31 July, 2025 01:27 PM IST | Mumbai | Dr. Suruchi Desai
પ્રતીકાત્મક તસવીર
આજના સમયમાં હજારો સ્ત્રીઓ ઇન્ફર્ટિલિટીના પ્રૉબ્લેમ સામે ઝઝૂમી રહી છે જેના એક મુખ્ય કારણમાં અંડકોષ કે જેને સાદી રીતે એગ્સ પણ કહેવાય છે એ હેલ્ધી ન હોય, ફળદ્રુપ ન હોય તો સ્ત્રી ગર્ભ ધારણ કરી શકતી નથી અથવા ગર્ભ ધારણ કરવામાં કોઈ ને કોઈ તકલીફ ચોક્કસ આવે છે. એગની હેલ્થ પર અસર એટલે એગની ક્વૉલિટી અને ક્વૉન્ટિટી બન્ને જોખમાવી. એના લીધે શું થાય એ સમજીએ તો જો એગની ક્વૉલિટી ખરાબ હોય તો સ્ત્રીને ગર્ભ ધારણ કરવામાં તકલીફ થાય. તે પ્રેગ્નન્ટ ન બની શકે. અને જો તેની ક્વૉન્ટિટી પર અસર થાય તો એને પ્રીમૅચ્યોર ઓવેરિયન ફેલ્યર થાય અને એ સ્ત્રીને મેનોપૉઝ જલદી આવી જાય.
સ્ત્રીનાં એગ્સમાં સારી અને ખરાબ ક્વૉલિટી જેવું હોય છે. એક સમાન્ય પરિભાષા વિચારીએ તો જે એગ્સ ફલિત થઈ શકે એ એગ્સને હેલ્ધી અને સારી ક્વૉલિટીનાં માનવામાં આવે છે. જે એગ્સ ફલિત ન થઈ શકે એ ખરાબ ક્વૉલિટીનાં ગણાય છે. દરેક સ્ત્રીને એ ચેક કરવાની જરૂર નથી કે તેનાં એગ્સની ક્વૉલિટી કેવી છે. મહત્ત્વની વાત એ છે કે જો સ્ત્રી પ્રેગ્નન્ટ ન થઈ શકતી હોય તો અમે એની ઘણી જુદી-જુદી ટેસ્ટ કરીએ છીએ જેમાંની એક ટેસ્ટ એ પણ છે કે અમે તેનાં એગ્સની ક્વૉલિટી જોઈએ છીએ. અમુક જિનેટિક ટેસ્ટ, એમ્બ્રિયોની બાયોપ્સી વગેરે દ્વારા જાણી શકાય કે એગ્સ સારી ક્વૉલિટીના છે કે નહીં. પરંતુ આ ફક્ત એ સ્ત્રીઓ માટે જે ઇન્ફર્ટિલિટીનો પ્રૉબ્લેમ લઈને અમારી પાસે આવે છે.
એગની હેલ્થ પર સ્ત્રીની ઉંમરની સીધી અસર દેખાય છે. સ્ત્રીની જે રીપ્રોડક્ટિવ ઉંમર છે એ ૨૦થી ૩૦ વર્ષ દરમિયાન માનવામાં આવે છે. આ વર્ષો દરમિયાન તેનાં એગ્સની ક્વૉલિટી ખૂબ જ સારી માનવામાં આવે છે. જેમ-જેમ સ્ત્રીની ઉંમર વધતી જાય એમ-એમ તેનાં એગ્સની ક્વૉલિટી ઘટતી જાય છે. આ સિવાયનાં મહત્ત્વનાં કારણોમાં જે સ્ત્રીઓ ઓબીસ છે તેમનાં એગ્સની ક્વૉલિટીમાં ફરક આવે છે. સ્ટ્રેસ શરીરમાં હૉર્મોનલ ઇમ્બૅલૅન્સ માટે જવાબદાર બને છે. હૉર્મોન્સનું બૅલૅન્સ જો જાય તો એની સીધી અસર એગ્સ પર પડતી હોય છે. જોકે આ સ્ટ્રેસ વડે એગની ક્વૉલિટી પર ઓછી, એની ક્વૉન્ટિટી પર અસર વધુ પડે છે. પરંતુ એને કારણે પણ સ્ત્રીની ફર્ટિલિટી જોખમાય જ છે. કૅન્સર, ટીબી કે ડાયાબિટીઝ જેવા રોગો એગની હેલ્થ પર અસર કરે છે. ખાસ કરીને કૅન્સરમાં લેવામાં આવતી ટ્રીટમેન્ટ એટલે કે કીમોથેરપી અને રેડિયેશનમાં તો એગ મૅચ્યોર થવાનું જ બંધ થઈ જાય છે અને અમુક દરદીઓમાં એવું પણ બને છે કે મૅચ્યોર એગ જીવનભર માટે બનતાં જ નથી.