્ષની આયુમાં કબીરજી અનેક ઠેકાણે ગયા. ગામે-ગામે જઈને મનુષ્યોને ભક્તિ, જ્ઞાન, કર્મ તથા માનવતાનો સંદેશ આપ્યો. જોકે વધુ સમય તેઓ આ સ્થળે રહ્યા એટલે કબીરપંથીઓ માટે આજે આ સ્થાન સિદ્ધપીઠ છે. દેશ-દુનિયાથી અનેક ભક્તજનો, દર્શકો, પર્યટકો કબીરજીની વાણીથી અભિભૂત થઈને આ મઠનાં દર્શનાર્થે આવે છે અને કાશીની શોરબકોર કરતી તંગ ગલીઓમાં શાંતિ, સુકૂન અને ઊર્જાશક્તિનો અનુભવ કરે છે. મઠના પરિસરમાં એક મોટું ત્રિશૂળ છે જે નામી ગોરખપંથી સંતે ભેટ કર્યું છે. એક ઓરડીમાં કબીરજીની મૂળ ગાદી છે, ચરખો છે જેનાં દર્શન કરીને ભાવિકો પ્રદક્ષિણા કરે છે. આ ઉપરાંત અનેક પ્રકારના દુહાને તાદૃશ કરતાં સ્કલ્પ્ચરો પણ અહીં છે. આ જ પરિસરમાં ગુરુ રવિદાસ મહારાજની દેરી પણ છે. પંજાબ તેમ જ હરિયાણાના ભક્તો અહીં અચૂક માથું ટેકવા આવે છે.

સંત કબીર વિશે વધુ જાણો

ભારતના રહસ્યવાદી કવિ અને સંત કબીરના નામનો અર્થ થાય છે મહાન. ઇસ્લામમાં અલ્લાહનું એક નામ છે અલ-કબીર અર્થાત્ મહાન.

કબીરને સ્વામી રામાનંદજીએ દીક્ષા આપી હતી, પરંતુ કબીરે ક્યારેય સંન્યાસ ધારણ ન કર્યો. તેઓ સંસારમાં ચિંતનશીલ ગૃહસ્થ તરીકે રહ્યા. જોકે તેમણે વિવાહ કર્યા હતા કે નહીં એ વિશે કોઈ માહિતી નથી.

કબીરજીએ હિન્દુ અને ઇસ્લામ બેઉ ધર્મોમાં પ્રચલિત રૂઢિઓનો વિરોધ કર્યો છે. કુરાન તથા વેદોને ત્યાગી તેમણે સરળ અને પ્રાકૃતિક માર્ગે ઈશ્વર મેળવવાની વાતો કરી છે. એમાંય હિન્દુની સામાજિક જાતિવ્યવસ્થા તથા મૂર્તિપૂજાનો વિરોધ કરીને તેમણે બ્રાહ્મણો, રાજાઓ સાથે વેર વહોરી લીધું હતું. એ જ રીતે કાજી તથા સુલતાનોએ પણ તેમને ક્યારેય માન્ય રાખ્યા નહોતા

અવધી, વ્રજ, ભોજપુરી જેવી લોકબોલીઓમાં રચેલાં કવિતાઓ, દોહા, પદો, છંદમાં કબીરે સંક્ષિપ્ત અને સહજ શૈલીમાં ઈશ્વર-મિલન માટે હૃદય, વર્તન, વિચાર શુદ્ધ અને સાત્ત્વિક બનાવવાનો ઉપદેશ આપ્યો છે. તેમની ચિંતનશીલ રચનાઓ આપણા ચેતાતંત્રને અંદરથી ઢંઢોળે એવી ચોટડૂક છે.


કબીર ચૌરાહા

સિખ ધર્મગ્રંથ ગુરુ ગ્રંથસાહિબમાં કબીરજીની અનેક રચનાઓ સમાવાઈ છે અને સંગીતક્ષેત્રની વાત કરીએ તો ભારત અને પાકિસ્તાનના અનેક શાસ્ત્રીય ગાયકો, સૂફી ગાયકો, કવ્વાલો, લોકગાયકો તેમના સંગીતમાં પહેલાં પણ કબીરના દોહાઓ સમાવતા હતા અને આજે લેટેસ્ટ મ્યુઝિકમાં પણ કબીરવાણીનો ભરપૂર ઉપયોગ થાય છે.

ખાસ કરીને પંજાબ અને હરિયાણાના ભક્તો મંદિરના પરિસરમાંથી ચપટી ધૂળ પોતાના ઘરે લઈ જાય છે. તેમના મતે આ માટી ઉપર કબીરજી રહ્યા હતા એટલે હજી પણ તેમના અંશો એ ધૂળમાં જીવિત છે.


કબીર ગલી

આમ તો કબીરજીનું નિર્વાણ ઉત્તર પ્રદેશના મગહર ગામમાં થયું અને ત્યાં તેમની અંતિમવિધિ થઈ (જોકે એમાં પણ તેમના પાર્થિવ શરીરને હિન્દુ પરંપરા અનુસાર દાહ્ય સંસ્કાર કરવો કે ઇસ્લામિક ધર્મ મુજબ દફન કરવું એ વિષયે કાફી ચર્ચા-વિચારણા થઈ હતી અને અંતે બેઉ પંથોએ પોતાની માન્યતા મુજબ કબીરજીની અંતિમ વિધિ કરી હતી), પરંતુ મગહરથી તેમના કેટલાક અવશેષો બનારસના આ મઠમાં લવાયા છે અને સમાધિ મંદિરમાં મુકાયા છે. સમાધિ મંદિરની સામે બીજક મંદિર છે. બીજક કબીરજીનો મૂળ ગ્રંથ છે. એ ગ્રંથ ઉપરાંત તેમના અંગત વપરાશની કેટલીક વસ્તુઓ આ મંદિરમાં રખાઈ છે. બાજુના પરિસરમાં કબીરજીનું ઓરિજિનલ ઘર તથા તેમનાં પાલનહાર માતા-પિતા નીરુ-નીમાની સમાધિ છે. એમાં થોડાં વર્ષો પૂર્વે એક હાઈ-ટેક ઝૂંપડી બનાવવામાં આવી છે જેમાં કબીરજીના જીવન, વાણી વિશેનાં ઑટોમેટેડ દૃશ્યો અને બનાવો જોવા મળે છે.

ઉત્તર પ્રદેશના ગોરખપુરથી પચીસ કિલોમીટર દૂર આવેલા કબીરજીના નિર્વાણસ્થળ મગહરમાં હિન્દુઓએ બાંધેલી કબીરજીની સમાધિ અને મુસ્લિમોએ બાંધેલી મજાર જસ્ટ ૧૦૦ મીટરના અંતરે છે. મકરસંક્રાન્તિએ સમાધિસ્થળે મોટો મેળો ભરાય છે ત્યારે હજારોની સંખ્યામાં કબીરપંથીઓ અહીં દર્શનાર્થે આવે છે.

હવે વાત કરીએ કબીર પંથની તો કબીરજીના પરિનિર્વાણ બાદ તેમના ઉત્તરાધિકારી શિષ્ય આચાર્ય સુરતિ ગોપાલજીએ કબીર પંથની વિધિવત્ સ્થાપના કરી અને તેમના શિષ્યોએ દેશ-વિદેશમાં કબીર ફિલોસૉફીને પહોંચાડી. એ ઉપદેશ ભક્તોને એવો માર્મિક તથા તાર્કિક લાગ્યો કે દેશના અલગ-અલગ વિસ્તારોમાં કબીરપંથના અનુયાયીઓ બન્યા તથા મઠો બન્યા. જોકે પંથનું મુખ્યાલય આજે પણ વારાણસીનો કબીર મઠ જ છે. હવે તો અહીં કબીરપંથનું અધ્યયન કરવા બાકાયદા વિદ્યાપીઠ પણ બની છે જ્યાં રહીને અનેક બાળકો અને યુવાનો કબીર ફિલોસૉફી વિશે ભણે છે અને સંત બને છે. આજે વિશ્વભરમાં કબીર પરંપરા ફૉલો કરતા ૯૬ લાખથી વધુ ભક્તો છે અને કબીરપંથી સંતની ચોવીસમી પેઢી ચાલે છે. વિશ્વનાથજીની નગરી કાશી કેવી રીતે જવું? ક્યાં રહેવું? શું ખાવું? આ બધી માહિતી આપવાની હવે જરાય જરૂર નથી, કારણ કે બનારસ નગર હવે વિશ્વફલક પર ચમકી રહ્યું છે. ભારતીઓ તો ખરા જ, વિદેશીઓ પણ આ શિવનગરીના ગળાડૂબ પ્રેમમાં પડી ગયા છે.

travel travel news travelogue varanasi alpa nirmal gujarati mid day lifestyle news life and style columnists