11 January, 2025 12:41 PM IST | Mumbai | Darshini Vashi
હાર્લી’સ ફાઇન બેકિંગ, ચોકો મેડોવિક હૉટ ચૉકલેટ, સિગ્નેચર મેડોવિક કેક
ફોર્ટ ખાતે થોડા સમય પહેલાં જ એક યુરોપિયન બેકરી કૅફે ખોલવામાં આવી છે જેનું નામ હાર્લી છે. આ બેકરી હૈદરાબાદમાં ખૂબ પ્રખ્યાત છે જે હવે ફોર્ટમાં કાલા ઘોડા પાસે ખોલવામાં આવી છે. આ કૅફેની બે ખાસ વાત છે, એક તો એનું લક્ઝુરિયસ ઇન્ટીરિયર અને બીજી છે વિદેશી ભૂમિની પ્રીમિયમ ડિઝર્ટ અને કન્ફેક્શનરી વરાઇટીઝ.
આ કૅફેનું ઇન્સ્ટાગ્રામેબલ ઇન્ટીરિયર તમને સીધા યુરોપ લઈ જશે. અહીં તમામ વસ્તુ વેજ જ મળે છે. ત્યાં સુધી કે ડિઝર્ટમાં પણ ઈંડાં વાપરવામાં આવતાં નથી. આ તો થઈ ડિઝર્ટની વાત, પણ અહીંની કૉફી તમને વિદેશી કૅફેની યાદ અપાવી જશે. આ કૅફે ગ્રાઉન્ડ પ્લસ ફર્સ્ટ ફ્લોર સુધી વિસ્તરેલી છે જેનો ઉપયોગ કિટી પાર્ટી, ઑફિસ મીટિંગ તેમ જ સ્મૉલ ગેટ-ટુગેધર માટે થઈ શકે એવો છે. આખી કૅફેમાં લગભગ ૧૦૦ જણ બેસી શકે એટલી વ્યવસ્થા પણ છે. બેસવા માટે લક્ઝુરિયસ સોફા અને સોફા ચૅર મૂકવામાં આવેલાં છે. કૅફેનો વાઇબ્રન્ટ કલર અને સ્પેશિયસ વૉકિંગ તેમ જ સિટિંગ એરિયા અહીંના માહોલને યુરોપિયન ટચ આપે છે.
હવે અહીંના ડિઝર્ટની વિશેષતાની વાત કરીએ તો રશિયન મૅડોવિક કેક અહીં સૌથી વધુ પ્રખ્યાત છે. એવું કહેવાય છે આ કેક વિદેશમાં ઘણી માનીતી છે. મહારાણી એલિઝાબેથ ઍલેક્સીવેનાને મેડોવિક કેક ખૂબ ભાવી હતી જેને લીધે તે ‘ક્વીન કેક’ તરીકે ઓળખાય છે જે હવે અહીં મળી રહી છે. આ કેક જ નહીં પણ દરેક ડિઝર્ટ અહીં મધથી બનાવવામાં આવેલાં છે જેને લીધે એનો ટેસ્ટ રૉયલ લાગે છે. જેમ આપણે ત્યાં ચાની સાથે બિસ્કિટ ખાવામાં આવે છે એમ વિદેશમાં કૉફીની સાથે પેસ્ટ્રી અથવા કેક ખાવામાં આવે છે. એટલે અહીં કૉફીની સાથે કેક આપવામાં આવે છે. આ સિવાય અહીં ચોકો મેડોવિક હૉટ ચૉકલેટ, ચીઝ કેક, ક્રીમી કોરિયન બન, સિગ્નેચર ઇટાલિયન કૅપુચીનો, ટ્રેસ લૅચીસ કેક વગેરે ખૂબ જ સરસ મળે છે. સવારે નવ વાગ્યાની આસપાસ આ કૅફે શરૂ થાય છે જે મોડી રાત સુધી ખુલ્લી રહે છે.
ક્યાં મળશે? : હાર્લી’સ ફાઇન બેકિંગ, અંબાલાલ દોશી માર્ગ, કાલા ઘોડા, ફોર્ટ.