midday

આજકાલ પ્રેમના નામે લોકો પોતાનું જીવન બરબાદ તો નથી કરી રહ્યાને?

21 March, 2025 07:03 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

પ્રેમ માણસને વિશુદ્ધ કરનારો પદાર્થ છે. આંતર અને બાહ્ય શુદ્ધિ માટે પ્રેમ બહુ જરૂરી છે. આજના સાંપ્રત સમયમાં પ્રેમને ઘણો બદનામ કરી દીધો છે, પ્રેમ સર્વત્ર છે.
પ્રતીકાત્મક ફાઈલ તસવીર

પ્રતીકાત્મક ફાઈલ તસવીર

આપણે ત્યાં પ્રેમના સંબંધને અતૂટ માનવામાં આવ્યો છે. જ્યારે પણ માણસ પ્રેમથી જોડાય ત્યારે જોડ બેજોડ થઈ જાય, પરંતુ અત્યારના સાંપ્રત સમયમાં જોઈએ તો માત્ર ને માત્ર આકર્ષણને આપણે પ્રેમ માની બેઠા છીએ. આકર્ષણ હોય તો એ ખંડન થવાની સંભાવના છે, આકર્ષણ હોય તો એ તૂટવાની સંભાવના છે, આકર્ષણ હોય તો એ ઘટવાની સંભાવના છે, તો આપણે વિચારવું રહ્યું કે આપણે જે લોકો સાથે જોડાયા છીએ એ આકર્ષણથી જોડાયા છીએ કે પ્રેમથી જોડાયા છીએ.

 પ્રેમ માણસને વિશુદ્ધ કરનારો પદાર્થ છે. આંતર અને બાહ્ય શુદ્ધિ માટે પ્રેમ બહુ જરૂરી છે. આજના સાંપ્રત સમયમાં પ્રેમને ઘણો બદનામ કરી દીધો છે, પ્રેમ સર્વત્ર છે. બધા જ સંબંધોમાં પ્રેમ મુખ્ય છેઃ માતા-પુત્રનો સંબંધ હોય, પિતા-પુત્રનો સંબંધ હોય, પતિ-પત્નીનો સંબંધ હોય, પિતા-પુત્રીનો સંબંધ હોય, ભાઈ-ભાઈનો સંબંધ હોય, પાડોશી-પાડોશીનો સંબંધ હોય કે ગુરુ-શિષ્યનો સંબંધ હોય... પ્રેમ અનિવાર્ય છે.

આજકાલ થોડા પ્રશ્નો જાગે કે આપણે પ્રેમ કરવાનો દાવો તો કરીએ છીએ, પણ શું આપણે આપણા પ્રેમીને સમજીએ છીએ? શું આપણે આપણા પ્રેમી પર ભરોસો કરીએ છીએ? શું આપણામાં વિશ્વાસ કે દૃઢતા છે? જો નથી તો એ પ્રેમ ખોખલો છે અને એને માટે એક જ શબ્દ વાપરી શકાય કે એ પ્રેમ નથી, માત્ર ને માત્ર સ્વાર્થ છે. આજે પાશ્ચાત્ય સંસ્કૃતિમાં લિવ-ઇન રિલેશનશિપમાં રહેવાની એક ફૅશન જાગી છે અને એ હવે આપણા ભારતમાં પણ ધીમે-ધીમે પ્રસરી રહી છે, જેમાં બન્ને લોકો ક્યારેક એકસાથે રહેવાનું શરૂ કરી દે અને જ્યારે ઇચ્છા પડે ત્યારે પાછા અલગ થઈ જાય. શું આ પ્રેમ છે? પ્રશ્નાર્થ તો જાગે, કારણ કે આપણાં શાસ્ત્રોએ કહ્યું છે કે પ્રતિક્ષણ વધે એને પ્રેમ કહેવાય, રોજ ઘટે એને પ્રેમ ન કહેવાય. જેને પ્રેમ કરીએ છીએ તેની ચિંતા, તેની કદર, કાળજી અને તેના પ્રત્યે સમર્પણવૃત્તિ હોય; તેના પર ભરોસો હોય. આ બધાં પ્રેમનાં પૂરક અંગ છે. આ વાત આપણે સૌએ સાથે મળીને વિચારવી રહી.

અંગ્રેજીમાં એક કહેવત છે જે મને બહુ ગમે છે : લવ ઇઝ ગૉડ. જો પ્રેમ પરમાત્મા હોય તો જતો કેમ રહે છે. આપણે સૌ સાથે મળીને વિચારીએ કે આજકાલ પ્રેમના નામે કોઈ આડંબર તો નથી થતોને,  પ્રેમના નામે આજે લોકો ભોગ તો નથી બની રહ્યાને,  પ્રેમના નામે આજે લોકો પોતાનું જીવન બરબાદ તો નથી કરી રહ્યાને? માત્ર ને માત્ર આકર્ષણને પ્રેમ સમજીને આપણે આપણા વડીલોની અને આપણા પૂર્વજોની અવગણના તો નથી કરી રહ્યાને એ શાંતચિત્તે વિચારીએ.                                        -આશિષ વ્યાસ

relationships sex and relationships life and style columnists gujarati mid-day mumbai