28 May, 2026 01:30 PM IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
પ્રતીકાત્મક તસવીર (તસવીર સૌજન્યઃ એઆઇ)
મેટા (Meta) કંપનીએ આખરે એક મોટી જાહેરાત કરીને ઇન્સ્ટાગ્રામ (Instagram), ફેસબુક (Facebook) અને વોટ્સએપ (Whatsapp) માટે નવા પેઇડ સબસ્ક્રિપ્શન પ્લાન (Meta’s paid subscription) રજૂ કર્યા છે. કંપની દ્વારા આપવામાં આવેલી માહિતી અનુસાર, હવે `પ્લસ` વર્ઝન માટે માસિક ચાર્જ ચૂકવવો પડશે. આ પ્લસ પ્લાન હેઠળ યુઝર્સને નવા અને એક્સક્લુઝિવ (ખાસ) ફીચર્સ મળશે.
મેટાની આ મોટી જાહેરાતની સીધી અસર સોશિયલ મીડિયા (Social Media) અને મેસેજિંગ એપ્સના ઉપયોગ પર પડશે. કંપનીએ આ પ્લાન ભારત સહિત વિશ્વભરના યુઝર્સ માટે રજૂ કર્યા છે. મેટા હવે પોતાની એપ્સ માટે પ્લસ વર્ઝન લોન્ચ કરી રહી છે, જેમાં પૈસા ચૂકવનારા યુઝર્સને એક્સક્લુઝિવ ટૂલ્સ અને કસ્ટમાઇઝેશન ફીચર્સ મળશે, જે મફત વર્ઝન વાપરતા યુઝર્સને આપવામાં નહીં આવે.
મેટાનો આ પ્લાન પોતાની કમાણી વધારવા માટેનો છે. કંપનીના આ પગલાથી એ સ્પષ્ટ થાય છે કે હવે તે આવક (રેવેન્યુ) માટે માત્ર જાહેરાતો પર જ નિર્ભર રહેવા માંગતી નથી અને કંપનીએ કમાણી કરવાનો એક નવો રસ્તો શોધી લીધો છે. હવે કંપની ઈચ્છે છે કે યુઝર્સ પ્રીમિયમ ફીચર્સ, બહેતર અનુભવ અને વધુ ઓડિયન્સ મેળવવા માટે દર મહિને ચૂકવણી કરે.
કંપનીએ ઇન્સ્ટાગ્રામ પ્લસ અને ફેસબુક પ્લસની કિંમત માસિક ૩.૯૯ ડોલર (આશરે રુપિયા ૩૮૭) રાખી છે. જ્યારે વોટ્સએપ પ્લસની કિંમત માસિક ૨.૯૯ ડોલર (આશરે રુપિયા ૨૯૦) નક્કી કરવામાં આવી છે. મેટાએ હજુ ભારત માટે કિંમતોની સત્તાવાર જાહેરાત કરી નથી.
ટેક ક્રંચના અહેવાલ મુજબ, વોટ્સએપ પ્લસની અંદર ઘણા ખાસ ફીચર્સ જોવા મળશે, જેમાં પર્સનાઇઝ્ડ મેસેજિંગ પર વધુ ધ્યાન કેન્દ્રિત કરવામાં આવશે. વોટ્સએપ સબસ્ક્રાઇબર્સને કસ્ટમ થીમ્સ, યુનિક રિંગટોન, પ્રીમિયમ સ્ટિકર્સ અને વધુ ચેટ્સ પિન કરવાની સુવિધા મળશે.
અહેવાલો અનુસાર, ઇન્સ્ટાગ્રામ પ્લસ અને ફેસબુક પ્લસના સબસ્ક્રાઇબર્સને અનેક ખાસ સુવિધાઓ મળશે. ઇન્સ્ટાગ્રામ પ્લસમાં યુઝર્સ સરળતાથી જોઈ શકશે કે તેમની સ્ટોરી કેટલી વાર ફરીથી જોવામાં આવી છે. આ સાથે જ યુઝર્સ `ક્લોઝ ફ્રેન્ડ્સ` ફીચરથી આગળ વધીને અનલિમિટેડ સ્ટોરી ઓડિયન્સ લિસ્ટ બનાવી શકશે અને વ્યુઅર્સ લિસ્ટમાં નામ આવ્યા વગર જ સ્ટોરીનું પ્રિવ્યૂ જોઈ શકશે.
ઇન્સ્ટાગ્રામ પ્લસ હેઠળ યુઝર્સને ૨૪ કલાકથી વધુ સમય માટે પોતાની સ્ટોરી બતાવવાનો ઓપ્શન મળશે. આ ઉપરાંત, દર અઠવાડિયે એક સ્ટોરીને સ્પોટલાઇટ કરી શકાશે જેથી તેને વધુ વિઝિબિલિટી (વધુ લોકો સુધી પહોંચ) મળી શકે. આમાં એક અન્ય સ્પેશિયલ ફીચર પણ છે, જેનાથી યુઝર્સ પોતાની સ્ટોરીના વ્યુઅર્સ લિસ્ટમાં સર્ચ કરી શકશે કે કોણ તેમની સ્ટોરી જોઈ રહ્યું છે.
મેટા તરફથી પ્લસ પ્લાન્સ માટે કેટલાક કોસ્મેટિક અપગ્રેડ પણ સામેલ કરવામાં આવી રહ્યા છે. ઇન્સ્ટાગ્રામ પ્લસ યુઝર્સને એનિમેટેડ સુપર હાર્ટ રિએક્શન, કસ્ટમ એપ આઇકન, બાયો માટે ખાસ ફોન્ટ્સ અને વધુ પ્રોફાઇલ પિન કરવા જેવા ફીચર્સ મળશે.
મેટાના આ નવા સબસ્ક્રિપ્શન પ્લાન `મેટા વેરિફાઇડ` થી તદ્દન અલગ છે. વાસ્તવમાં, મેટા વેરિફાઇડ કંપનીની હાલની પેઇડ સર્વિસ છે, જેમાં આઇડેન્ટિટી વેરિફિકેશન (ઓળખની ચકાસણી) અને કસ્ટમર સપોર્ટ જેવી સુવિધાઓ ઉપલબ્ધ છે.
મેટાની યોજનાઓ માત્ર સોશિયલ મીડિયા એપ્સ પૂરતી સીમિત નથી. કંપનીએ `Meta One` નામે AI, ક્રિએટર્સ અને બિઝનેસ પર કેન્દ્રિત પ્લાન પણ રજૂ કર્યા છે.
મેટા એઆઈ (Meta AI) સબસ્ક્રિપ્શન પ્લાનને મુખ્યત્વે બે ટિયરમાં રજૂ કરવામાં આવ્યો છે. પહેલો `મેટા વન પ્લસ` પ્લાન છે, જેની કિંમત માસિક ૭.૯૯ ડોલર (આશરે રુપિયા ૭૭૫) હશે. આ પ્લાન એવા લોકો માટે ઉપયોગી થશે જેઓ ઇમેજ બનાવવા, વીડિયો બનાવવા અને લાંબા રીઝનિંગ ટાસ્ક પૂર્ણ કરવા માટે મેટા એઆઈનો સૌથી વધુ ઉપયોગ કરે છે.
બીજો પ્લાન વધુ કિંમતનો છે, જેનું નામ `મેટા વન પ્રીમિયમ` છે. તેની કિંમત માસિક ૧૯.૯૯ ડોલર (આશરે રુપિયા ૧,૯૩૯) રાખવામાં આવી છે. આમાં મેટા વન પ્લાનના તમામ ફીચર્સ મળશે, જેની યુઝ લિમિટ વધારે હશે.
બીજી તરફ, કંપનીએ સ્પષ્ટ કર્યું છે કે `Meta AI` ચેટબોટનો મફત ઉપયોગ ચાલુ રહેશે. જો કે, જે લોકો ઇમેજ અને વીડિયો વગેરે બનાવવામાં તેનો ભારે ઉપયોગ કરે છે, તેઓ એક મર્યાદા ખતમ થયા પછી આ પ્લાન લેવા માટે મજબૂર બનશે. જો કે, મેટા તરફથી હજુ વપરાશની ચોક્કસ મર્યાદા (યુસેજ લિમિટ) ની માહિતી આપવામાં આવી નથી.