✕

બેડરૂમમાંથી મોબાઇલ-સ્ક્રીનને કાઢવાનો અને સુકાતી જતી નિકટતાને વધારવાનો રસ્તો શું?

03 November, 2026 02:33 PM IST  |  Mumbai | Dr. Mukul Choksi

આજે આ કોઈ એક કપલની નહીં, મૉડર્ન લાઇફ સ્ટાઇલ જીવતાં મોટા ભાગનાં યુગલોની કડવી વાસ્તવિકતા છે જેને મેડિકલ અને સાઇકોલૉજિકલ ભાષામાં ‘ઇન્ટિમસી ડ્રાઉટ’ એટલે કે નિકટતાનો દુકાળ કહી શકાય.

પ્રતીકાત્મક તસવીર

મારા કન્સલ્ટિંગ-રૂમમાં આવીને બેઠેલા એક વેલ એજ્યુકેટેડ કપલની વાત સાંભળીને મને સહેજ પણ આશ્ચર્ય ન થયું. ત્રીસી વટાવી ચૂકેલા આ કપલની સમસ્યા કોઈ મોટી બીમારી નહોતી, પણ છેલ્લા કેટલાક મહિનાઓથી તેમની વચ્ચે સર્જાયેલું એક અજીબ અંતર હતું. પત્નીનો આક્ષેપ હતો કે પતિને હવે તેનામાં રસ નથી રહ્યો, જ્યારે પતિની દલીલ હતી કે દિવસભરના કામ પછી તે એટલો થાકી જાય છે કે શારીરિક નિકટતાનો વિચાર પણ નથી આવતો.

આજે આ કોઈ એક કપલની નહીં, મૉડર્ન લાઇફ સ્ટાઇલ જીવતાં મોટા ભાગનાં યુગલોની કડવી વાસ્તવિકતા છે જેને મેડિકલ અને સાઇકોલૉજિકલ ભાષામાં ‘ઇન્ટિમસી ડ્રાઉટ’ એટલે કે નિકટતાનો દુકાળ કહી શકાય.

આ સમસ્યા પાછળ મૂળભૂત રીતે ૩ કારણો જવાબદાર છે. એક, કામનું અતિશય ભારણ; બીજું કારણ સતત રહેતો માનસિક તનાવ અને ત્રીજું કારણ જે હકીકતમાં વિલન પણ છે - સ્માર્ટફોનનો સ્ક્રીન-ટાઇમ. વ્યક્તિ જ્યારે સતત તનાવમાં હોય ત્યારે શરીરમાં કૉર્ટિસૉલ નામનું સ્ટ્રેસ હૉર્મોન વધે છે જે સીધી રીતે ટેસ્ટોસ્ટેરોન અને અન્ય સેક્સ-હૉર્મોન્સને દબાવી દે છે. પરિણામે ઇન્ટિમેટ થવાની ભાવના ધીમે-ધીમે ઓછી થાય છે અને પછી એ ઓસરી જાય છે.

બીજી તરફ દિવસભરની દોડધામ પછી રાત્રે જ્યારે બન્ને પાસે એકબીજા સાથે સંવાદ સાધવાનો સમય હોય છે ત્યારે બન્નેના હાથમાં મોબાઇલ આવી જાય છે. બેડરૂમની લાઇટ બંધ થયા પછી ચહેરા પર પડતો સ્માર્ટફોનનો બ્લુ પ્રકાશ માત્ર ઊંઘ માટે જરૂરી મેલૅટોનિન હૉર્મોન જ નથી બગાડતો, પાર્ટનર વચ્ચેની સ્પર્શ અને વાતચીતની ક્ષણોને પણ છીનવી લે છે.

આ સ્થિતિમાંથી બહાર આવવા માટે કોઈ દવાની જરૂર નથી હોતી. માત્ર લાઇફસ્ટાઇલમાં સભાન ફેરફાર લાવવાની જરૂર છે જેના માટે ૩ જ નિયમો બનાવવાના છે.

૧. ડિજિટલ ડીટૉક્સ : બેડરૂમને ‘નો-ગૅજેટ ઝોન’ બનાવો. સૂવાના ઓછામાં ઓછા એક કલાક પહેલાં ફોન સાઇડ પર મૂકી દો.

૨. સ્પર્શનું પુનરાગમન : નિકટતા એટલે માત્ર ઇન્ટિમસી જ નહીં. દિવસમાં એકબીજાને માત્ર વહાલથી આલિંગન આપવું, હાથ પકડવો કે સાથે બેસીને દિવસભરની વાતો કરવી એ ઑક્સિટોસિન એટલે કે લવ-હૉર્મોન વધારે છે જે કુદરતી રીતે નિકટતા પણ ઉમેરે છે.

૩. પ્રાથમિકતાનો નિર્ધાર : કામ અને કરીઅર મહત્ત્વનાં છે, પણ જો અંગત સંબંધો સુકાઈ જશે તો એ સફળતા પણ અધૂરી લાગશે. વીકમાં ઓછામાં ઓછો એક દિવસ કે સાંજ માત્ર એકબીજા માટે અનામત રાખો.

સંબંધો આપોઆપ જીવંત નથી રહેતા, એને પાણી પાઈને ઉછેરવા પડે છે. જો બેડરૂમમાંથી સ્ક્રીન બહાર નીકળશે તો જ ખોવાયેલો સ્નેહ ફરી અંદર પ્રવેશી શકશે.

 

healthy living relationships automobiles technology news medical information mental health life and style lifestyle news