18 March, 2026 05:43 PM IST | Mumbai | Heena Patel
પ્રતીકાત્મક તસવીર
છેલ્લાં કેટલાક વર્ષોમાં વેલનેસ ઇન્ડસ્ટ્રી ઝડપથી વિસ્તરી રહી છે. ડીટૉક્સ ટી, ફૅટબર્નર ગોળીઓ, બ્યુટી ગમીઝ, કૉલેજન સપ્લિમેન્ટ્સ જેવી પ્રોડક્ટ્સને ઝડપી અને સરળ હેલ્થ-સૉલ્યુશન તરીકે રજૂ કરવામાં આવે છે. વજન ઝડપથી ઘટાડવું હોય, સ્કિનમાં ગ્લો લાવવો હોય કે શરીરને ડીટૉક્સ કરવું હોય, હવે લગભગ દરેક સમસ્યાની એક તૈયાર પ્રોડક્ટ બજારમાં ઉપલબ્ધ છે. આજકાલ સોશ્યલ મીડિયા સ્ક્રૉલ કરતાં-કરતાં આપણને હેલ્થના શૉર્ટકટ્સ દેખાડવામાં આવે છે જે સાંભળવામાં કોઈ જાદુથી ઓછા નથી લાગતા. કોઈ ઇન્ફ્લુઅન્સર ડીટૉક્સ ટીથી બૉડી ક્લેન્ઝ કરવાની સલાહ આપે છે તો કોઈ બ્યુટી ગમીઝ કે કૉલેજન સપ્લિમેન્ટ્સને ગ્લોઇંગ સ્કિન અને મજબૂત વાળના રહસ્ય તરીકે રજૂ કરે છે. જોકે આરોગ્ય નિષ્ણાતો ચેતવણી આપે છે કે ક્વિક ફિક્સ તરીકે વેચાતી આ પ્રોડક્ટ્સ હંમેશાં એટલી નિર્દોષ નથી જેટલી દેખાય છે. ઘણા કેસોમાં એમાં એવા ઇન્ગ્રીડિયન્ટ્સ હોય છે જે શરીર પર અનેક રીતે નકારાત્મક અસર નાખે છે. ખાસ કરીને જ્યારે એનો બિનજરૂરી અથવા અતિશય ઉપયોગ કરવામાં આવે. વેલનેસના નામે વધતા આ ટ્રેન્ડ વચ્ચે સાચી જાણકારી અને સાવચેતી અત્યંત જરૂરી બની ગઈ છે.
ડીટૉક્સ ટી
વજન ઘટાડવાના શૉર્ટકટ તરીકે જે ડીટૉક્સ ટીને વેચવામાં આવે છે એને વાસ્તવિકતામાં સ્વાસ્થ્ય સાથેનાં ગંભીર ચેડાં ગણાવતાં ડાયટિશ્યન ભાવિ મોદી કહે છે, ‘ઘણી ડીટૉક્સ ટીમાં સેન્ના નામનું તત્ત્વ હોય છે જે એક શક્તિશાળી જુલાબ (લૅક્સેટિવ) છે. એ ચરબી નથી ઓગાળતું પરંતુ આંતરડાંને પરાણે સાફ કરી શરીરમાંથી માત્ર પાણી એટલે કે વૉટરવેઇટ ઓછું કરે છે, જેના કારણે વજનકાંટા પર વજન ઓછું દેખાઈ શકે છે પણ એ કાયમી નથી. આ પ્રક્રિયાથી શરીરમાં ગંભીર ડીડિહાઇડ્રેશન અને ઇલેક્ટ્રોલાઇટ અસંતુલન પેદા થાય છે જે હૃદયના ધબકારા અનિયમિત કરી શકે છે. લાંબા સમય સુધી આવી ચા પીવાથી આંતરડાં એની કુદરતી કાર્યશક્તિ ગુમાવી દે છે અને વ્યક્તિ એના પર નિર્ભર થઈ જાય છે જે કાયમી કબજિયાત અને પાચનતંત્રની નબળાઈમાં પરિણમે છે. ઉપરાંત આ ચામાં રહેલું અતિશય કૅફીન અને ગાર્સિનિયા કેમ્બોજિયા જેવાં તત્ત્વો લિવર પર સોજો લાવી શકે છે અને ઊંઘ ન આવવી કે બેચેની જેવી માનસિક અસરો પેદા કરે છે. આપણું લિવર અને કિડની કુદરતનાં સર્વશ્રેષ્ઠ ડીટૉક્સ મશીન છે જે કોઈ પણ બહારની ચા વગર ૨૪ કલાક શરીરને સાફ કરવાનું કામ કરે છે. નૅચરલ કે હર્બલના લેબલ હેઠળ વેચાતી આ ચા વાસ્તવમાં મેડિકલ સુપરવિઝન વગર લેવી જોખમી છે.’
હર્બલ એક્સ્ટ્રૅક્ટ એટલે કે અર્કને
હર્બલ એક્સ્ટ્રૅક્ટ્સને ઘણી વાર નૅચરલ અને સેફ તરીકે રજૂ કરવામાં આવે છે પરંતુ એનો અતિશય ઉપયોગ હંમેશાં સુરક્ષિત હોય એવું જરૂરી નથી. આને ઉદાહરણ સાથે સમજાવતાં ભાવિ મોદી કહે છે, ‘પાચન અને ઇમ્યુનિટી સુધારવા માટે જાણીતી ગિલોય (આયુર્વેદિક હર્બ)નો જો મેડિકલ સલાહ વગર અતિરેક કરવામાં આવે તો એ લિવર પર સોજો લાવી શકે છે અને ગંભીર ઑટો-ઇમ્યુન લિવર ઇન્જરીનું કારણ બની શકે છે. એવી જ રીતે સ્ટ્રેસ-રિલીફ અને માનસિક શાંતિ માટે વપરાતી અશ્વગંધા અત્યંત લોકપ્રિય છે, પરંતુ એનાં હાઈ ડોઝ એક્સ્ટ્રૅક્ટ્સ લિવર ટૉક્સિસિટી વધારી શકે છે. વજન ઘટાડવા માટે પીવામાં આવતી ગ્રીન ટી સ્વાસ્થ્યપ્રદ છે, પરંતુ જ્યારે એનાં એક્સ્ટ્રૅક્ટ્સને હાઈ-કૉન્સન્ટ્રેટેડ પિલ્સ કે પાઉડર તરીકે લેવામાં આવે છે ત્યારે એ લિવર સેલ્સને કાયમી નુકસાન પહોંચાડી શકે છે. એવી જ રીતે ઇમ્યુનિટી બૂસ્ટર તરીકે પ્રચલિત હળદરનું સક્રિય તત્ત્વ કર્ક્યુમિન જો વધુપડતી માત્રામાં લેવામાં આવે તો એ લોહી પાતળું કરી શકે છે અને લિવર પર વધારાનો ભાર નાખે છે. આયુર્વેદિક ઔષધિઓ ત્યારે જ અસરકારક હોય છે જ્યારે એ વ્યક્તિની પ્રકૃતિ અને યોગ્ય માત્રા મુજબ લેવાય.’
હેર ગમીઝ
હેર, સ્કિન અને નેઇલ્સ માટેની બ્યુટી ગમીઝ છેલ્લા કેટલાક સમયમાં વેલનેસ માર્કેટમાં ખૂબ ટ્રેન્ડમાં આવી ગઈ છે. આ ગમીઝને સરળ અને સ્વાદિષ્ટ સપ્લિમેન્ટ તરીકે રજૂ કરવામાં આવે છે, પરંતુ ગમીઝમાં ઉમેરાતી શુગર અને આર્ટિફિશ્યલ ફ્લેવર્સ લાંબા ગાળે હેલ્થ માટે ફાયદાકારક નથી. ગમીઝની અસરકારકતા વિશે વાત કરતાં ડર્મેટોલૉજિસ્ટ ડૉ. બિન્દિયા મુખી કટારિયા કહે છે, ‘બજારમાં મળતી બ્યુટી ગમીઝ માત્ર કમર્શિયલ સપ્લિમેન્ટ્સ છે, એને ઍલોપથીની મુખ્ય દવાઓ કે સારવારનો વિકલ્પ ન ગણી શકાય. આ ગમીઝ અમુક અંશે જ પરિણામ આપી શકે છે, પરંતુ જો તમે વાળ ખરવાની કોઈ ગંભીર સમસ્યાથી પીડાતા હો તો માત્ર ગમીઝ લેવી બિલકુલ સલાહભર્યું નથી. આપણને ઘણી વાર લાગે છે કે આ તો માત્ર સામાન્ય હેરફૉલ છે, પણ હંમેશાં એવું નથી હોતું. ઘણી વાર શરીરની આંતરિક બીમારીઓને કારણે પણ વાળ ખરતા હોય છે. જો તમારા દિવસના ૧૦૦થી વધુ વાળ ખરતા હોય તો ગમીઝના ભરોસે રહેવાને બદલે તરત ડર્મેટોલૉજિસ્ટનો સંપર્ક કરવો જોઈએ. કમર્શિયલ ગમીઝ તમારા વાળના ટેક્સ્ચરમાં થોડો સુધારો કરી શકે છે, પરંતુ એ હેરફૉલ પાછળના મૂળ કારણ કે બીમારીની સારવાર કરી શકતી નથી.’
કૉલેજન સપ્લિમેન્ટ્સ
કૉલેજન સપ્લિમેન્ટ્સને સ્કિન-ગ્લો, ઍન્ટિએજિંગ અને હેર-હેલ્થ માટે મોટા પ્રમાણમાં પ્રમોટ કરવામાં આવે છે, પરંતુ એના ફાયદા સાબિત કરતા વૈજ્ઞાનિક સ્ટડીઝ હજી મર્યાદિત છે એમ જણાવતાં બિન્દિયા મુખી કટારિયા કહે છે, ‘બજારમાં મળતી મોટા ભાગની કૉલેજન પ્રોડક્ટ્સ પ્રાણી આધારિત સ્રોતોમાંથી બનેલી હોય છે. એટલે વેજ કૉલેજન તરીકે કરવામાં આવતું માર્કેટિંગ દાવાઓ ભ્રમિત કરી શકે છે, કારણ કે કુદરતમાં સાચું વેજિટેરિયન કૉલેજન અસ્તિત્વમાં નથી. આપણે જે કૉલેજન ખાઈએ છીએ એ શરીરમાં સીધું સ્કિન અથવા વાળ સુધી પહોંચતું નથી. પાચનપ્રક્રિયા દરમિયાન ગૅસ્ટ્રિક જૂસ અને એન્ઝાઇમ્સ એને પેપ્ટાઇડ્સ અને અમીનો ઍસિડ્સમાં તોડી નાખે છે, જેને શરીર પછી એની જરૂર મુજબ વિવિધ ટિશ્યુઝ જેમ કે મસલ્સ, હાડકાં, સાંધા અને અન્ય પ્રોટીન બનાવવાની પ્રક્રિયામાં ઉપયોગમાં લે છે. એટલે કૉલેજન સપ્લિમેન્ટ્સ લેતાં જ એ સીધું સ્કિનમાં જઈને ગ્લો આપે એવું માનવું વૈજ્ઞાનિક રીતે સંપૂર્ણ સાચું નથી. ફક્ત કૉલેજન સપ્લિમેન્ટ્સ પર નિર્ભર રહેવા કરતાં સંતુલિત આહાર, પૂરતું પ્રોટીન અને વિટામિન C જેવાં પોષક તત્ત્વો પર ધ્યાન આપવું વધુ અસરકારક છે.’