15 October, 2026 07:04 PM IST | Mumbai | Sejal Patel
બે કલાક ગરબે ઘૂમ્યા પછી તમને અચાનક કાનમાં તમરાં બોલે છે?
મસ્ત બે-અઢી કલાક ગરબે ઘૂમ્યા પછી કાનમાં ઝીણી સિસોટી વાગતી હોય એવું લાગે છે?
શું તમને મ્યુઝિકની સાથે કયું ગીત ગવાય છે એના શબ્દો અલગ પારખવામાં મુશ્કેલી પડે છે?
શું તમે સિંગર અને સ્ટેજની નજીકમાં ગરબા રમવાનું પ્રિફર કરો છો?
પીક પર ગરબા પૂરા થાય એ પછી સાંભળવામાં મુશ્કેલી પડે છે?
આ પ્રકારનાં લક્ષણો તો હવે લગભગ દરેક કમર્શિયલ નવરાત્રિમાંથી બહાર આવો એટલે જોવા મળે છે, પરંતુ હવે ઘોંઘાટ દરમ્યાન કે ઘોંઘાટ પૂરો થાય એ પછી કાનમાં દુખાવાની ફરિયાદો વધી રહી છે જે શ્રવણક્ષમતા માટે ખૂબ જોખમી છે. મુલુંડ, થાણે અને કાંદિવલીમાં પ્રૅક્ટિસ કરતાં ENT અને હેડ ઍન્ડ નેક સર્જ્યન ડૉ. શીતલ રાડિયા કહે છે, ‘નવરાત્રિ દરમ્યાન ઘોંઘાટના અતિરેકને કારણે કાનમાં પીડાની સમસ્યા લઈને આવતા દરદીઓની સંખ્યામાં ખૂબ જ વધારો થયો છે. આ પેઇનને લાઇટલી ન લેવું જોઈએ. ઘણા લોકો માને છે કે આવું તો થાય, નવરાત્રિ પૂરી થાય એ પછી બધું બરાબર થઈ જશે. ઘણા કિસ્સામાં આવી રાહ જોવાનું ભારે પડી જાય છે.’
ઘોંઘાટની ક્ષમતા
આપણા કાન એક હદથી મોટો સાઉન્ડ લાંબા સમય માટે સહન નથી કરી શકતા. સામાન્ય રીતે આપણે વાતચીત કરતા હોઈએ કે રોજિંદા જીવનમાં કાને પડતો અવાજ લગભગ પચાસથી પંચાવન ડેસિબલનો હોય છે. કાનની મૅક્સિમમ કૅપેસિટીની વાત કરીએ તો ૮૫ ડેસિબલનો અવાજ કાન માટે સહ્ય છે. જોકે આટલો અવાજ જો સતત સાત-આઠ કલાક માટે કાનને સહન કરવો પડે તો શ્રવણ સાથે સંકળાયેલી ચેતાઓને ડૅમેજ કરી શકે છે. જેમ-જેમ ઘોંઘાટનો ડેસિબલ વધતો જાય એમ-એમ એ સહન કરવાનો સમયગાળો પણ ઘટતો જાય. ૮૮થી ૯૦ ડેસિબલ ઘોંઘાટ માત્ર ત્રણ-ચાર કલાક જ સહન થાય અને જ્યારે ૧૦૦ ડેસિબલ સુધી ઘોંધાટ પહોંચી જાય ત્યારે એ અવાજ અડધો-એક કલાક જ કાન સહી શકે છે. એનાથી વધુનો અવાજ ગણતરીની મિનિટોમાં બહેરાશ નોતરી શકે છે. ભલે નૉઇસ પૉલ્યુશનની ગાઇડલાઇન્સ આપવામાં આવેલી હોય, પણ પાંચ-સાત હજાર ખેલૈયાઓને એકસાથે ઝુમાવવા માટેનાં લાઉડસ્પીકરોમાંથી નીકળતો અવાજ કાન માટે અસહ્ય લેવલ પાર કરી જાય છે. આમાં ગ્રાઉન્ડના છેવાડે રમતા ખેલૈયાને પણ જોમદાર અવાજ આવે એ માટે સાઉન્ડ એટલો લાઉડ રાખવામાં આવે છે કે સ્પીકરની પાસે ઊભેલી કે રમતી વ્યક્તિઓના કાન માટે જોખમ ઊભું થાય છે. ઓપન ગ્રાઉન્ડ કરતાં બંધ હૉલ કે ડોમમાં એક હદ કરતાં વધુ મોટો સાઉન્ડ હોય તો એ કાનને વધુ અને ઝડપી ડૅમેજ કરી શકે છે.
કેવાં લક્ષણો ચિંતાજનક?
સામાન્ય રીતે ઘોંઘાટ કાને પડતો હોય અને મન રમવામાં વ્યસ્ત હોય ત્યારે મોટા ભાગે કોઈને કાનને તકલીફ થઈ રહી છે એવી ખબર નથી પડતી, પરંતુ કાનને ડૅમેજ થયું હોવાની જાણ લાઉડસ્પીકર બંધ થાય એ પછીથી થાય છે. એનાં લક્ષણો વિશે વાત કરતાં ડૉ. શીતલ રાડિયા કહે છે, ‘કાનમાં ઘંટડીઓ વાગતી હોય એવું લાગે છે. મ્યુઝિક પૂરું થયા પછી કાન જાણે સુન્ન પડી ગયા હોય એવું લાગે. આસપાસના લોકોનો અવાજ પણ જાણે દૂરથી આવતો હોય એવું લાગવા લાગે છે. પોતે બોલતા હોય ત્યારે પોતાનો અવાજ કાનમાં ગુંજે છે. બહાર મ્યુઝિક પૂરું થઈ ગયું છે, પણ કાનની અંદર ઝીણી ઘંટડીઓનો ભાસ થયા કરે છે. આ બધાં જ લક્ષણો દર્શાવે છે કે કાનની અંદર ઘોંઘાટને કારણે ડૅમેજ થયું છે. એક હદથી વધુ સમય નૉઇસ ઝીલવાને કારણે કાનની અંદર આવેલી ઑપ્ટિક નર્વ્સ ડૅમેજ થઈ શકે છે.’
અર્જન્ટ અટેન્શન ક્યારે?
નવરાત્રિ દરમ્યાન ગરબા પછી કાનમાં અચાનક સંભળાવાનું ઘટી ગયું હોવાના કિસ્સા વધે છે. ગ્રાઉન્ડમાં મ્યુઝિક વાગતું હોય ત્યારે એકબીજા સાથે વાત કરવા માટે લોકો એકબીજાના કાનમાં ઘૂસીને જોર-જોરથી બોલે છે. આનાથી વધુ ડૅમેજ થવાની સંભાવના રહે છે. ડૉ. શીતલ કહે છે, ‘એક તરફ ઘોંઘાટ છે અને એમાં પાછું કોઈક ખૂબ મોટેથી કાનમાં બોલે છે. આ ખૂબ જ ડૅમેજિંગ બની શકે છે. ઘણા લોકોને ઘોંઘાટ પછી કાનમાં સંભળાવાનું અચાનક ઘટી જાય છે કે બંધ થઈ જાય છે. રાતે ઘરે ગયા પછી કાનમાં પાછળની તરફ દુખાવો થાય છે. જો આ બે લક્ષણો હોય તો કોઈ રાહ જોયા વિના કાનના ડૉક્ટરને બતાવવું જોઈએ. જ્યારે આવું થાય ત્યારે કાનની ઑપ્ટિક નર્વ્સને ડૅમેજ થયું હોઈ શકે છે. જેમ હાર્ટ-અટૅક કે સ્ટ્રોક આવ્યો હોય તો તરત જ સારવાર મળે એ જરૂરી છે એવી જ રીતે કાનની નર્વ્સનું ડૅમેજ ગોલ્ડન અવર્સમાં પકડાઈ જાય તો શ્રવણક્ષમતા બચાવવાના ચાન્સિસ ઊજળા રહે છે.’
ટેમ્પરરી અને ગ્રૅજ્યુઅલ લૉસ
જ્યારે પણ આવી અવેરનેસ ફેલાવતી માહિતી વાંચીએ ત્યારે આપણે મોટા ભાગે આ મને તો લાગુ નથી પડતી એમ વિચારીને એને બહુ લાઇટલી લઈએ છીએ. મને તો થોડી વાર કાન સુન્ન પડી ગયેલા લાગે, પણ પછી બધું નૉર્મલ થઈ જાય છે... આવું માનવાવાળા અને વિચારવાવાળા લોકોની સંખ્યા ખૂબ છે. અને વાત સાવ ખોટી પણ નથી. લાઉડ નૉઇસ સાંભળનારા દરેકને અચાનક બહેરાશ નથી આવી જતી, પણ એ અંદરખાને ધીમે-ધીમે શ્રવણશક્તિને કોરતી હોય અને લાંબા ગાળાનું ડૅમેજ કરતી હોય એવી સંભાવના ખૂબ જ વધારે છે. લાંબા સમય સુધી ઘોંઘાટમાં રહેનારા લોકોને એજિંગ પ્રોસેસને કારણે આવતી બહેરાશ વહેલી આવે એવું સંભવ છે એમ જણાવતાં ડૉ. શીતલ કહે છે, ‘હિયરિંગ લૉસ અચાનક આવી શકે છે. બીજું, કોઈકને ટેમ્પરરી સંભળાવાનું બંધ થઈ જાય અને પાછું નૉર્મલ થઈ જાય એ ટેમ્પરરી ફેઝ છે. એમાં બહુ વાંધો નથી આવતો, પરંતુ વારંવાર આવતા આવા ટેમ્પરરી ફેઝથી ગ્રૅજ્યુઅલી હિયરિંગ લૉસની પ્રક્રિયા આગળ વધતી રહે છે જે પર્મનન્ટ શ્રવણક્ષમતા ગુમાવવા તરફની હોય છે. ઘોંઘાટથી સતત કાનને અબ્યુઝ કરતા રહીએ તો ઘડપણમાં દેખાતી બહેરાશ નાની ઉંમરે વર્તાવા લાગે એવું બને છે. એટલે જો ટેમ્પરરી હિયરલિંગ લૉસ જેવાં લક્ષણો વર્તાતાં હોય તો કાનના નિષ્ણાત પાસે ચેક-અપ કરાવી લેવું હંમેશાં બહેતર રહેશે.’
ગરબા પૂરા થયા પછી કાનમાં રિંગ સંભળાતી હોય, અવાજ અસ્પષ્ટ સંભાળતો હોય કે કાનમાં પાછળ દુખાવો થતો હોય તો તરત ચેક કરાવો.
ઘોંઘાટની બીજી અસરો શું પડે?
લાઉડ નૉઇસ કાન દ્વારા બ્રેઇન સુધી પહોંચે છે અને બ્રેઇનને એમાં ખતરો દેખાતો હોવાથી સ્ટ્રેસ-સિસ્ટમ ઍક્ટિવ થઈ જાય છે. ઍડ્રિનલિન અને કૉર્ટિઝૉલ હૉર્મોન રિલીઝ થાય છે જેને કારણે બ્લડ-પ્રેશર અને હૃદયના ધબકારા વધી જાય છે.
લગાતાર શોરબકોરમાં રહેવાથી માથામાં દુખાવો થવો, ચીડિયાપણું થવું, થાક લાગવો, એકાગ્રતા જાળવવામાં મુશ્કેલી પડવી જેવી તકલીફો પણ પડે છે.
ઘોંઘાટ છતાં ગરબા રમવા જ છે તો શું કરવું?
૧. પબ્લિક નવરાત્રિમાં જ્યાં જાયન્ટ સ્પીકર્સ હોય છે ત્યાં સ્પીકરથી સેફ ડિસ્ટન્સ રાખવું જરૂરી છે. સ્ટેજ પાસે કે સ્પીકર પાસે જ ગરબા રમવા કે સાંભળવા ન ઊભા રહેવું.
૨. ટેક અ બ્રેક. બે કલાક સુધી સતત ગ્રાઉન્ડમાં નૉઇસની વચ્ચે રહેવાને બદલે અડધો-પોણો કલાકે ઘોંઘાટમાંથી થોડીક મિનિટો કાનને શાંતિ મળે એવી જગ્યાએ જવું.
૩. ગરબા રમવા જાઓ ત્યારે પણ કાનમાં પ્રૉપર્લી ફિટ થાય એવાં ઇઅરપ્લગ્સ પહેરવાં. એનાથી બહારનો ઘોંઘાટ થોડોક ગળાઈને કાનમાં જશે.
૪. હેડફોન્સ વાપરતા હો તો બહારનો અવાજ કે બૅકગાઉન્ડ નૉઇસને દૂર કરવા માટે વૉલ્યુમ વધારવો નહીં.
૫. ગરબાના ગ્રાઉન્ડમાં બને ત્યાં સુધી એકબીજાના કાનમાં મોં નાખીને જોરજોરથી વાતો ન કરવી.
૬. જો રોજ રાતે ગરબા રમવા હોય તો દિવસ દરમ્યાન થોડોક સમય એકદમ નીરવ શાંતિવાળા વાતાવરણમાં રહેવું.