પર્વત સાથે જ્યારે પહેલી નજરનો પ્રેમ થઈ જાય

11 December, 2025 02:15 PM IST  |  Mumbai | Jigisha Jain

આજે ઇન્ટરનૅશનલ માઉન્ટન ડે છે ત્યારે મળીએ એવા લોકોને જેમને પર્વતથી પહેલી નજરનો પ્રેમ થઈ ગયો છે અને આ પ્રેમને તેઓ શાશ્વત ગણે છે

પ્રતીકાત્મક તસવીર

ઘણા લોકો પ્રકૃતિપ્રેમી હોય છે અને એમાં પણ ખાસ પહાડપ્રેમી. આ એ લોકો છે જેમને પહાડનો પોકાર સંભળાય છે. મુંબઈના વ્યસ્ત જીવનમાંથી સમય કાઢીને થોડા-થોડા સમયે તેઓ પર્વતો તરફ દોટ મૂકે છે. ત્યાં જઈને તેમના મનને જ નહીં, આત્માને પણ ઠંડક પહોંચતી હોય છે. આજે ઇન્ટરનૅશનલ માઉન્ટન ડે છે ત્યારે મળીએ એવા લોકોને જેમને પર્વતથી પહેલી નજરનો પ્રેમ થઈ ગયો છે અને આ પ્રેમને તેઓ શાશ્વત ગણે છે.

પહાડોમાં પહેલી વાર મને મારા ધબકારા જોરથી સંભળાયા અને મને સમજાયું કે આ પ્રેમ છે : મયૂર મહેતા, ૩૭ વર્ષ, શૉર્ટ ફિલ્મમેકર, અંધેરી

મારા જીવનમાં પહાડોએ એન્ટ્રી ઘણી મોડી મારી. મમ્મી-પપ્પા સાથે નાનપણમાં ફરવા ગયેલો પણ મસૂરી જેવી જગ્યાએ ગયેલો એટલે ખાસ કોઈ આકર્ષણ સમજાયું નહીં. પર્વતો અને પર્વતો માટેનો પ્રેમ મારા જીવનમાં ૨૯ વર્ષે આવ્યા. પણ આજે એ હાલ છે કે હું પર્વતોના ગળાડૂબ પ્રેમમાં છું. હું એક ઍક્ટર છું, લેખક છું, ફિલ્મો બનાવું છું અને મારી ક્રીએટિવિટીની પરાકાષ્ઠા પર્વતો પાસેથી જ હું પ્રાપ્ત કરું છું.

હું મારી પહેલી ફિલ્મ ‘માય ફ્રેન્ડ્સ દુલ્હનિયા’ કરી રહ્યો હતો. એના શૂટિંગ માટે અમે પહેલી વાર કાશ્મીર ગયેલા. ત્યાં મારી સાથે એક ઍક્ટર હતો જે મારી પાસે કાશ્મીરના પહાડોનાં ખૂબ વખાણ કરતો હતો. તે મને કહેતો હતો કે ભાઈ, ત્યાં જઈએ તો એટલી શાંતિ હોય કે તમે તમારા ધબકારા સાંભળી શકો. મને લાગ્યું કે તે લવારી કરે છે. એમ ધબકારા સંભળાતા હશે? પણ તે મને પરાણે ત્યાં ફરવા લઈ ગયો. એ પહેલી વાર હતી જ્યારે મેં બરફથી ઢંકાયેલા પહાડો જોયા. હું એના સૌંદર્યમાં ખોવાઈ ગયો. અમે ઊંડાણમાં જતા ગયા. એ એવી જગ્યાઓ હતી જે સામાન્ય કાશ્મીર ફરવા જનારા લોકોએ જોઈ જ નહીં હોય. એ જગ્યાઓને હું પલક ઝપકાવ્યા વગર બસ જોતો જ રહી ગયો અને અચાનક મેં અનુભવ્યું કે મને મારા ધબકારા સંભળાય છે. મને તો સમજાયું જ નહીં કે આ શું થઈ ગયું. લોકો કહે છે કે તમે પ્રેમમાં હો ત્યારે હૃદય જોરથી ધબકવા લાગે. આ પર્વતોની શાંતિ હતી કે તેમના માટેનો અચાનક જાગૃત થનારો પ્રેમ, પણ ધબકારા તો સંભળાતા હતા.

એ પછી વર્ષમાં ત્રણથી ચાર વાર હું ટ્રેકિંગ કરવા નીકળી જાઉં છું. હિમાચલ પ્રદેશ, સિક્કિમ, દાર્જીલિંગ, ઊટી, ઉત્તરાખંડ તરફ દોટ લગાવું છું. મેં મારી પહેલી ફિલ્મ ‘યાવર’ પહાડોમાં જઈને લખી. મુંબઈમાં જે કામ થતાં ૧૫ દિવસ લાગે એ જ પહાડોમાં ૪ દિવસમાં થઈ જાય છે. મુંબઈમાં કલાકો સેકન્ડની જેમ પસાર થાય છે અને પહાડોમાં ૧૫ મિનિટ પણ એક કલાક જેવી લાગે છે એટલે કામ વધુ થઈ શકે છે. મારો પ્લાન એ જ છે કે હું ૧૦-૧૫ વર્ષ મુંબઈમાં કામ કરીશ અને કમાઈને પહાડોમાં એક ઘર બનાવીશ. ત્યાં જ રહીશ.

એક વાર તો એવું પણ થયું કે હું કાશ્મીરમાં ટ્રેકિંગ દરમિયાન પડ્યો. એવી રીતે ખાઈમાં પડ્યો કે મારા મિત્રોને લાગ્યું કે આ તો પાછો નહીં આવે, પણ એક નાના પથ્થરની આડે હું બચી ગયો. એ પથ્થર જોઈને કોઈ કહી ન શકે કે આનાથી હું બચી ગયો. પ્યાર મેં ઇન્સાન ગિરતે હૈં, ચોટ ભી ખાતે હૈં પર પ્યાર કરના નહીં છોડતે, એના જેવું છે. આ બનાવથી હું ગભરાયો નહીં, ઊલટો પર્વતોના વધુ પ્રેમમાં પડી ગયો. એ પ્રેમ એટલો પાકો નીકળ્યો કે મારી તો પત્ની પણ પહાડી છે. અમે બન્ને બસ સપનું જોઈએ છીએ કે ક્યારે એવું થાય કે બસ, જીવન પહાડોમાં વિતાવવા જતાં રહીએ. 

પહાડો  સાથે કનેક્શન ન હોય તો પણ ચોમાસામાં સહ્યાદ્રિના કોઈ ટ્રેક પર પહોંચી જાઓ, પ્રેમ થઈ જ જશે એની ગૅરન્ટી : રચિત શાહ, મલાડ, ૨૦ વર્ષ, સ્ટુડન્ટ

જેમને પર્વતો સાથે કોઈ લેવાદેવા નથી એ વ્યક્તિ સહ્યાદ્રિના કોઈ પણ સાદામાં સાદા ટ્રેક પર ચોમાસામાં એક વખત જઈ આવે તો એ શક્ય જ નથી કે તે પહાડોના પ્રેમમાં ન પડે. મારી સાથે એ થયું છે એટલે હું એમ કહી શકું. હું માંડ ૧૬-૧૭ વર્ષનો હતો. મારા માસાએ મને કહ્યું કે ચાલ, આપણે નાનેઘાટ જઈ આવીએ. હું એ પહેલાં ક્યારેય ટ્રેક કરવા ગયેલો નહીં. મેં તેમને પહેલાં તો ના પાડી પણ પછી થયું કે જઈ આવું. ચોમાસામાં સહ્યાદ્રિની સુંદરતા તમને એક બીજા જ વિશ્વમાં લઈ જાય છે. મને ખૂબ મજા આવી. તરબોળ વરસાદમાં લીલીછમ ધરતી અને પહાડ ચડવાનું જરાય સરળ નથી. ગમે ત્યારે લપસી પડાય, પણ સાચું કહું તો એની જ મજા છે. એ પોતાનામાં એક એવો અનુભવ છે કે એ લેવા માટે અઢળક મુંબઈકરો પ્રેરાય છે. હું પણ તેમનામાંથી એક બનીને ગયો અને પર્વતોના પ્રેમમાં પડી ગયો.

નાનેઘાટ ટ્રેક પછી તો ટ્રેક પર જવું એક રિવાજ બની ગયો. ચોમાસાના ચાર મહિના જ નહીં, શિયાળાના ચાર મહિના પણ પૂરા વસૂલ કરતો થઈ ગયો. મહારાષ્ટ્રનાં કેટલાંય ફોર્ટ, વૉટરફૉલ, જંગલ ફરી વળ્યો છું. એ પણ એક-એક વાર નહીં, ઘણી-ઘણી વાર. પર્વત એક જ હોય પણ એને જેટલી વાર સર કરીએ દર વખતે એક જુદો આનંદ આપે.

પર્વત સર કરતા જાઓ અને નવા-નવા અનુભવો તમને થતા જાય છે. કોઈ એક નવું ઝરણું ફૂટેલું નજરે ચડે અને તમે ત્યાં એની પાસે કલાક બેઠા રહો તો ત્યાં કોઈ કૂતરા રૂપે એક નવો મિત્ર મળી જાય જે ચોટી પર પહોંચો ત્યાં સુધી તમારો સાથ આપે. વરસાદમાં નહાવું જુદું અને ઝરણાના ફોર્સ સાથે આવતા પાણીમાં નહાવું જુદું. પર્વતો પરનાં મંદિરોમાં પણ એકદમ જુદો ભાવ જાગે. પર્વતની કિનાર જે ખાઈને અડીને હોય એના પર બેસીને ડેરિંગ કરવાની મજા જુદી. રાત્રે વળી પર્વતો ખૂબ જુદા દેખાય. આમ પર્વત ચડો એટલે ચારે બાજુ બસ કુદરતની કૃપા વરસતી હોય એમ લાગે. આવા આહ્‍લાદક અનુભવો પર્વતો આપણને આપે ત્યારે કેવી રીતે એનાથી પ્રેમ ન થાય?

પહાડો તમને બોલાવે છે એ મેં ફક્ત સાંભળ્યું હતું, એ દિવસે અનુભવ્યું : વંશ શાહ, થાણે, ૨૨ વર્ષ, ટૂર-મૅનેજર

હું જૈન છું અને પાલિતાણા તો અમે જતા જ હોઈએ છીએ. ૨૦૨૧માં હું ૧૯ વર્ષનો હતો અને ૯૯ ગામની જાત્રા કરીને આવેલો. જાત્રા કરવા વ્યક્તિ જાય ત્યારે તેના મનમાં ભક્તિ હોય છે. એટલે પર્વતો સાથેનું કનેક્શન સધાય કે નહીં, પણ ભગવાન સાથેનું કનેક્શન સધાઈ જાય. એટલે આ ઉંમર સુધી ભલે હું પર્વતો ચડ્યો પણ મને એ કરવામાં ખૂબ મજા આવે છે એવું હું નહોતો સમજી શક્યો. પાલિતાણાથી આવ્યો ત્યારે મને ખબર પડી કે એક ગ્રુપ ઉત્તરાખંડનો ગુલાબી કાંઠા ટ્રેક કરવા જઈ રહ્યું છે અને હું જોડાઈ ગયો. મારો એ પહેલો ટ્રેક એટલે મને કંઈ ખાસ ખબર નહોતી. ડિસેમ્બરનો સમય હતો. અમે અમારા બેઝ-વિલેજમાં ઊતર્યા હતા. ત્યાંથી કૅમ્પ-૧ અને કૅમ્પ-૨ સર કરીને નીચે આવી જવાનું હતું. અંધારામાં જ અમે ચડવાનું શરૂ કરી દીધું હતું. ઉપર ચડીને જ્યારે સૂરજને ઊગતો જોયો ત્યારે એ સુંદરતા આખી મનમાં ઊતરી ગઈ. હું ત્યાં જ બેસી રહ્યો. આ એ જગ્યા હતી જ્યાં કોઈ નેટવર્ક નહીં, કોઈ અવાજ નહીં, કોઈ પ્રદૂષણ નહીં. બધું એકદમ સાફ અને સુંદર. એ ક્ષણે કંઈક એવું થયું જે મારી અંદર પહાડો માટે પ્રેમ જગાવી ગયું. મને એ કૉલિંગ સમજાયું. પહાડો તમને બોલાવે છે એ પહેલાં મેં ફક્ત સાંભળ્યું હતું, પણ આ ટ્રિપમાં મેં એ અનુભવ્યું.

ગુલાબી કાંઠા પછી મેં કેદારકાંઠા ટ્રાય કર્યું. ત્યાં હું બે વાર જઈ આવ્યો. આ સિવાય કુઆરી પાસ, પેન્ગરચુલ્લા અને કાશ્મીર ગ્રેટ લેક્સ પણ મેં સર કર્યું. મનાલીના અટલ બિહારી બાજપેયી ઇન્સ્ટિટ્યૂટ ઑફ માઉન્ટેનિયરિંગ ઍન્ડ અલાઇડ સ્પોર્ટ્‍સમાંથી મેં પર્વતારોહણનો કોર્સ કર્યો જ્યાં મેં કુલ વૅલીમાં આવેલા ૧૭,૨૦૦ ફુટ ઊંચાઈના શિતિધર શિખરના બેઝ-કૅમ્પ સુધી ટ્રેકિંગ કર્યું. દુનિયાનાં સૌથી અઘરાં શિખરોમાં સ્થાન પામતા નેપાલના અમા ડબલામ શિખરને ગયા મહિને મેં સર કરવાનો પ્રયત્ન કર્યો. આવો પ્રયત્ન કરનાર હું સૌથી યુવાન ભારતીય હતો. સર ન કરી શક્યો એનો મને અફસોસ છે, પણ પર્વતો તમને ખાલી હાથે પાછા નથી મોકલતા, એ તમને આપે છે ઘણા અનુભવોનું ભાથું. એ તમને સમજાવે છે કે પ્રયત્ન કરવો એ જ સૌથી મોટી ચૅલેન્જ છે.

પહાડ તમને અહેસાસ દેવડાવે છે કે તમે અંદરથી કેટલા સ્ટ્રૉન્ગ છો અને જો તમે ન હો તો એ તમને સ્ટ્રૉન્ગ બનાવે છે. પહાડોએ મને જે છે એમાં ખુશ રહેતાં શીખવ્યું છે. પહાડોનું જીવન મિનિમલિસ્ટ હોય છે. ઓછા સામાનમાં તમારે ચલાવવાનું હોય છે જેને કારણે જીવનમાં દરેક વસ્તુ માટે તમને કૃતજ્ઞતા જાગે છે. એક ઘૂંટ પાણીની પણ તમને કદર થાય જ્યારે તમે ચડતા હો અને લિમિટેડ પાણીમાં ચલાવવાનું હોય. એક નાનકડી બૅગમાં સૂઈ જવાનું હોય. આ બધું દરેક વ્યક્તિ કરી શકે નહીં. 

પર્વતપ્રેમી છો તો આ પ્રેમ તમારી પર્સનાલિટી બાબતે શું કહે છે?

તમે કઈ વસ્તુ પસંદ કરો છો એના આધારે તમારી પર્સનાલિટી વિશે સમજી શકાય છે. એટલે મોટે ભાગે લોકો પૂછતા હોય છે કે તમને બીચ ગમે કે પર્વતો? કારણ કે બીચ ફરવા જવાનું અને પર્વત ચડવા જવાનું બન્ને પરિસ્થિતિ એકબીજાથી ઘણી અલગ છે. બન્ને કુદરતનાં જુદાં રૂપો છે. રિસર્ચ ઇન પર્સનાલિટી નામની જર્નલમાં જણાવવામાં આવ્યું છે કે જેમને પર્વતો ગમતા હોય એ વ્યક્તિમાં આ લાક્ષણિકતાઓ જોવા મળે છે.

તમને આત્મનિરીક્ષણ કરવું ખૂબ ગમતું હોય : પર્વતોમાં જઈને લોકો ધ્યાન કરે, જ્ઞાન પ્રાપ્ત કરે. જેટલા પણ લોકો મોક્ષે ગયા છે એ પર્વતો પર ધ્યાન કરતા હતા. ચોવીસ તીર્થંકર બધા પર્વતો પર જ ધ્યાન કરતા. શિવ ભગવાનનો તો નિવાસ જ પર્વત છે જ્યાં તે સમાધિમાં લીન રહેતા હોય છે. મોક્ષ સુધી તો પહોંચી શકો કે નહીં, પણ પર્વતોમાં એવું કંઈ તો છે જે તમને આત્મજ્ઞાન તરફ વાળે છે.

તમને શાંતિ અને એકલતા ગમે છે : જો તમને પર્વતો ગમતા હોય તો તમારા માટે શાંતિ અત્યંત મહત્ત્વની છે એમ કહી શકાય. પર્વતો પર બાહ્ય જ નહીં, આંતરિક શાંતિની ખોજ માટે વ્યક્તિ જતી હોય છે. જો એવી કોઈ ખોજ ન પણ હોય તો પણ પર્વત પર જઈને દરેક વ્યક્તિને એ શાંતિ પ્રાપ્ત થાય જ છે જે તમારા મન અને આત્માને રીચાર્જ કરી દે છે. મુંબઈમાં એવા ઘણા લોકો છે જે થોડા-થોડા સમયે સહ્યાદ્રિ તરફ દોટ મૂકે છે એનું કારણ શાંતિ અને એકલતા જ હોય છે.

તમે એકદમ જમીનથી જોડાયેલા એવા સ્થિર અને વિચારશીલ : જેમને દરિયો ગમતો હોય એ દરિયાની જેમ વહેતી વ્યક્તિ હોય પણ જેને પર્વત ગમતો હોય તેને સ્થિરતા ગમતી હોય છે. અડગ હોય છે. તેમને સરળતાથી કોઈ હલાવી શકતું નથી. વળી પર્વત તમારી અંદર એક સંવાદ ઊભો કરે છે. આવી વ્યક્તિઓ ઘણી વિચારશીલ હોય છે. મોટા ભાગના લેખકો પહાડમાં જઈને લખતા હોય છે એનું કારણ આ હોઈ શકે. 

તમને સરળતામાં સુંદરતા શોધતાં આવડતી હોય છે : જેને પર્વતો ગમતા હોય એ વ્યક્તિ ખૂબ સરળ પણ હોય છે. નાની વસ્તુઓમાં ખુશ રહેતાં તેમને આવડે છે. મોટા ભાગના પહાડી લોકોનો સ્વભાવ સરળ અને સુંદર જોવા મળે છે.

બીચ અને પર્વત બન્ને ગમતા હોય તો?

જેમને સમુદ્ર ગમતો હોય એ પર્વત ગમતા હોય એના કરતાં તદ્દન જુદી વ્યક્તિ હોય છે એવું આ જર્નલ કહે છે. પણ એવો એક મોટો વર્ગ છે જેને પર્વતો પણ ગમે અને બીચ પણ એટલો જ ગમે. તો તેમના માટે જર્નલમાં લખ્યું છે કે આવા લોકો કુદરત સાથે અનુકૂલન સાધનારા છે, પાણી જેવા હોય છે, જે વાસણમાં નાખો એના જેવો આકાર લઈ લે છે. આવા લોકો વધુ સારું જીવન 
જીવતા હોય છે કારણ કે દરેક પ્રકારની પરિસ્થિતિમાં તે જીવવાનું જાણે છે. એવું પણ બને કે જીવનના એક સમયે તમને પર્વતો ખૂબ વધુ ગમતા હોય તો એ સમય પૂરતા તમે આ પ્રકારની પર્સનાલિટી ધરાવતા હો. ખાસ કરીને બાળપણ અને યુવા અવસ્થામાં લોકોને પર્વતો વધુ ગમતા હોય છે. એટલે નહીં કે તે ત્યાં ચડી શકવાની ક્ષમતા ધરાવે છે, પણ એટલે કારણ કે તે જીવન શરૂ કરી રહ્યા હોય ત્યારે આત્મનિરીક્ષણ ઘણું મહત્ત્વનું પાસું બની જતું હોય છે.

travel travelogue travel news life and style lifestyle news columnists Jigisha Jain